Top News

More Posts

   The Latest

Most Popular

અગાઉના જમાનામાં જૂની ફિલ્મોનાં જે ગીતો બનતાં હતાં એ એટલા મધુર અને કર્ણપ્રિય બનતાં હતાં કે, વારંવાર સાંભળવા છતાં પણ આપણને સહેજ પણ કંટાળો આવતો નથી અને આપણું દિલ ખુશ થઈ જાય છે. દરેક ગીતકાર ફિલ્મની સિચ્યુએશન પ્રમાણે ગીતો લખતાં હતાં તો સંગીતકારો પણ સુંદર લય, રાગરાગિણી તેમજ વ્યવસ્થિત મીટરમાં ધૂનો બનાવતાં હતાં અને પાર્શ્વગાયકો પણ દિલથી ગીતો ગાતાં હતાં અને ગીત અંતરના આર્તનાદથી ગાતાં હતાં. શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, વિશ્વજીત અને જોય મુખરજી જેવાં કેટલાંય નામી અનામી અદાકારોની ફિલ્મો તો કેવળ સુમધુર ગીત સંગીત તથા ગાયકીના માધ્યમથી જ હીટ જતી હતી. 

તે જમાનામાં એક એકથી ચઢિયાતાં ગીતકારો જેવા કે કમર જલાલાબાદી, નકશ લાયલપુરી, સાહિર લુધ્યાનવી, કૈફી આઝમી, શકીલ બદાયુની, શૈલેન્દ્ર, મજરુહ સુલ્તાનપુરી, એમ. જી. હશમત, કવિ પ્રદીપ, ભરત વ્યાસ, આનંદ બક્ષી, ઈન્દીવર, રાજેન્દ્ર કિશ્ન, સંતોષ આનંદ, રવીન્દ્ર જૈન, અનજાન, વિગેરે હતા તો સંગીતકારોમાં શંકર જયકિશન, સચિનદેવ બર્મન, આર. ડી. બર્મન, નૌશાદ, સલિલ ચૌધરી, મદન મોહન, વસંત દેસાઈ, ચિત્રગુપ્ત, રોશન, સોનિક ઓમી, ઉષા ખન્ના, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રાજેશ રોશન, ઓ. પી. નય્યર, જયદેવ, ખય્યામ હતા તો પાર્શ્વગાયકોમાં કે. એલ. સહેગલ, હેમંતકુમાર, મુહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, નૂરજહાં, શમશાદ બેગમ, લતા મંગેશકર, આશા ભોંસલે, કમલ બારોટ, સુમન કલ્યાણપુર, અનવર, કિશોર કુમાર વિગેરેના સમન્વયથી ગીતમાં ચાર ચાંદ લાગી જતા હતા.

એ લોકો એટલું સૂરીલું અને સુમધુર અને મજેદાર ગાતાં હતાં કે લોકો માત્ર ગીતો સાંભળીને ફિલ્મો જોવા જતાં હતાં. દરેક ગીતમાં શેર, શાયરી, કવિતા, સંદેશ, બોધપાઠ વિગેરે જોવા મળતા હતા. તો સંગીતમાં અવનવા રાગોનું મિશ્રણ, ઠુમરી, ગઝલ, માંડ, રવીન્દ્ર સંગીત, કવ્વાલી, કોરસ ગીત વિગેરે બનતાં હતાં. આ ઉપરાંત ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમી,દિપાવલીના પર્વ આધારિત ગીતો બખૂબી બનતાં હતાં.  હાલના જમાનામાં ભાગ્યે જ સો માંથી એકાદ ગીત એવું મળી આવે છે જે સાંભળવા જેવું લાગે છે. બાકી હવેના ગીતકારો પાસે ના તો શેર શાયરી છે ના શબ્દભંડોળ છે.

સંગીતકારો એકબીજાના ધૂનોની નકલ કરે છે અને ધમાલિયું અને ઘોંઘાટિયું સંગીત પીરસે છે, ગાયકોમાં પણ સંગીતની ઊણપ વર્તાય છે. તેમને કલાસિકલ સંગીતની ગતાગમ હોતી નથી. ગીતકારો, સંગીતકારો તથા પાર્શ્વ ગાયકો ત્રણેયમાંથી એકેય તાલીમબદ્ધ હોતા નથી.આજે ટેકનોલોજી આટલી વિકાસ પામી છે છતાંય ગીતોમાં કોઈ ભલીવાર હોતો નથી. એવું કહેવાય છે કે જૂનું એટલું સોનું એ ન્યાયે યુગો સુધી જૂનાં ગીતોનું વર્ચસ્વ રહેશે એમાં જરાયે બેમત નથી. આજે પણ જૂનાં ગીતોની ગરિમા જળવાઈ રહી છે અને લોકો હોંશે હોંશે જૂનાં ગીતો સાંભળીને આનંદિત થાય છે.
પંચમહાલ -યોગેશ આર. જોષી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top