Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો (Case) આંક 600ની આસપાસ રહેતો જોવા મળ્યો હતો. સુરતમાં ગત તા.28મી માર્ચના રોજ કોરોનાના 611 કેસ નોંધાયા હતાં. તે પહેલા પણ કોરોનાના કેસ 600થી વધારે જ જોવા મળ્યાં હતાં. પરંતુ અચાનક જ ગુરૂવારે સુરતમાં કોરોનાના કેસનો આંક સીધો ઘટીને 464 થઈ જવા પામ્યો હતો. સુરતમાં કોરોનાના કેસ માટે ટેસ્ટિંગની (Testing) સંખ્યા રોજ 20થી 25 હજારની વચ્ચે રહે છે. જો ટેસ્ટિંગ ઘટ્યા નથી તો કોરોનાના કેસ કેવી રીતે ઘટી ગયા તે સંદેહજનક દેખાઈ રહ્યું છે.

  • સુરતમાં ખાનગી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે, ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા માટે કાલાવાલા કરવા પડે છે છતાં ઘટેલા કેસ આશ્ચર્યનજક
  • અગાઉ દસેક દિવસથી કોરોનાના કેસ 600ની આસપાસ જ નોંધાતા હતાં તેમાં ગુરૂવારે અચાનક કેસનો આંક 464 થઈ ગયો
  • એક દિવસ ઘટીને ફરી શુક્રવારે કોરોનાના કેસનો આંક ફરી 506 થઈ ગયો

સામાન્ય રીતે કોરોનાના કેસમાં શરૂઆતના તબક્કામાં કેસ વધતાં જોવા મળે અને બાદમાં તેમાં ઘટાડો થાય. વધવાનું શરૂ થાય તો કેસ વધતાં જ રહે અને ઘટવાનું શરૂ થાય તો કેસ ઘટતાં જ રહે. સામાન્ય ફરક હોઈ શકે છે પરંતુ જેવી રીતે સુરતમાં કોરોના 100થી પણ વધુ કેસનો ફરક જોવા મળ્યો તેણે અનેકને વિચારતાં કરી દીધા છે. શા માટે કેસ ઘટ્યા અને ફરી વધ્યા? તેનો જવાબ ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આપી શકતાં નથી. એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે. સાથે સાથે સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ઘટી પડ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર માટે કાલાવાલા કરવા પડે તેવી સ્થિતિ છે. આ સંજોગો વચ્ચે પણ કેસમાં થયેલો ઘટાડો રહસ્યમય છે.

કોરોનાના કેસની વધ-ઘટ થાય તે સામાન્ય છે, પરંતુ સંક્રમણ વધારે છે તેથી શહેરીજનો તકેદારી રાખે: મ્યુનિ.કમિ.
છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં થઈ રહેલી વધ-ઘટ અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસની વધ-ઘટ થવી તે સામાન્ય બાબત છે. આજે વધારે તો કાલે ઓછા કેસ પણ આવી શકે છે પરંતુ તેનાથી વધારે મહત્વનું એ છે કે આ વખતે શહેરમાં કોરોનાનું અતિ સંક્રમણ છે. જેથી શહેરીજનોએ તકેદારી રાખવી અતિ જરૂરી છે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાવધાની રાખવી, વેક્સિન લેવી તે ખૂબ જ જરૂરી છે.

  • છેલ્લા અઠવાડિયાના કેસ
  • તારીખ કેસ
  • 2-4-21 506
  • 1-3-21 464
  • 31-3-21 602
  • 30-3-21 563
  • 29-3-21 603
  • 28-3-21 611

To Top