Sports

જો રૂટના રાજીનામા બાદ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન

નવી દિલ્હી: હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની એશેઝ સીરિઝમાં ઈંગ્લેન્ડની (England) હાર બાદ જો રૂટની ભારે ટીકા થઈ રહી હતી. ત્યારબાદ જૉ રૂટે આ મહિનાની શરૂઆતમાં કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન બેન સ્ટોક્સનું (Ben Stokes) નામ ચર્ચામાં હતું. લોકોનું એવું માનવું હતું કે જો રૂટ (Joe Root) બાદ બેન સ્ટોક્સ ટેસ્ટ ટીમના કેપ્ટન બનશે અને એવું જ કઇંક થયું, બેન સ્ટોક્સને ગુરુવારે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન (Captain) જાહેર કરવામાં આવ્યો છે.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા ગુરુવારે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં જૉ રૂટે ટેસ્ટ ટીમના કેપ્ટનશીપથી રાજીનામું આપ્યા બાદ હવે બેન સ્ટોક્સ તેમનું પદ સંભાળશે. જણાવી દઈએ કે બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના 81માં કેપ્ટન છે. રૂટની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે એશેઝ સીરિઝમાં 4-0થી હારી ગયું હતું. હાલમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈંગ્લિશ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

બેન સ્ટોક્સે હાલમાં 31 વર્ષના છે. તેમણે તેમના ક્રિકેટ કેરિયરની શરૂઆત વર્ષ 2013માં કરી હતી અને તે અત્યાર સુધીમાં સ્ટોક્સ 79 મેચ રમી ચૂક્યા છે. વર્ષ 2017માં બેન સ્ટોક્સને ટીમના વાઈસ કેપ્ટન રહી ચૂક્યા છે. બેન સ્ટોક્સની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થઈ ગઈ છે. બેન સ્ટોક્સના નામે 79 ટેસ્ટમાં 5061 રન મારવાનો રેકોર્ડ છે, જે દરમિયાન તેની એવરેજ 35.89 છે. જ્યારે તેમણે 174 વિકેટ લીધી છે. કેપ્ટન બન્યા બાદ બેન સ્ટોક્સે કહ્યું કે ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરવું એ તેમના માટે ગર્વની વાત છે અને તેઓ તેમની આ જવાબદારી નિભાવા સંપૂર્ણપણે તૈયાર છે.

બેન સ્ટોક્સ જુલાઈમાં ભારત સામેની ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. ભારતીય ટીમ જ્યારે છેલ્લી વખત ઈંગ્લેન્ડ ગઈ હતી ત્યારે સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી. સ્ટોક્સને 15 વર્ષમાં ઘરઆંગણે એટલે કે ઈંગ્લેન્ડમાં ભારત સામેની સીરિઝ જીતવાના પડકારનો સામનો કરવો પડશે.

બેન સ્ટોક્સ કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે મેચ વિનિંગ ખેલાડી તરીકે ઓળખાય છે. તે રૂટનું સ્થાન લેશે, જેમણે પાંચ વર્ષ બાદ ટીમનું કેપ્ટન પદ છોડ્યું છે. તાજેતરના સમયમાં ઈંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી 17 ટેસ્ટ મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી હતી. આટલી હાર છતાં જૉ રૂટ ઈંગ્લેન્ડનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. રૂટે 64 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી હતી જેમાંથી ટીમ 27માં વિજયી બની હતી. જ્યારે ઈંગ્લેન્ડને 26 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની જીતની ટકાવારી 42.18 છે. આ મામલામાં તે માઈકલ વોન (50.98) પછી બીજા ક્રમે છે.

Most Popular

To Top