Editorial

સામુહિક પરિવહન માટે બુલેટ ટ્રેન કે અન્ય ખર્ચાઓ કરવાને બદલે સરકાર એરપોર્ટ અને વિમાની સેવાઓ વધારે તે જરૂરી

જે તે પ્રદેશનો ત્યારે જ વિકાસ થાય છે કે જ્યારે તે પ્રદેશ સાથે અન્ય પ્રદેશોની કનેક્ટિવિટી વધારે હોય. વિદેશોમાં એક શહેર બીજા શહેરથી ઘણા દૂર હોય છે. પરંતુ આ બંને શહેર વચ્ચેની કનેક્ટિવિટી એટલી ઝડપી હોય છે કે વધારે અંતરનો આભાસ જ થતો નથી. આ કનેક્ટિવિટી એટલે વિમાની સેવા. એવું ધાર્મિક પુસ્તકોમાં જોવા મળે છે કે ભગવાન રામના સમયમાં રાવણ પાસે પુષ્પક વિમાન હતું. આ ન્યાયે વિશ્વમાં વિમાની સેવામાં ભારતને અગ્રેસર ગણી શકાય. જોકે, જો છેલ્લી એક સદીનો ઈતિહાસ જોવામાં આવે તો ભારતમાં કોમર્શિયલ વિમાની સેવાનો પ્રારંભ 1911માં 18મી ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ દિવસે ભારતમાં પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ ઉડી હતી. તે સમયે ભારતમાં ખાનગી એરલાઈન્સો હતી. ભારત દેશ આઝાદ થયા બાદ 1923માં ભારતીય સંસદે કાયદો ઘડીને તમામ એરલાઈન્સને સરકારી છત્ર હેઠળ લાવી દીધી અને માત્ર બે જ એરલાઈન્સ બનાવી દીધી.

ભારતમાં વિમાની સેવા શરૂ થયાને 100 વર્ષ પુરા થઈ ગયા. પરંતુ હજુ પણ ભારતમાં વિમાની સેવા લંગડાતી જ રહે છે. તેમાં પણ એરપોર્ટની દશા તો કલ્પી શકાય તેવી હોતી નથી. ભારતમાં હાલના તબક્કે ૧૮ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો, ૭ કસ્ટમ્સ વિમાનમથકો, ૭૮ આંતરિક વિમાનમથકો, ૨૬ સિવિલ એન્ક્લેવ અને લશ્કરી એરફિલ્ડસ સહિત કુલ ૧૨૫ વિમાનમથકો છે. આંકડા પ્રમાણે ગત વર્ષે જ એટલે કે 2023માં ભારતમાં 19 કરોડ લોકો દ્વારા વિમાની સેવાનો લાભ લેવામાં આવ્યો હતો. જેમાં 13.60 કરોડ લોકોએ ડોમેસ્ટિક વિમાની સેવા અને 5.46 કરોડ લોકોએ ઈન્ટરનેશનલ વિમાની સેવાનો લાભ લીધો હતો.

આમ જોવામાં આવે તો ભારતની વસતી હાલમાં અંદાજે 144 કરોડ છે અને આટલી વસતી હોવા છતાં પણ જો વિમાની સેવાનો લાભ લેનારા લોકોની સંખ્યા જોવામાં આવે તો તે ખૂબ જ ઓછી છે અને તેની પાછળનું કારણ છે, ભારતના એરપોર્ટ. ભારતમાં જેટલી પણ સરકારો આવી તેમાંથી એકપણ સરકારે દેશમાં વિમાની સેવાને મજબૂત કરવા માટે ક્યારેય વિચાર્યું નથી. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓએ તો ભારતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું. વિશ્વમાં શ્રેષ્ઠ 100 એરપોર્ટની યાદીમાં ભારતમાંથી માત્ર 5 જ એરપોર્ટનો સમાવેશ થયો અને તેમાં પણ જો ટોપ ટવેન્ટીમાં તો ભારતનું એકપણ એરપોર્ટ નથી. દિલ્હી એરપોર્ટનો નંબર 36મો છે અને મુંબઈ એરપોર્ટનો નંબર 95 છે. દોહાના હમાદ એરપોર્ટનો પ્રથમ ક્રમ છે અને સિંગાપોરનું ચાંગી એરપોર્ટ બીજા ક્રમે છે. બેંગલુરૂ એરપોર્ટનો ક્રમ 59મો છે.

