Comments

તામિલનાડુમાં ભાજપનો આધાર અન્નામલાઈ

ભાજપ આ ચૂંટણીમાં દક્ષિણનાં રાજ્યો પર વધુ મદાર રાખે છે. નરેન્દ્ર મોદી – અમિત શાહે આ રાજ્યોમાં પ્રવાસ પણ ઘણા કર્યા છે. તામીલનાડુમાં ભાજપને સારી એવી અપેક્ષા છે. અહીં ભાજપ ક્યારેય સફળ રહ્યો નથી પણ આ વેળા ભાજપને આશા છે કે, એમને બે આંકડામાં બેઠકો મળશે અને આ આશાનો આધાર છે કે, અન્નામલાઈ. કોણ છે,આ કુપ્પુસ્વામી અન્નામલાઈ? ભાજપ એમના પર આટલો બધો મદાર કેમ રાખે છે? મતદાનના પહેલા તબક્કામાં જ અન્નામલાઈ લડ્યા એ બેઠક પર મતદાન થઇ ચૂક્યું છે.

એ કોઇમ્બતુરથી લડી રહ્યા છે અને ભાજપના કોઈ પણ રાજ્યના સૌથી યુવા પ્રમુખ છે. હા જી, ભાજપે એમણે ૩૬ વર્ષની ઉંમરમાં જ તામીલનાડુમાં પક્ષની બાગડોર સોંપી હતી. આજે એ ૩૯ વર્ષના છે અને તામીલનાડુમાં યુવાઓમાં એ ખાસ્સા લોકપ્રિય છે. મીકેનીકલ એન્જિનિયર બન્યા બાદ એમબીએ અને પછી યુપીએસસીની પરીક્ષામાં ઊંચા ગ્રેડથી પાસ થઇ પોલીસ અધિકારી બન્યા પણ ૨૦૧૯માં એક એક એમણે રાજીનામું આપ્યું અને ૨૦૨૦માં એ ભાજપમાં જોડાઈ ગયા અને બે વર્ષમાં જ એ ભાજપના પ્રમુખ બની ગયા. આવું કદાચ ભાજપે કોઈ પણ રાજ્યમાં કર્યું નથી.

તામીલનાડુમાં ભાજપ ક્યારેય ચિત્રમાં રહ્યો હોય એવું બન્યું નથી. દક્ષિણના આ મોટા રાજ્યમાં લોકસભાની ૩૯ બેઠકો છે અને ભાજપનો અહીં દેખાવ શૂન્યની સાવ નજીક રહ્યો છે. પણ અન્નામલાઈના કારણે ભાજપને આશા છે કે, ભાજપનો સ્કોર અહીં બે આંકડે પહોંચશે. એટલે ભાજપ આ રાજ્યમાં બે પાંદડે થશે. અન્નામલાઈ કોઇમ્બતુરથી લડે છે અને આ શહેરથી ભાજપનો બહુ જુનો નાતો છે. કારણ કે, બે વાર ભાજપ અહીંથી જીત્યો છે. એ સમય રામરથયાત્રાનો હતો. ૧૯૯૮ અને ૧૯૯૯માં ભાજપ અહીં જીત્યો હતો.

૧૯૯૮માં એલ. કે. અડવાણીની પ્રચારયાત્રા દરમિયાન સીલસીલાબંધ બોમ્બધડાકા થયા હતા અને ૫૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એ મુદા્નો લાભ લેવા મોદી તામીલનાડુના પ્રચાર માટે ગયા ત્યારે આ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી. અન્નામલાઈએ પણ આખા રાજ્યમાં એન  મેન , એન મક્કલ [ મારી ભૂમિ , મારા લોકો ] નામે યાત્રા કરી હતી. જેની શરૂઆત અમિત શાહે કરેલી અને અંતમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને ત્યારે વેન્દુમ મોદી , મીન્દૂમ મોદીના નારા લાગ્યા હતા.

એટલ કે, મોદીને ફરી સત્તામાં લાવવા છે. કોઇમ્બતુર કાપડ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે અને એમાં ઉત્તર ભારતનાં અનેક લોકો કામ કરે છે. એટલે અહીં રામનો મુદો્ ચાલશે એવો પણ ભાજપને વિશ્વાસ છે. જો કે, હજુ સુધી ભાજપ અહીં સફળતા મેળવી શક્યો નથી. ૨૦૧૯માં અહીં ભાજપને માત્ર ૩.૬૬ ટકા મત જ મળ્યા હતા અને આ વેળા ભાજપ આશા રાખે છે કે, એને દસ ટકાથી વધુ મત મળશે અને દસથી વધુ બેઠકો પણ.

