વડાપ્રધાને 100 લાખ કરોડનો PM ગતિશક્તિ એક્શન પ્લાન લોન્ચ કર્યો, હવે સરકારી વિભાગો તાલમેલ બેસાડી કામ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે આઠમના દિવસે બુધવારે રૂપિયા 100 લાખ કરોડનો PM ગતિશક્તિ નેશનલ એક્શન પ્લાન (PM GatiShakti Action Plan Launch) લોન્ચ કર્યો છે. મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે એક સર્વગ્રાહી યોજનાઓ જે વિવિધ સરકારી-અર્ધસરકારી એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે અટવાઈ પડતી હતી તે સમસ્યાને ઉકેલવા માટે આ પ્લાન લોન્ચ કરાયો છે. આ એક્શન પ્લાનના લીધે દેશના 100 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીને ગતિ મળશે. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું, કામ ગતિમાં છે નું બોર્ડ લગાવી દેવામાં આવતું હતું, પરંતુ કામ થતું નહીં. કામ અટકેલું જ રહેતું. હવે એવું નહીં થાય.

આ યોજના પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત મિશનનો એક મહત્વનો ભાગ છે. 1.5 ટ્રીલિયન ડોલરની નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન હેઠળના પ્રોજેક્ટને વધુ શક્તિ અને વેગ આપવાનો તેમજ 5 ટ્રીલિયન અર્થતંત્રને હાંસલ કરવા માટે આ પ્લાન મદદરૂપ બનશે. PMO એ જાહેર કર્યું હતું કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપ માટે આ એક મહત્ત્વની પહેલ છે. ગતિશક્તિ પ્રોજેક્ટ ખાતાકીય મુશ્કેલીઓને દૂર કરશે અને મોટા માળખાકીય પ્રોજેક્ટ્સમાં ભાગીદારો માટે એકંદરે કામગીરી સરળ બનાવશે.

‘મહા અષ્ટમી’ ના શુભ પ્રસંગે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 11 વાગ્યે PM ‘ગતિ શક્તિ’ લોન્ચ ઇવેન્ટ યોજાઇ હતી. વડાપ્રધાન મોદીએ રિમોટ દબાવીને સ્કીમ લોન્ચ કરતા પહેલા ગતિ શક્તિ માસ્ટર પ્લાન અને પ્રગતિ મેદાનમાં નવા પ્રદર્શન સંકુલના મોડેલની સમીક્ષા કરી હતી. મહત્વાકાંક્ષી યોજના 16 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજિત અને હાથ ધરવામાં આવેલી માળખાકીય પહેલોને એકીકૃત કરવા માટે કેન્દ્રિત પોર્ટલની કલ્પના કરે છે. તમામ વિભાગો કેન્દ્રીયકૃત પોર્ટલ દ્વારા એકબીજાના પ્રોજેક્ટ્સને જાણશે અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી લોકો, માલ અને સેવાઓના આદાન-પ્રદાન માટે સંકલિત અને એકીકૃત જોડાણ પ્રદાન કરશે. પીએમઓએ કહ્યું કે, ગતિશક્તિ પ્રોજેક્ટ વ્યાપકતા, પ્રાથમિકતા, અનુકૂલનક્ષમતા, સમકાલીન અને વિશ્લેષણાત્મક અને ગતિશીલતાના છ સ્તંભો પર આધારિત છે. આ રોજગારીની વિશાળ તકો ,ભી કરશે, લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો કરશે, સપ્લાય ચેઇનમાં સુધારો કરશે અને સ્થાનિક માલને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

લોન્ચીંગ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર 25 વર્ષ સુધીનો દેશના વિકાસનો પાયો નાંખી રહી છે. ગતિશક્તિ દ્વારા 21મી સદીના વિકાસનો રોડમેપ તૈયાર થશે. તમામ મહત્ત્વના પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. મોદીએ સરકારી વિભાગો પર ટીપ્પણી કરતા કહ્યું કે, અત્યાર સુધી એવું થતું હતું કે કામ ગતિમાં છે નું બોર્ડ લગાવી દેવામાં આવતું હતું, પરંતુ કામ થતું નહીં. કામ અટકેલું જ રહેતું. અત્યાર સુધી સરકારી વિભાગો અલગ અલગ કામ કરતા હતા. તેમની વચ્ચે તાલમેલ હતો નહીં. તેથી પ્રોજેક્ટ પૂરા થવામાં મોડું થતું હતું. હવે એવું નહીં થાય. મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, 70 વર્ષની સરખામણીએ અત્યારે ભારત વધુ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

આ યોજનાનું કામ ઔદ્યોગિક ગતિવિધીઓને પ્રોત્સાહન આપવાનું છે. તેમજ એરપોર્ટ, નવા રસ્તાઓ, રેલ યોજનાઓ સહિત ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓને બહેતર બનાવવાનું છે. આ યોજનાને લીધે યુવાનોને નવી રોજગારી મળશે. વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવ સહિતના અનેક મુદ્દાઓ દેશમાં દાયકાઓથી માળખાકીય બાંધકામને અસર કરે છે . અંડરગ્રાઉન્ડ કેબલિંગ, ગેસ પાઇપલાઇન જેવી પ્રવૃત્તિઓ માટે અન્ય એજન્સીઓ દ્વારા ખોદવામાં આવેલા નવા બાંધેલા રસ્તાઓના ઉદાહરણો ટાંક્યા હતા. પીએમઓએ કહ્યું કે, આનાથી માત્ર મોટી અસુવિધા થાય છે પરંતુ તે નાણાંનો બગાડ પણ છે.

