Vadodara

વડોદરા : મોટી હોનારત થતા ટળી , વીજ કંપનીનો જીવંત કેબલ વાયર ધડાકાભેર તૂટી પડ્યા બાદ આગ લાગી

આઠ થી દસ ભૂલકાઓનો આબાદ બચાવ

કેબલ તૂટીને ઘર આંગણે પડયા બાદ આગ લાગી, લોકો પોતાના ઘરોમાં કેદ થયા

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

વડોદરાના વારસિયા રીંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટી અને રાધેશ્યામ સોસાયટીમાં અચાનક જીઈબીનો જીવંત કેબલ વાયર ધડાકાભેર તૂટી પડયા બાદ આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવા છતાં તકલાદી કામગીરીના કારણે ફરી વખત કેબલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં આઠથી 10 ભૂલકાઓનો આબાદ બચાવ થયો હતો.

વારસિયા રીંગ રોડ પર આવેલ સુંદરમ સોસાયટી રાધેશ્યામ સોસાયટીમાં ગતરાત્રીએ અચાનક એમજીવીસીએલનો જીવંત કેબલ વાયર સ્પાર્ક સાથે ધડાકા ભેર તૂટી પડ્યો હતો. વીજ કેબલ તૂટી પડ્યા બાદ લોકોના ઘર આંગણે પડતા રહીશો પોતાના ઘરોમાં જ કેદ થયા હતા. આ દ્રશ્ય જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

એમજીવીસીએલની વધુ એક બેદરકારી સામે આવી છે. રહીશોની ફરિયાદ બાદ યોગ્ય કામગીરી નહિ કરવામાં આવતા લોકો ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા મજબુર બન્યા છે. વારસિયા રીંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટી રાધેશ્યામ સોસાયટીમાં વીજ કેબલ વારંવાર તૂટી પડતા હોવાની ફરિયાદ વારંવાર એમજીવીસીએલને કરવામાં આવી હોવા છતાં તકલાદી કામગીરી સાથેની ગંભીર બેદરકારીના કારણે ફરી કેબલ તૂટી પડ્યો હતો. ફટાકડા ફૂટી રહ્યા હોય તેવા સ્પાર્ક સાથે કેબલ વાયર ઉપરથી નીચે લોકોના ઘર આંગણે પડ્યો હતો. જ્યારે નીચે કેબલ પડ્યા બાદ તેમાં આગ લાગી હતી. જોકે એક રહીશે હિંમત દાખવી તુરંત તેની પર રેતી નાખી દીધી હતી. સદનસીબે નીચે બેસેલા 8 થી 10 ભૂલકાઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ એમજીવીસીએલ સામે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top