હૈદ્રાબાદનો એરપોર્ટનો ક્રમ 61મો છે. ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટને 92મું સ્થાન મળ્યું છે. ગોવાના આ એરપોર્ટનું ઉદ્દઘાટન હજુ ગયા વર્ષે જ થયું છે. છતાં પણ તેને ક્રમ મળ્યો છે. ખરેખર ભારત સરકારે આ યાદી પરથી વિચારવું જોઈએ કે ભારતમાં 125 એરપોર્ટ હોવા છતાં પણ શું સ્થિતિ છે? ભારતમાં વચ્ચે થોડા સમય માટે એરલાઈન્સો વચ્ચે સ્પર્ધા હતી ત્યારે લોકોને સસ્તા ભાવે વિમાની સફર કરવાનો લાભ મળ્યો હતો પરતુ થોડા સમય બાદ ફરીથી આ સ્પર્ધા ઘટી ગઈ અને વિમાની ભાડાઓ ડબલ થઈ ગયા.

અત્યાર સુધી ટ્રેન સેવાને વધારે મહત્વ અપાતું હતું. બીજા ક્રમે બસની સેવા જે તે કેન્દ્ર કે રાજ્ય સરકારો કરતી હતી પરંતુ હવે સમયની કિંમત વધી રહી છે ત્યારે સરકારે વધુને વધુ વિમાની સેવાનો લાભ લોકોને આપી શકાય તે તરફ ધ્યાન આપવું જોઈએ. ભારતમાં ઓછામાં ઓછા 500 એરપોર્ટની જરૂર છે. જો સરકાર દ્વારા જે તે શહેરની ક્ષમતાને સમજીને આયોજન કરવામાં આવે તો વધુને વધુ વિમાની સેવાને શરૂ કરી શકાય છે. આજનો સરેરાશ નાગરિક વિમાન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માંગે છે. કારણ કે તેનો સમય બચે છે.

પરંતુ સરકારમાં રહેલા કેટલાક તત્વોના લોબિંગને કારણે ક્ષમતા હોવા છતાં શહેરોનો વિમાની સેવાના મામલે અન્યાય થાય છે. સુરતના એરપોર્ટની પણ એ જ હાલત છે. સુરતથી પેસેન્જર મળી શકે તેમ હોવા છતાં પણ બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવામાં આવતી નથી. ડોમેસ્ટિક એરલાઈન્સને બચાવવાના નામે વિદેશી એરલાઈન્સો સીધી સેવા શરૂ કરી શકે તેવી વ્યવસ્થા કરાતી નથી. સરવાળે તેનો ભોગ નાગરિકો બની રહ્યા છે. જે હાલત સુરત એરપોર્ટની છે તેવી જ હાલત દેશના અનેક એરપોર્ટની પણ છે. આગ્રા ફરવા માટેનું સૌથી પસંદગીનું શહેર હોવા છતાં પણ ત્યાં જવા માટે આખા ભારતમાંથી માત્ર એક જ ફ્લાઈટ છે.

સરકારે જેટલું ધ્યાન બુલેટ ટ્રેન તરફ આપ્યું અને જેટલો ખર્ચો તેના માટે કર્યો તેના કરતાં ઓછા ખર્ચમાં દેશમાં અનેક એરપોર્ટ બનાવી શકાયા હોત. દેશના તમામ શહેરોને એકબીજા સાથે સાંકળી લે તેવી રીતે સર્વગ્રાહી પ્લાન વિમાની સેવાના મામલે કરવાની જરૂરીયાત છે. અનેક એરપોર્ટ એવા છે કે જે નવિનીકરણ માંગી રહ્યા છે. જો એરપોર્ટ નવા બને, વધુ સુવિધા અપાય તો નવી એરલાઈન્સ પોતાની વિમાની સેવા પણ શરૂ કરી શકે છે. સામુહિક પરિવહન માટે અન્ય જે વ્યવસ્થાઓ છે તેના કરતાં એરપોર્ટ અને વિમાની સેવાનો ખર્ચ ઓછો થાય તેમ છે. જો સરકાર જલ્દી સમજશે તો સુરત સહિત દેશમાં વિમાની સેવા વધુ ઈફેક્ટિવ બની શકશે તે નક્કી છે.

Most Popular

To Top