Gujarat

હાર્દિક પટેલે સ્વર્ગવાસી પિતાના યોજાયેલ પ્રસંગમાં કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું, પક્ષ પાસે કામ માંગુ છું

ગાંધીનગર: હાર્દિક પટેલના (Hardik Patel) પિતાની (Father) પુણ્યતિથિને લઈ આજે હાર્દિક પટેલે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડયેલા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષ પાસે કામની માગણી કરી રહ્યો છું. મને જે કામ મળશે તે હું ઝડપથી પૂર્ણ કરીશ. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ. ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ પર આજે વિરમગામમાં રામધૂન તથા સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો હતો. પટેલે કહ્યું હતું કે આજે સુંદર કાંડ દરમ્યાન મેં ભગવાન રામની સ્થાપના કરી છે. હું રઘુવંશી છું. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.

પુણ્યતિથિના કાર્યક્રમમાં આવેલા સંતો તેમજ કોંગ્રેસના આગેવાનોની સલાહ બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસ પક્ષ સાથે જ સંકળાયેલો છું. હું પક્ષ પાસે કામ માંગું છું, જેવું કામ મળશે તે 110ની સ્પીડે પૂર્ણ કરશે.

હાર્દિક પટેલે યોજેલા આ કાર્યક્રમ દરમ્યાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી સાથે જોડાવું જોઈએ. ભારતીય તેમજ હિંદુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિંદુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓએ મારી લાગણીને વ્યકત કરી છે.

હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાર્દિક અમારા પક્ષનો કાર્યકારી પ્રમુખ છે. રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલીનો સંદેશ મોકલ્યો છે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું પક્ષ પાસે કામની માંગણી કરું છું મને જે કામ મળશે તે હું ઝડપથી પૂર્ણ કરીશ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પક્ષમાં વાટાધાટ તો થયા જ કરે. આ મામલે હું પક્ષ સાથે બેસીને વાત કરીશ.

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલે રાજકારણ સાથે જોડાવું જોઈએ. તેઓ એક સ્ટ્રેટેજી મેકર્સ છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે હું કાંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું તો આશા રાખું છું કે તેઓ પણ કોંગ્રેસમાં જોડાઈ.

Most Popular

To Top