Dakshin Gujarat

વલસાડના 240 ગામોમાં 100 ટકા વેક્સિનેશન: રાજ્યમાં ટોપ 10માં શામેલ

વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં 18થી વધુ ઉંમર ધરાવતા 100 ટકા લોકોએ રસી મુકાવી દીધી છે. આ સાથે જ કોરોનાની (COVID-19) રસીનો પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂરી કરનાર જિલ્લાઓમાં વલસાડે રાજ્યમાં ટોપ 10માં સ્થાન મેળવી લીધુંછે.

  • રસિકરણની જાગૃતિને લઈને જિલ્લાનું નામ રાજ્યમાં ટોપ 10માં
  • ઉમરગામ અને વાપીમાં 18+ લાભાર્થીઓને કોરોના રસીના પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા. 17મી સપ્ટેમ્બરના રોજ 71માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે વલસાડમાં તા. 16 સપ્ટેમ્બરથી જ વેક્સીનેશન (VACCINATION) મેગાડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર વલસાડ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસિકરણની જાગૃતિને લઈને જિલ્લાનું નામ રાજ્યમાં ટોપ 10માં ચાલી રહ્યું છે.

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરીને લોકોને કોરોના સામે રક્ષણ આપવા આરોગ્ય વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી. જિલ્લામાં 2 તાલુકાઓ સાથે કુલ 240 ગામોમાં 18+ લાભાર્થીઓને જાગૃત કરીને 100% કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાવી લોકોને કોરોના સામે રક્ષણ અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને DDOની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વલસાડ જિલ્લામાં 100% રસીકરણના લક્ષ્યાંક સાથે 16 જાન્યુઆરી 2021થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રસીકરણ ઝૂંબેશના વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ રસીકરણ ઝૂંબેશની શરૂઆત કરી છે.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે રસીકરણ ઝૂંબેશ સાથે રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરીને રસીકરણ માટે લોકોમાં ઉદ્દભવેલા પ્રશ્નોનું નિરાકરણ કરીને સચોટ માર્ગદર્શન આપીને રસીકરણ પ્રત્યે જાગૃત કર્યા હતા અને વલસાડ જિલ્લામાં 2 તાલુકા સહિત જિલ્લાના 240 જેટલા ગામોને 100% કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવી કોરોના રસીકરણના રાજ્યમાં ટોપ 10માં જિલ્લાનું સ્થાન મેળવ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને વાપી તાલુકામાં 100% 18+ લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝનું રસીકરણ કરાવવામાં સફળતા મેળવી હતી. વલસાડ જિલ્લામાં કુલ 11,49,412 લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આરોગ્ય વિભાગની ટીમે મૂકાવી દીધો છે.

Most Popular

To Top