Charchapatra

સુરતની શેરીઓનું સમર વેકેશન

સુરજદાદા સોળે કળાએ ખીલ્યા હોય,એપ્રિલ મહિનામાં ધીમે ધીમે પરીક્ષા પતવા માંડે એટલે શેરી મોહલ્લા બાળકોથી ઉભરાવા માંડે,ત્યાંરે શેરીઓના ઘરોમાં સંયુક્ત કુટુંબ હતા એક ઘરમાં પાંચ સાત બાળકો હોવું સામાન્ય હતું.વેકેશન નો લ્હાવો બે મહિના લેવાનો.આમ પણ અમારા સુરતીઓ ને શહેર માં પિતાનું ઘર અને શહેર માં મામા નું ઘર.એક પગ મામા ને ઘરે તો બીજો પગ બાપાના ઘરે.કાચ ની મંજી મંજા (લખોટી)ની રમત રમાતી.

બપોરે તાપ પડે એટલે ઓટલા પર પાના રમાતા,તે સમયમાં આજની જેમ ગરમી હતી નહિ,ઠેર ઠેર વૃક્ષો હતા,મેદાનો હતા પરિણામે વાતાવરણમાં ગરમી ઓછી લાગતી હતી.બપોરે આમલી ના ચીચુકા ની રમત રમાતી.નવો વેપાર,સર્પસીડી રમતો તો ખરી જ.બપોરે બરફના ગોલા વાળો ઘંટા વગાડતો આવતો,અમે પંગ ખાઇને ગરમીમાં પ્યાસ બુજાવતા.કોઠા લડાવાની મજા જ કઈ ઓર હતી.

ક્રિકેટ,વોલીબોલ,કબડ્ડી,ઇચો પીચો,ગિલ્લી દંડા જેવી રમતો કાયમ રમાતી.નવરા પડીએ તો સિનેમા રોડ પર પિક્ચર ના ફોટા જોવા જતા.થિયેટર માં જે ફિલ્મ ચાલતી હોય તેના ફોટા કાચ ની ફ્રેમ માં લગાવ્યા હોય તે જોવાની મજા આવતી.ફિલ્મ જોવા જેટલો આનંદ મળતો.રાત્રે સાંકડી,સંતાકુકડી,આગો પાટો,ઓગણીસ વીસ જેવી નાઈટ રમત ગમત ની રંગત જામતી.સમય મળે તો ભાડાં ની સાયકલ ચલાવતા. રાત સુધી મોહલ્લો ઉભરાતો રહેતો ઘરેથી મા બાપા ની બુમ પડે ત્યારે ઘર ભેગા થતા.રાત્રે ગેલેરી માંજ કુદરતના સાનિધ્ય માં ચાંદામામા ની રોશની માં ઉંધી જતા.જેવા ગાદલા માં પડ્યા એટલે સવાર પડી જાય.આમ બે મહિના વેકેશનની મજા માનતા.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top