Trending

બનારસે જેનો ઘાટ ઘડયો છે એવી ‘બનારસ ડાયરી’વાંચો, મસ્તમલંગ બની જશો

બનારસ જેવું નગર આ દેશમાં બીજું નથી. બીજું હોય ન શકે. ત્યાંના જીવનમાં એટલા બધા રંગ છે કે જો તમે તે બધાને તેના પૂરા સંદર્ભો સાથે, વિતેલા સમય સાથે અનુસંધાન રચી માણો તો એક વિરાટ ભારતીય જીવનપ્રણાલીનો અનુભવ થાય. હિન્દુ જીવન તેના અધ્યાત્મયદર્શનની ભૂમિકાએ કેવું હોય તેનો અનુભવ ગંગા નદીના દરેક ઘાટ પર થશે.

બનારસ જાણે આપણી મનુષ્ય ચેતનાનો એક મુકામ છે. એવા નગરમાં તમે આગંતુક ન રહી શકો. નગર સ્વયં તમારામાં એ રીતે પ્રવેશે કે તમે પોતે તેને પામીને ચકિત રહી જાઓ. અત્યારે આવો એક અનુભવ છબીકાર – પ્રવાસી વિવેક દેસાઇના ‘બનારસ ડાયરી’ પુસ્તકથી થયો. પુસ્તક તો વિવેકના શબ્દો અને ફોટોગ્રાફસનું મુદ્રિતરૂપ છે પણ તેને વાંચતા તમે એક નોખા જ અનુભવમાં ઊતરી જશો. તેમની પાસે દ્રશ્યોને ઝીલનારા બે કેમેરા છે અને અનેકવિધ લેન્સ છે એટલે ફોટોગ્રાફસ રૂપે તમે એક રૂપ જુઓ ને ભાષા વિષે તેની ભીતરના અનેક રૂપ જુઓ. જોવાતા-જીવાતા દ્રશ્યોને વિવેક દેસાઇ એટલા અનુભવપ્રમાણથી આલેખે છે કે વાંચકને સાક્ષાત્કારનો અનુભવ થાય અને તેમાં આંખ – કાન અને પ્રવાસી મન પણ ભળે.

બનારસ પ્રવેશથી વિદાય સુધીનું આ ડાયરીમાં આલેખન છે. આ દરમ્યાન અનેક પ્રકારના લોકો અને તેમની ચરિત્રની રેખાઓ વિવેક અત્યંત ઓછા શબ્દોમાં ય એવી રીતે આંકે છે કે એમ થાય આ એ નગર છે જયાં અનેક પ્રકારનાં જીવન અને જીવનરીતિ શકય છે. વિવેક દેસાઇ પોતે અનેક પ્રકારની સમ-વેદના અને વૈચારિક સાહસ ધરાવે છે ને સહજતાથી બધામાં ભળી જવા ને તે બધાને પામવા ઉત્સુક છે એટલે આરંભે જ પેડલરિક્ષાવાળા નિમિત્તે આપણને મહાદેવની નગરીમાં કેવી ગરીબી છે તેનો અનુભવ કરાવે છે ને એવા આશીર્વાદ પણ પામે છે કે, ‘ભોલે બાબા કી ક્રિપા આપ પે બની રહે. મેં કાશી વિશ્વનાથ મેં જાઉંગા તો આપકે લિયે દુઆ કરુંગા’. અજાણ્યાને આમ યુગોની ઓળખ ધરાવતા નગરની સવાર પડી રહી છે ને પછી જાણે પેલો આશીર્વાદ અનેક અનુભવમાં રૂપાંતરીત થતો રહે છે.

