Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી હવે ફરી પૂરજોશમાં ચાલી રહી છે. 21મી જૂનથી મહાવેક્સિનેશન અભિયાન (vaccination campaign)ની શરૂઆત કરાયા બાદ થોડા દિવસો સુધી મનપા (SMC) દ્વારા પ્રતિદિન શહેરમાં 40થી 50 હજાર લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ વેક્સિનનો અપૂરતો જથ્થો આવતાં વેક્સિનેશનની કામગીરી ધીમી પડી હતી. પરંતુ હવે ફરીવાર છેલ્લા થોડાક દિવસોથી શહેરમાં પ્રતિદિન (Daily) 50,000 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં 150 જેટલા સરકારી તેમજ અન્ય ખાનગી સેન્ટરો (vaccine center) પરથી વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના કારણે છેલ્લા માત્ર 9 જ દિવસમાં શહેરમાં 3,98,705 લોકો વેક્સિનેટ થયા છે.

શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના દિવસોમાં મનપા દ્વારા વેક્સિનેશન પૂરજોશમાં ચાલ્યું હતું. પરંતુ લોકોમાં વેક્સિનેશન પ્રત્યે જાગૃતતા ન હોય, શહેરીજનો વેક્સિન મુકાવવા માટે આનાકાની કરતા હતા. હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કરોને શરૂઆતમાં ઝડપથી વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર સિટિઝન અને અન્ય નાગરિકો માટે પણ વેક્સિનેશન શરૂ કરી દેવાયું હતું. પરંતુ લોકો વેક્સિન મુકાવતા ન હતા. અને કોરોનાની બીજી લહેરની ભયાનકતા જોયા બાદ, લોકો વેક્સિન માટે જાગૃત થયા હતા. અને હવે લોકો વેક્સિન માટે લાંબી લાઈનોમાં લાગી રહ્યા છે. પરંતુ વેક્સિનનો અપૂરતો જથ્થો આવતાં લોકોને વેક્સિન માટે વલખા મારવા પડ્યા હતા. અને હવે છેલ્લા 10 દિવસથી ફરીથી વેક્સિનની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ છે. અને માત્ર છેલ્લા 9 જ દિવસમાં 4 લાખ લોકો વેક્સિનેટ થયા છે. તેમજ હાલમાં કુલ ટાર્ગેટ સામે 73 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

છેલ્લા 9 દિવસના વેક્સિનેશનના આંકડા

તારીખ વેક્સિનેશન
05-08 39802
06-08 47424
07-08 50244
08-08 44330
09-08 45574
10-08 49629
11-08 11506
12-08 55847
13-08 54349
કુલ 3,98,705

શહેરમાં કુલ ટાર્ગેટના 73 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો

આજદિન સુધીમાં શહેરમાં કુલ 24,45,160 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,76,269 લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. મનપા દ્વારા કરવામાં આવેલા સરવે મુજબ શહેરમાં વેક્સિન લેવા લાયક અંદાજિત કુલ 33,54,000 લોકો છે. જેની સામે મનપા દ્વારા 24 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલે કે, કુલ ટાર્ગેટની સામે 73 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં મનપા દ્વારા કુલ 150 સેન્ટર પરથી કુલ 53,644 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તેમજ આવતીકાલે 157 સેન્ટર પરથી પણ અંદાજિત 50 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે.

To Top