SURAT

બબ્બે લગ્ન બાદ પણ સુખ ન મળતાં બે સંતાનની માતાની જીવન ‘જ્યોતિ’ બુઝાઈ

સુરત: શહેરના વેસુ(Vesu) ખાતે રહેતા કાપડ વેપારી(Textile merchant)ની પત્ની(Wife)એ બુધવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલાના પિયર પક્ષે દહેજના ત્રાસ(Dowry torture)થી આપઘાત(Suicide) કર્યો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરી દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધારે તપાસ ધરી હતી.

  • વેસુમાં બે સંતાનની માતાનો દહેજના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો
  • જ્યોતિએ બીજાં લગ્ન કર્યાં તો પતિ, સાસુ-સસરા અને નણંદ દહેજ માટે ત્રાસ ગુજારતાં હતાં

પ્રાપ્ત માહિતી મુજબ વેસુ ખાતે વાસ્તુગ્રામ રેસિડન્સીમાં રહેતો સાહિલ સોહનલાલ ગોગીયા કોલ્ડડ્રીંક્સના ડિસ્ટ્રિબ્યુટર છે. તે મૂળ પંજાબના લુધીયાણાનો વતની છે. તેની પત્ની જ્યોતિ (ઉં.વ.33) (મૂળ રહે., ફરીદાબાદ, હરિયાણા)એ ગઈકાલે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઉમરા પોલીસે જ્યોતિનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. જ્યોતિએ આપઘાત કર્યો હોવાની જાણ અલથાણ ખાતે રહેતી તેની માસી કૌશલ્યાદેવીને થઇ હતી. જેથી ફરીદાબાદ ખાતેથી જ્યોતિના પિયરિયા સુરત બુધવારે સવારે દોડી આવ્યાં હતાં.

પરિવારનાં આક્ષેપ સાથે આક્રંદ
પીએમ રૂમની બહાર જ્યોતિના પિયરના લોકોએ સાસરિયાં સામે દહેજના ત્રાસથી મારી નાંખી હોવાના આક્ષેપ કરી આક્રંદ કર્યો હતો. પતિ સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. ઉમરા પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં મૃતક જ્યોતિના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. ઉમરા પોલીસે પતિ સાહિલ ગોગીયા, પિતા સોહનલાલ, માતા હરદેશ અને નણંદ શીબા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી.

પહેલાં છૂટાછેડાના 28 લાખ રૂપિયા તથા દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં હતાં
ફરીદાબાદ ખાતે રહેતા 35 વર્ષીય વિકાસ મોહિન્દરકુમાર મદાને ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની બહેન જ્યોતિનાં પ્રથમ લગ્ન ફરીદાબાદ ખાતે સુમીત ગાંધી સાથે વર્ષ-2015માં થયાં હતાં. પહેલા પતિ થકી તેને એક સંતાન હતું. 2018માં તેની સાથે છૂટાછેડા થતાં ફરીદાબાદ ખાતે ચેરિટેબલ ટ્રસ્ટ ગીતામંદિરમાં લગ્ન માટે નોંધણી કરાવી હતી. જેના માધ્યમથી સાહિલ સાથે તેનાં બીજાં લગ્ન થયાં હતાં. લગ્ન પછી જ્યોતિ તેની માતાને ફોન પર સાસુ-સસરા નાની-નાની વાતે ઝઘડો કરતાં હોવાનું કહેતી હતી.

જ્યોતિને પુત્ર જન્મતાં તેની માતા સારસંભાળ માટે આવી હતી. ત્યારે સસરા સોહનલાલ તથા સાસુ હરદેસે જ્યોતિની સારસંભાળ માટે પાંચ લાખ રૂપિયા માંગણી કરી હતી. જેથી સાહિલના ખાતામાં અઢી લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાહિલના ખાતામાં તથા સાસુ-સસરાના ખાતામાં 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદ વર્ષ-2021માં સાસુ-સસરા અને નણંદ શીબા માર મારી સાહિલનાં પહેલાં લગ્નના છૂટાછેડા કરવા આપેલા 28 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવ તો ઘરમાં રહેવા દઈશું તેમ કહી ત્રાસ આપતા હતા.

આપઘાત પહેલાં માસી સાથે ફોન ઉપર વાત કરી હતી
જ્યોતિની માસી કૌશલ્યાદેવીએ જણાવ્યું કે, ગઈકાલે જ્યોતિ અને મારી વચ્ચે ફોન ઉપર વાત ચાલતી હતી. એ સમયે તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ ઉપર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે, મારા પતિનો ફોન આવે છે, એની સાથે વાત કર્યા પછી તમને કોલ કરું છું. એના થોડા સમય બાદ પડોશીનો ફોન આવ્યો કે, જ્યોતિએ આપઘાત કરી લીધો છે.

ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇનકાર
મહિલાના આપઘાત બાદ નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર સાસરિયાં અને પિયર પક્ષ વચ્ચે ચકમક થઈ હતી. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવાર આમનેસામને થતાં માહોલ તંગ બન્યો હતો. મહિલાના પિયર પક્ષે તેણીનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. બાદ પોલીસે કાર્યવાહીની ખાતરી આપતાં મૃતદેહ સ્વીકાર્યો હતો.

Most Popular

To Top