આ પુસ્તકનું આયોજન એવું છે કે પ્રવાસમાં સામે આવતાં દ્રશ્યો ફોટોગ્રાફસથી અનુભવોને તેની સમાંતર લેખન ચાલે. સાથે જ ત્યાંના જીવન વિશેના સ્વાનુભવરસિત નિરીક્ષણ ભળતા જાય. બનારસમાં હો ને તમે ફિલોસોફીલ ન બનો એવું તો ન જ બનેને! ઘણીવાર માત્ર ઉદ્‌ગાર જ પ્રગટ થઇ શકે! દશાશ્વમેઘ ઘાટના અનુભવે લખે છે, ‘શ્વાસમાં એકવાર ગંગાજી ભરાઇ જાય પછી જલદી એ બહાર નહીં નીકળે એ અહેસાસ હું બરાબરા કરી રહ્યો હતો ને પછી એક આત્મપ્રતિતિ નોંધે છે, ‘ગંગાજી કોલાહલ સાથે કેટકેટલી પ્રાર્થનાઓય લેતી જતી હશે? ત્યાં વાંસની ટોપલીમાં દીવા વેચનારો છોકરો મળે છે ને આગ્રહ કરે કે લો, ‘યે શ્રદ્ધાકા દીપક હૈ સાબ, ગંગાજીમેં છોડ દો – આપકી મનોકામના પૂર્ણ હોગી.’ દીપક ખરીદે તો છોકરો તરત પૈસા ન માંગે, ‘સાબ, જબ આપ કુછ માંગકે દીપક છોડેંગે ન તબ મેં લૂંગા’. ગંગાઘાટે વ્યાપાર – વ્યવહારની ભાષામાં પણ જૂદા મર્મો છે. પણ છબીકાર વિવેકના કેમેરાને વિચારસમાધિની ટેવ નથી. તે તો અખંડ જાગે છે અને તેનો અનુભવ ઘાટ પર અંતિમ ક્રિયા માટે આવતા મૃતદેહો ને સળગતી ચિતાઓથી થાય છે. મૃતદેહોને ઇચ્છા નથી હોતી પણ વાંચતા થશે કે તેઓ અહીં અંતિમક્રિયાની મોકાભાવે પ્રતિક્ષા કરે છે.

આખા ગ્રંથમાં શિયાળાની સવારનું ગાઢ ધુમ્મસ પણ જાણે લિપાયેલું અનુભવાશે.
બનારસ હો ને જેમાં ભળવાનું હોય તે ત્યાંની ગંગાઆરતી પણ છે. ‘સારી છબી ઝડપવા માટે તમે માનસિક, શારીરિક ને આધ્યાત્મિક રીતે ત્યાં તો જ છબી સારી બને. આમાંથી માનસિક ને શારીરિક રીતે તો બધા ત્યાં હોય પણ આધ્યાત્મિક રીતે તમારું ત્યાં હોવું એટલું જ જરૂરી છે. વળી એમાં શ્રદ્ધા સાથે જોડાયેલા વિષયોમાં તો તમારે સંપૂર્ણ આસ્તિકતા સ્વીકારીને જ કેમેરાનું શટર પાડવું પડે, નહીં તો છબી માત્ર મિકેનિકલ થઇ જાય.’ ગંગા આરતી તો બનારસનું એક સદા નિમંત્રણ પણ બિસ્મિલ્લાહખાન પણ ખરાને! વૃધ્ધાવસ્થામાં શરીરની શકિત ગળાતી જતી હતી તેવા વખતે તેના ફોટા પાડવા જે યોજના બની આવે તેની રાહ જોવી ને પછી ખાંસાહેબની શરણાઇ નહિં, ગંદી ગાળો સાંભળતા. છબીઓ લેવી એ વિવેકનાં ચરિત્રમાં જ શકય છે. પછી પં. કિશનમહારાજજી જેવા તબલાવાદકનાં ફોટોગ્રાફસ નિમિત્તે પ્રસન્નતાનો અનુભવ. પણ જેનાથી ‘સુબહ – એ – બનારસ’ છે ત્યા તો ‘રસ કે ભરે દો નૈન સ્વરમાં લઇ ગાતા ગિરિજાદેવીજીની તસવીર કથા. વિવેક’ બહુરસજ્ઞ આદમી છે એટલે આ બનારસ ડાયરીમાં અંકિત છે.

