Gujarat

વિધાનસભાની ચૂંટણી સુધી પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં રહેશે

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ (Congress) સંગઠન પ્રભારી રઘુ શર્મા હવે ગુજરાતમાં જ રહેશે. તેમણે અમદાવાદમાં (Ahmedabad) પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની નજીકમાં પાલડી વિસ્તારમાં જ પોતાનું મકાન રાખી લીધું છે. આગામી વિધાનસભામાં કોંગ્રેસ સત્તા મેળવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ સંગઠન પ્રભારી રઘુ શર્મા જેઓ મૂળ રાજસ્થાનના છે, પરંતુ હવે તેઓ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં જ રહેશે. આથી તેમણે પાલડી વિસ્તારમાં પોતાનું ઘર રાખી લીધું છે. કોંગ્રેસનો આંતરિક જૂથવાદ હજુ પણ ક્યાંકને ક્યાંક બહાર આવી રહ્યો છે. રઘુ શર્માની કાર્યપદ્ધતિથી કોંગ્રેસના કેટલાક લોકો નારાજ છે, અને તેને લઈ હાઈકમાન્ડ સુધી રજૂઆત પણ કરવામાં આવી છે. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન જ કોંગ્રેસમાંથી એક ડઝનથી વધુ દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ગયા છે. જેને પગલે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ રઘુ શર્માથી નારાજ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

રઘુ શર્મા સામે નારાજગીને કારણે કોંગ્રેસમાં વધુ ભંગાણનાં એંધાણ
રઘુ શર્માના પ્રદેશ સંગઠન પ્રભારી બન્યા પછી કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલ, ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ, રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, કૈલાસ ગઢવી, ખુમાનસિંહ વાંસિયા જેવા નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાત કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે કોગ્રેસના કેટલાક દિગજ્જ નેતાઓ છોડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ સર્જાય તેવું ચર્ચાઈ રહ્યું છે.


Most Popular

To Top