Top News

More Posts

   The Latest

Most Popular

એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ગયા છે. ખાદ્યતેલના ડબ્બા 2750ની સપાટી વટાવી ગયા છે અને હવે તો ગરીબોની કસ્તૂરી ડુંગળી પણ 45 રૂપિયાની એક કિલો મળતી થઈ છે. જીવનજરૂરિયાતની દરેક ચીજવસ્તુ ગરીબોના ગજવાની પહોંચની બહાર જતી રહી છે ત્યારે સરકાર કંઈ અલગ જ આલબેલ પોકારી રહી છે. સરકારી રિપોર્ટ અનુસાર દેશમાં મોંઘવારી (Inflation) ઘટી છે. હા, વધી નથી ઘટી છે. દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી હોવાના દાવા સરકારી રિપોર્ટમાં કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેતમાં છૂટક ફુગાવો ઘટ્યો છે જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું છે એમ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આંકડાઓ આજે જણાવતા હતા. સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને ૪.૩પ ટકા થયો હતો, જે મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓની ઘટેલી કિંમતોને કારણે થયું હતું એમ આજે બહાર પાડવામાં આવેલા સરકારી આંકડાઓ જણાવે છે. છૂટક ફુગાવાનો આ દર પાંચ મહિનાનો સૌથી નીચો દર છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૧.૯ ટકાનો વધારો થયો છે.

કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટમાં પ.૩૦ ટકા હતો અને સપ્ટેમ્બર ૨૦૨૦માં તે ૭.૨૭ ટકા હતો. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO) દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૧માં ફૂડ બાસ્કેટમાં ફુગાવો ઘટીને ૦.૬૮ ટકા થયો હતો, જે તેના અગાઉના મહિનાના ૩.૧૧ ટકાના દર કરતા નોંધપાત્ર નીચો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI), જે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ નક્કી કરવા માટે મુખ્યત્વે સીપીઆઇ આધારિત છૂટક ફુગાવા પર આધાર રાખે છે, તેને સરકારે ફુગાવાને ૪ ટકા પર બંને બાજુએ બે ટકાની છૂટ સાથે રાખવાનું કામ સોંપ્યું છે.

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૧.૯ ટકાનો વધારો થયો હતો જે મુખ્યત્વે લો બેઝ અસર અને મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને પાવર સેકટરોના સારા દેખાવને કારણે શક્ય બન્યું હતું. મેન્યુફેકચરિંગ સેકટર, કે જે આઇઆઇપી ઇન્ડેક્સમાં ૭૭.૬૩ ટકા હિસ્સો ધરાવે છે, તે ઓગસ્ટમાં ૯.૭ ટકાના દરે વધ્યું હતું એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આંકડાઓ જણાવતા હતા. માઇનિંગ સેકટરનું ઉત્પાદન ઓગસ્ટમાં ૨૩.૬ ટકા વધ્યું હતું, જ્યારે પાવર જનરેશન ૧૬ ટકાના દરે વધ્યું હતું.

To Top