પણ બિસ્મિલ્લાહ ખાનની ગાળો ખાતા ખાતા કિલક કરનાર વિવેક દેસાઇએ અર્ધકુંભવેળા સાધુજીનનનો ફોટો પાડવા સ્વયં ‘ભગત’ બનવાનું સાહસ કર્યું તે તો કોઇ નવલકથામાં સમાવવા જેવું પ્રકરણ છે. તેમાં વળી ઇઝરાયલથી આવેલી યેલ સાથે થયેલી મૈત્રી વિવેકના મોટા સાહસમાં સંગાથી બને છે તે તો બહુ રસપ્રદ છે. સાધુઓના પ્રકાર અને મિજાજનો પરિચય આગળ વધે ને એક ગુજરાતી સાધુ વડે જ પ્રાણગિરિસ્વામી સાથે સંબંધ જોડાય છે. વિવેક હવે ચલમબાજ સાધુ છે. શેકેલા બટાકા ખાયને એ સાધુઓ વચ્ચે જ ‘હર હર મહાદેવ’ અહાલેક જગાડી રહે છે. લક્ષય તો એ જ છે સાધુજીવનની ફોટોગ્રાફી. ને અઘોરી ‘જટાયુ’ સાથે વાંચનાર પણ ભય અનુભવે એમ મળવાનું અને અઘોરીની શરતો અનુસરી ફોટો પાડવા ભયાનક દેખાતા સાધુ પાછળ મળસ્કે ગંગા કિનારે ચાલી એવી જગ્યાએ જવું જયાં જાણે અઘોરીના ઇશારે મૃતદેહ તણાય આવે અને તેની આંખ પછી ધડ – મસ્તક અલગ કરે ને તેનું લોહી પીએ. ‘બનારસ ડાયરી’નો આ ખણ્ડ – વાંચનારના મનમાં સદા રહે એવો છે. એક જૂદો જ અનુભવ જે સાહસ વિના શકય નથી.

પણ ડાયરીનો અહીં અંત નથી. હજુ બીજા અનુભવો બાકી છે. ‘મહામાયા’ ૬૧ વર્ષની આના જે દર વર્ષે છ મહિના બનાવરસમાં વિતાવે છે તેની સાથે પરિચય. ‘એને હું મારી આધ્યાત્મિક ગુરુ માનું છું.’ વિવેકની શોધ કેવી કેવી છે! હજુ મળવાનું બાકી છે વાનેસાને જે શિવસ્ત્રોત બોલતી બનાવરસ હિન્દુ યુનિવર્સિટી જતી હોય ને ત્રણ કલાક હિંદીના પાઠ ભણતી બનાવરસની ગણીમાં ફરતી હોય. બનાવરસનો અનુભવ કેવો હોય શકે તે આ ડાયરી કહેશે. તમને તે બીનિયાબાગ અખાડામાં લઇ જશે જયાં રામુકાકા મળશે. ૧૨૮ સાલ પુરાણા અખાડામાં તેઓ ૮૦ વર્ષથી આવે છે. ૫૦ ના દાયકામાં ત્રણવાર નેશનલ ચેમ્પિયન રહ્યા છે. ને પછી નાવવાળા ગોલુચાચા જેમણે રઘુવીરસીંઘ જેવા ફોટોગ્રાફરને અને સત્યજીત રેને પણ પોતાની નાવમાં ઘુમાવ્યા છે. ડાયરીના આગળના પૃષ્ઠ પર રામનગરની રામલીલા છે. ઉત્તરાધે સુધીમાં સંતોષકુમાર, હનુમાન અને અનવરના રેખાચિત્ર મળશે અને ડેડબોડીના ફોટા પાડી મહિનાના પચાસ હજાર કમાતો કિશન પણ છે. છેલ્લે વિવેક સ્વયં એક અગ્નિ સંસ્કાર કરાવે છે. ઇશ્વરનો અગ્નિસંસ્કાર! ને પછી ત્યાં ચા પીધી. ભિખારી સાથે વહેંચીને શીંગદાણા ય ખાધા.

૧૪૦ પૃષ્ઠનું આ પુસ્તક એક છબીકારનું તો છે જ. ઉત્તમ ગદ્યકારનું પણ છે. બનારસનો અહીં જે અનુભવ થશે તે કોઇ પ્રવાસીનો નથી બલ્કે તેના માટે કરેલા અંગત સાહસોનો ય છે. નવજીવન મુદ્રણાલય, અમદાવાદની આ ‘બનારસ ડાયરી’ રૂા. ૬૦૦/- માં મળશે પણ તેમાં વાત તો લાખ રૂપિયાની છે. છબીકાર હોવું એટલે શું તે સમજવાય વાંચજો ને બનાવરસી તો તમને બનાવી જ દેશે!

Most Popular

To Top