Top News

More Posts

   The Latest

Most Popular

પીટ કમીન્સ અને બ્રેટ લીએ કોરોના રાહત ફંડમાં લાખો રૂપિયા અનુદાન કરી સૌન દિલ જીતી લીધાં છે. મહત્ત્વની વાત એ છે કે શરૂઆત વિદેશી ક્રિકેટરથી થઇ છે. આપણા અબજોપતિ દિગ્ગજ ક્રિકેટર્સે હજી મગનું નામ મરી પાડયું નથી. ભારતીય દિગ્ગજ ક્રિકેટરોને ફરજભાન ઓસ્ટ્રેલિયનો કરાવે એમાં વ્યાવસાયિક વિવેક પણ દેખાતો નથી. છેલ્લાં 14-15 વરસમાં મોટા ક્રિકેટરો તો માલેતુજાર બની ચૂકયા છે. આં.રા. મેચો, IPLની તગડી કમાણીઓ, જાહેરખબરો, એકમોના બ્રાન્ડ એમ્બેસેડર્સ અને મોટાં રોકાણો કરીને ખૂબ કમાયા છે. આ પ્રજા ક્રિકેટ પાછળ ઘેલી છે. આનો પૂરેપૂરો લાભ ક્રિકેટર્સને મળે છે.

ખાસ કરીને IPLના આગમન પછી બોર્ડ અને ક્રિકેટર્સ ધીકતી કમાણી કરી રહ્યાં છે. આઇપીએલનો લાભ ઘરેલુ ક્રિકેટર્સને પણ મળતો હોવાથી આખું ક્રિકેટીંગ માળખું પગભર બની ચૂકયું છે. IPL સૌથી શ્રીમંત ક્રિકેટ સંસ્થા છે. કોરોના કાળમાં પણ સરકારે રમવાની પરવાનગી આપી એ સ્પષ્ટ કરે છે કે બોર્ડ એક શકિતશાળી એકમ બની ચૂકયું છે. કોરોના વાઇરસની બીજી લહેરમાં પણ બોર્ડ ક્રિકેટ ચાલુ રાખવાની મમત લઇને બેઠું છે. સરકારની પણ કોઇ રોકટોક નથી. દેશમાં ભલે લોકડાઉન આવે ક્રિકેટનું તાળું ખુલ્લું જ રહેશે!

આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ તો બીસીસીઆઇ અને ક્રિકેટરોની ઝાટકણી કાઢી છે. બોર્ડ અને ક્રિકેટરો મળી અબજો કમાયા છે. આ રકમના ૧૦ ટકાનું અનુદાન કરે તો દેશને અબજોની રાહત મળી શકે. જયારે બોર્ડ કે ક્રિકેટરોને મોટી રાહતો અને સવલતો મળી છે ત્યારે હવે બોર્ડ અને ક્રિકેટરોએ દેશદાઝ કેળવી રાહત માટે ખુલ્લા રહેવું જરૂરી બન્યું છે. દેશમાં લાશો ખડકાઈ રહી છે. સ્મશાનો અને કબ્રસ્તાનોમાં જગ્યા નથી. લલિત મોદી કહે છે કે મેચ શરૂ થાય એ પહેલાં ક્રિકેટરોએ એક મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પણ અર્પવી જોઇએ.

વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ તગડું એકમ મનાય છે. હજી યે ટુર્નામેન્ટો તો રમાય જ છે. સંજોગો પ્રમાણે કાર્યક્રમો બદલાય છે પણ ટુર્નામેન્ટ અટકતી નથી. આઇસીસી, અન્ય ખેલ એકમો અને ઓલિમ્પિક સંસ્થા આમ પાછા સહકાર માટે ખભા મિલાવી રહે છે. જાપાનમાં કોરોનાને લીધે કટોકટી જેવી સ્થિતિ છે. છતાં યે જાપાન છાતી ઠોકીને કહે છે કે ટોકિયો ઓલિમ્પિક તો રમાશે જ. જાપાનમાં રોજના અંદાજે એક હજાર જેટલા કેસો સામે આવે છે. તબીબોએ એવી આગાહી કરી છે કે જાપાનમાં હજી યે બીજો વેવ આવશે. છતાં યે જાપાન રમાડવા માટે મકકમ છે. અલબત્ત ઓલિમ્પિક નિયંત્રણો સાથે રમાશે. સ્પષ્ટ સંકેત મળે છે કે ખેલ – સંસ્થાઓ વ્યાવસાયિક લાભાલાભ ગુમાવવા નથી માગતા.
વિશ્વ કક્ષાએ મોટી ખેલ સંસ્થાઓને આ એક લેશન છે અને સંદેશ પણ છે કે હાલના સાવ વિપરીત સંજોગોમાં આયોજનો નિયંત્રિત રાખે. બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી સ્થગિત થયેલી IPL હવે સપ્ટેમ્બરમાં રમાડવા માંગે છે. એ આશ્ચર્યની વાત છે. આમ જોઇએ તો આ વરસે IPLનાં પણ ઊતરતાં પાણી રહ્યાં છે. ટીપીઆરમાં ૧૪ ટકાનો ઘટાડો બતાવે છે. જાહેરખબરોના ભાવો ગગડયા છે. ક્રિકેટરોની કમાણી પર પણ કાપ આવશે.

રાષ્ટ્રની મદદમાં અનુદાન સ્વૈચ્છિક છે. દેશ અપેક્ષા પણ રાખતું નથી. પણ શ્રીમંત દિગ્ગજ ક્રિકેટરોએ મન મૂકીને દેશહિતમાં હાથ લંબાવવો જોઇએ. ક્રિકેટ અને દેશે આવા ક્રિકેટરોને ખૂબ આપ્યું છે. મોટા પારિતોષિકો આપી નવાજયાં છે. મોટી પદવીઓ આપી છે. નિવૃત્તિ પછી પણ આ ક્રિકેટરોના મનીમીટર જોરશોરથી ફરી રહ્યાં છે. યાદ રહે કે રોનાલ્ડો કે મેસી જેવા વિશ્વ કક્ષાના ફૂટબોલર્સ અનેક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગામડાંઓમાં જઇ સેવાઓ આપે છે. અહીં દિગ્ગજ શ્રીમંત ક્રિકેટર્સનાં નામો વર્ણવવાની જરૂર નથી.

(આખરે IPL સ્થગિત થઇ ચૂકી છે પણ કોરોના અટકયો નથી. દેશ ભયમુકત નથી. આવા કપરા સંજોગોમાં પરદેશી ક્રિકેટરોએ અનુદાન કરી શાબાશી મેળવી છે પણ આપણા શ્રીમંત ક્રિકેટરો કેમ ચૂપચાપ છે? ક્રિકેટ અને દેશે આવા ક્રિકેટરોને ખૂબ આપ્યું છે. હવે ટર્ન ક્રિકેટરોનો છે.)

To Top