Top News

More Posts

   The Latest

Most Popular

valsad : વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે વેન્‍ટિલેટર લોન ( ventiletor loan ) પર મેળવી ગંભીર દર્દીઓની સારવાર કરી દર્દીનો જીવ બચાવી શકે તે માટેની એક અનોખી પહેલ કરી છે. સિવિલ હોસ્‍પિટલ ( civil hospital ) ખાતે ઉપલબ્‍ધ રહેલા વેન્‍ટિલેટરમાંથી તાત્‍કાલિક જ્યાં દર્દીઓને વેન્‍ટિલેટરની જરૂરિયાત હોય પરંતુ વેન્‍ટિલેટર ઉપલબ્‍ધ નહી હોય તેવા સમયે તે પ્રાઈવેટ હોસ્‍પિટલ તરફથી સિવિલ હોસ્‍પિટલનો સંપર્ક કરી વેન્‍ટીલેટર મેળવી શકાશે. આ વેન્‍ટિલેટર જે દર્દી પર મૂકવામાં આવે તે દર્દી પાસેથી પ્રાઈવેટ હોસ્‍પિટલે વેન્‍ટિલેટરનો ચાર્જ લેવાનો રહેશે નહીં.


આ માટે જે તે હોસ્‍પિટલ તરફથી કયા દર્દી માટે વેન્‍ટિલેટર મંગાવવામાં આવે છે તે દર્દીની વિગત અને દર્દીને કયારે વેન્‍ટિલેટર ચાલુ કરવામાં આવ્યું છે અને કયાં સુધી ચાલુ રાખવામાં આવશે. તેની વિગતો મોકલવાની રહેશે. વેન્‍ટિલેટર મેળવવા માટે સિવિલ હોસ્‍પિટલ વલસાડના એનેસ્‍થેસિયા વિભાગના એચઓડીનો સંપર્ક કરવાનો રહેશે. ત્‍યારબાદ તબીબી અધિક્ષકની કચેરી તરફથી વેન્‍ટિલેટરની ફાળવણી જે તે હોસ્‍પિટલને કરવામાં આવશે. વધુમાં આકસ્‍મિક સંજોગોમાં સિવિલ હોસ્‍પિટલની ટીમ તરફથી આ પ્રકારની હોસ્‍પિટલ કે જ્યાં સિવિલ હોસ્‍પિટલ તરફથી વેન્‍ટિલેટર ફાળવવામાં આવેલું હશે તેવી હોસ્‍પિટલની મુલાકાત કરી આ બાબતોની ખરાઈ પણ કરાશે, સાથે કોઈ ચાર્જ દર્દીઓ પાસેથી લેવાશે નહી.


તાલુકા મથકોએ પણ ઓછામાં ઓછા ૨૫ ઓક્સીજન બેડની સુવિધા ચાલુ કરાશે
હાલની જિલ્લાની ઓક્સીજનની સ્‍થિતિની સમીક્ષા કર્યા બાદ જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ ઓછામાં ઓછા ૨૫ ઓક્સીજન બેડની સુવિધા તાત્‍કાલિક અસરથી ચાલુ કરવા કલેક્ટર રાવલે સબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જેથી ગ્રામ્‍ય વિસ્‍તારના દર્દીઓ તાલુકા કક્ષાએ જ ઓક્સીજનની સુવિધા મેળવી શકશે.

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે, છેલ્લા બે દિવસથી નવા દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. શનિવારે 116 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. જ્યારે નવા 101 કેસ નોંધાયા હતા, અને 7 દર્દીના મોત નિપજ્યા છે. વલસાડ શહેર અને તાલુકામાં પણ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. નવા નોંધાયેલા કેસમાં 57 પુરુષ અને 44 મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 4195 કેસ નોંધાયા છે, 2718 સાજા થયા છે, 1155 સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 99,386 ટેસ્ટ કર્યા છે, જેમાં 95,197 નેગેટિવ અને 4195 પોઝિટિવ નોંધાયા છે.
શનિવારે નોંધાયેલા મોતમાં વલસાડના ધોબી તળાવનો 60 વર્ષનો વૃદ્ધ, પારડીનો 50 વર્ષીય પુરુષ, માછીવાડનો 61 વર્ષનો પુરૂષ, મોટાવાઘછીપાનો 32 વર્ષી પુરુષ, ધરમપુરના ખટાણા વિકી ફળીયાની 50 વર્ષની મહિલા, બરૂમાળ ગુરૂધામની 41 વર્ષીય મહિલા અને કપરાડાના અરનાઈનો 59 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ નક્કી કરાશે, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

To Top