Dakshin Gujarat

ગણદેવીના સોનવાડી ગામની ડૉ. રઝીના કાઝીએ લદ્દાખના માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવ્યો

નવસારી : ગણદેવીના (Gandevi) સોનવાડી ગામના ડૉ. રઝીના કાઝી (Dr.Razina Kazi) એ લદ્દાખમાં (Ladakh) આવેલા માઉન્ટ યુનમ (Mount Unum) શિખર સર કરીને ત્યાં તિરંગો (Tiranga ) લહેરાવ્યો હતો.એ સાથે જ જિલ્લામાં તેઓ પહેલાં આ શિખર સર કરનારી વ્યક્તિ બન્યા છે.ડો. રઝીના કાઝીને ટ્રેકિંગ (Tracking) અને સાહસિક પ્રવૃત્તિમાં રસ રહ્યો છે. લદ્દાખમાં આવેલા હિમાલય (Himalayas) પર્વતમાળામાં 20300 ફૂટની ઊંચાઇએ આવેલા માઉન્ટ યુનમ શિખરના આરોહણ માટે ગયા જુન મહિનામાં અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સિબલ દ્વારા પર્વતારોહકોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા પર્વતખેડૂઓને 60 દિવસની આકરી તાલીમ બાદ માઉન્ટ યુનમને સર કરવા માટે મોકલાયા હતા.

માઉન્ટ યુનમ 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે
માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળામાં પિરપંજાલ શ્રૃંખલામાં આવેલું 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે માઉન્ટ યુનમ સર કરવા માટે ગુજરાતની ટીમે 12 ઓગષ્ટે આ અભિયાન હાથ ધર્યું હતું. ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (5500 ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. ત્યાર બાદ એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો. ડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે 12 વાગ્યે નીકળી 8 કલાકની સતત ચઢાઈ બાદ તારીખ 19મી ઓગષ્ટે સવારે 8:30 વાગ્યે ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (20,300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

આરોહણ દરમિયાન રઝિનાની તબિયત લથડી હતી
આરોહણ દરમિયાન રઝિનાની તબિયત લથડી હતી. તેને ઉલ્ટી અને માથાનો દુ:ખાવો શરૂ થયો હતો. પરંતુ રઝિનાએ હિંમત નહીં હારીને આરોહણ ચાલુ રાખ્યું હતું. આખરે, તેના સાહસ અને હિંમતને પગલે તેણે પણ માઉન્ટ યુનમ સર કર્યું હતું. જો કે માઉન્ટ યુનમ શિખર પર પહોંચ્યા બાદ પાછા ફરતી વેળાએ પણ તેની તબિયત વધુ લથડી હતી. જો કે અભિયાનના લીડર યશપાલ સર અને અન્ય ટીમના સભ્યોએ તેને નીચે ઉતરવામાં મદદ કરી. એડવાન્સ બેઝ કેમ્પ પર પહોંચ્યા પછી તેની તબિયત સારી થઈ છે. ડો.રઝીના કાઝીએ વર્ષ 2020માં જગતસુખ પર્વત પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તબિયત બગડતાં તે જગતસુખને સર કરવામાં નિષ્ફળ ગઇ હતી. સખત મહેનત અને સાહસને પગલે રઝિના કાઝી માઉન્ટ યુનમ સર કરવામાં સફળ રહ્યા હતા.

Most Popular

To Top