જો કે, તામીલનાડુમાં રામનો મુદો્ ચાલતો નથી. દ્રવિડ અને તમિલ રાષ્ટ્રવાદ ચાલે છે. પણ અન્નાડીએમકે નબળો પડ્યો છે. એનો ફાયદો ભાજપ ઉઠાવવા માગે છે. એક વિકલ્પ બનવા માગે છે અને એનો બધો ભાર અન્નામલાઈ પર છે. ડીએમકે સત્તા પર છે પણ કરુણાનિધિ આજે છે નહિ, સ્ટાલિન એમની બરોબરી કરી શકે એમ નથી. આ સ્થિતિમાં ભાજપ અહીં ચોકો જમાવવા માગે છે. આ ચૂંટણીમાં ભાજપ સફળ થયો તો આ રાજ્યમાં એ સત્તા તરફ પ્રયાણ કરવા તત્પર બનશે એ નક્કી.

આ કઈ પ્રકારની લડાઈ છે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  જેલમાં છે અને એમણે રાજીનામું આપ્યું નથી. એનાથી ઘણાં લોકો પરેશાન પણ છે. કેજરીવાલ જીદ્દી રાજકારણી છે. એ હાથ પર છે તો ઇડી પર હઠાગ્રહ કરી રહી છે. કેજરીવાલ સામે કોઈ પાક્કો પુરાવો હજુ સુધી એમની સામે મળ્યો નથી પણ કેજરીવાલ જેલમાં છે અને એને જામીન ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે. જો કે, બંને પક્ષે જે આક્ષેપબાજી ચાલે છે એ નીચલા સ્તરે પહોંચી છે.

ઇડીએ કહ્યું કે, કેજરીવાલ જેલમાં જાણી જોઇને કેરી અને ગળ્યા પદાર્થ વધુ ખાય છે. એ ડાયાબીટીસના દર્દી છે , ટાઈપ ટુ ડાયાબીટીસ છે અને એમનું ડાયાબીટીસ વધુ રહે છે. જામીન મેળવવા માટે આવું થઇ રહ્યું છે. બીજી બાજુ , આપ કહે છે કે, જેલમાં કેજરીવાલને ઇન્સ્યુલીન અપાતું નથી. એમની તબિયત બગડી છે. એમને મારી નાખવાની સાજીશ થઇ રહી છે. કોઈ મુખ્યમંત્રી  હોય એની ધરપકડ થાય , પુરાવા વિના થાય એવો તો પહેલો જ કિસ્સો છે. સાથે આવી આક્ષેપબાજી પણ કદાચ પહેલી વાર થઇ રહી છે. આપણા સંજયસિંહ તો બહાર આવી ગયા, પણ કેજરીવાલ . સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હજુ ય અંદર છે. એ ક્યારે બહાર આવશે? ચૂંટણી પછી કદાચ.

ગુજરાતમાં આપ નબળો પડી રહ્યો છે.
કેજરીવાલ – સિસોદીયા જેલમાં છે અને ગુજરાત કે જ્યાં ધારાસભાની ચૂંટણીમાં આપે ૧૩ ટકા મત અને પાંચ બેઠક મેળવી પણ એ પછી આપ ગુજરાતમાં સતત તૂટી રહી છે. ઇસુદાન ગઢવીને પ્રમુખ તો બનાવાયા, પણ એમની અસરકારકતા એટલી બધી નથી કે, આ પક્ષ ટકી રહે. કારણ કે, આપના ઘણા નેતાઓ પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હમણાં બે મુખ્ય ચહેરા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ પણ રાજીનામાં આપ્યાં છે. આ બંને યુવાનો સુરતમાં આપણા ચહેરા હતા અને ચૂંટણીમાં પણ એમનો દબદબો રહેલો, ભાજપના નાકમાં દમ લાવી દીધો હતો. એ બંને પક્ષ છોડી જાય એનો મતલબ કે પક્ષમાં બધું બરાબર નથી. હા, ગુજરાતમાં આપ લોક્સભાની બે બેઠક લડી રહ્યો છે પણ એ જીતી જાય એવી શક્યતા ઓછી છે. કોંગ્રેસે આપને બે બેઠક આપી એ જ આશ્ચર્ય છે. આપ મજબૂત બનવાને બદલે નબળો પડી રહ્યો હોય એમ કેમ લાગે છે?
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top