Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે વરસાદી માહોલમાં વિદાય લીધી હતી. શહેરના કૃત્રિમ તળાવોમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના વિના બે હજારથી વધુ મૂર્તિઓનું ભક્તિભાવ ભર્યા મહોલ વચ્ચે શાંતિપૂર્ણ વિસર્જન કરાયું હતું. નાગરિકોએ પણ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલ કરીને વિઘ્નહર્તાને વિદાય આપી હતી. ગુજરાતભરમાં પ્રખ્યાત સંસ્કારીનગરીમાં શ્રીજીની બેનમૂન અને કલાત્મક મૂર્તિઓની સ્થાપના નિહાળવા ઠેરઠેરથી શ્રદ્ધાળુઓનો ધસારો પ્રતિવર્ષ જોવા મળ્યો હતો. આ વર્ષે કોરોના કાળમાં સ્થાનિક સ્તરે જ શ્રીજીની માત્ર 4 ફૂટની ઉંચાઇની જ મૂર્તિઓની સ્થાપનાથી ભાવ-ભક્તિ પણ ફિક્કી પડી ગઇ હોય તેવા શાંતિભર્યા મહોલમાં  રંગેચંગે સમાપન પણ શાંતિપૂર્વક આટોપાઇ ગયું હતું.

જોકે વહેલી સવારથી જ તુટક તુટક ભારે વરસાદના ઠંડકભર્યા માહોલમાં શ્રીજીની સવારીઓ કૃત્રિમ તળાવો ભણી પ્રયાણ કરવા માંડી હતી.  જડબેસલાક વ્યુહાત્મક બંદોબસ્ત અને પાલિકા તંત્રનું સચોટ આયોજનના પગલે મૂર્તિઓના વિસર્જનમાં લેશમાત્ર વિધ્ન નડતું ન હતું. શહેરના ચોતરફના ચાર કૃત્રિમ તળાવના કિનારે સેંકડોની સંખ્યામાં મૂર્તિઓ લઇને ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ દુંદાળા દેવના પૂજા-અર્ચન કરીને ગગનભેદી જયઘોષ કરતા અબિલ ગુલાલની  છોળો વચ્ચે વિદાય અાપતા નજરે પડતા હતા. તળાવની આસપાસના વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયા હતા. ડી.જે. વિના માત્ર સ્પીકર પર વાગતા રાસ ગરબાની રમઝટ વચ્ચે શ્રીજીની સવારીઓની આસપાસ પ્રાચીન રીતરીવાજ મુજબના વિસર્જનનો આભાસ જણાતો હતો.

નવલખી તળાવ પર 7 ક્રેન દ્વારા શ્રીજીની મૂર્તિઓ વિસર્જન કરતા હતી. અેકંદરે ચાર તળાવો પર આશરે 18 ક્રેન અને 41 તરાપા દ્વારા તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની તાલીમ બદ્ધ ટીમની અવિરત કામગીરીના કારણે સાંજ સુધીમાં લગભગ 80 ટકા મૂર્તિઓનં કૃતિત્ર કુંડમાં વિસર્જન  થઇ ચૂકયું હતું. શહેરમાં નોંધાયેલા 600 થી વધુ મંડળો અને અન્ય મળીને 2 હજારથી વધુ મૂર્તિઓના વિસર્જનની કામગીરી મોડીરાત સુધી પણ ચાલુ હતી.

નવલખી કુત્રિમ તળાવ ખાતે શ્રીજીનું સ્વાગત કરવા મેયર પહોચ્યા

વડોદરા: શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. મહાનગર પાલિકાના મેયર, સાંસદ, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ સહિત શ્રીજીના સ્વાગત કરવા શહેરના ચાર ઝોનમાં બનાવેલા ચાર કુત્રિમ તળાવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મેયર કેયુર રોકડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે તારાપા માં બેસીને શ્રીજીનું વિસર્જન કર્યું.

પાલિકા દ્વારા શહેરમાં ચાર ઝોન ચાર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકાના મેયર કેયુર રોકડિયા, ડે મેયર નંદા જોશી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સાસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય સીમા મોહિલે, શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ , મહામંત્રી સુનિલ,પ્રદેશ ભાર્ગવ ભટ્ટ સોલંકી, સહિત નવલખી પર કુત્રિમ તળાવમાં શ્રીજીના સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીજી ને હાર પહેરાવીને નમન કર્યું હતું ત્યારબાદ મેયર કેયુર રોકડિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તારાપામાં બેસીને શ્રીજીના વિસર્જન કુત્રિમ તળાવમાં કર્યું હતું. પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દશામાં તળાવ હરણી તળાવ અને સોમા તળાવ ખાતે વિસર્જનમાં ઉપસ્થિત રહ્યા હતા.

To Top