અલગથી આયોજન અને ડિઝાઇન કરવાને બદલે, પ્રોજેક્ટ્સ હવે સામાન્ય દ્રષ્ટિ સાથે ડિઝાઇન અને અમલમાં મૂકવામાં આવશે અને તેમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારો જેવા કે ભારતમાલા, સાગરમાલા અને અંતર્દેશીય જળમાર્ગોની માળખાકીય યોજનાઓ શામેલ હશે. પીએમઓએ કહ્યું કે, ટેક્સટાઇલ ક્લસ્ટર, ફાર્માસ્યુટિકલ ક્લસ્ટર, ડિફેન્સ કોરિડોર, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ફિશિંગ ક્લસ્ટર અને એગ્રી ઝોન જેવા આર્થિક ક્ષેત્રોને કનેક્ટિવિટી સુધારવા અને ભારતીય બિઝનેસને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે આવરી લેવામાં આવશે.

રસ્તા બની જાય ને પછી લાઇનો માટે પાછા ખોદાય એ હવે નહીં ચાલે

દાયકાઓથી ભારતમાં માળખાગત સુવિધાઓનું સર્જન બહુવિધ સમસ્યાઓથી પીડાયું હતું. વિભિન્ન વિભાગો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હતો, દાખલા તરીકે, એક વાર રસ્તો બની જાય, પછી અન્ય એજન્સીઓ ભૂગર્ભ કેબલો, ગેસ પાઇપલાઇન બિછાવવા જેવી ઇત્યાદિ પ્રવૃત્તિઓ માટે બંધાયેલો રસ્તો ફરી ખોદી નાખે. આનાથી પારાવાર અગવડો તો પડતી જ, સાથે નકામો ખર્ચ પણ થતો. આનો ઉકેલ લાવવા, સંકલન વધારવા માટેના પ્રયાસો અમલી કરાયા જેથી તમામ કૅબલ્સ, પાઇપલાઇન ઇત્યાદિ એકસાથે બિછાવી શકાય. સમય માગી લેતી મંજૂરીની પ્રક્રિયાઓ, નિયમનકારી પરવાનગીની મોટી સંખ્યા વગેરે જેવા અન્ય મુદ્દાઓ ઉકેલવા માટે પણ પગલાં લેવાયાં છે.

પીએમ ગતિશક્તિ છ સ્તંભો પર આધારિત: માલસામાનની હેરફેર માટે શ્રેષ્ઠ માર્ગ પસંદ થશે

  • વ્યાપક્તા: તે વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની તમામ હાલની અને આયોજિત પ્રવૃત્તિઓને એક કેન્દ્રીકૃત પોર્ટલ સાથે સમાવી લેશે. દરેકે દરેક વિભાગ પાસે હવે સમાવેશક રીતે પરિયોજનાઓના આયોજન અને અમલીકરણ કરતી વખતે મહત્વપૂર્ણ ડેટા પૂરો પાડીને એકમેકની પ્રવૃત્તિઓ જોવાની ક્ષમતા હશે.
  • અગ્રતાક્રમ: આના દ્વારા, વિભિન્ન વિભાગો આંતર વિભાગીય મસલતો દ્વારા એમની પરિયોજનાઓને અગ્રતા આપી શક્શે.
  • શ્રેષ્ઠતા-અનુકૂલન: નેશનલ માસ્ટર પ્લાન વિવિધ મંત્રાલયોને મહ્તવના તફાવત-છીંડા ઓળખી કાઢ્યા બાદ પરિયોજનાઓ માટે આયોજનમાં મદદ કરશે. એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ સામાનના પરિવહન માટે, સમય અને ખર્ચના સંબંધમાં સૌથી શ્રેષ્ઠ કે અનુકૂળ માર્ગ પસંદ કરવામાં આ પ્લાન મદદ કરશે.
  • તાલમેલ: વ્યક્તિગત મંત્રાલયો અને વિભાગો ઘણી વાર પોતાની રીતે જાણે હવાચુસ્ત ઓરડામાં કામ કરતા હોય છે. પરિયોજનાઓના આયોજન અને અમલીકરણમાં સંકલનનો અભાવ હોય છે જે વિલંબમાં પરિણમે છે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની પ્રવૃત્તિઓનો તાલમેલ બેસાડવામાં, એને સમકાલિક કરવામાં મદદ કરશે અને શાસનના વિભિન્ન સ્તરોને સમકાલિક કરશે અને તે પણ એમની વચ્ચે કાર્યનું સંકલન સાધીને સાકલ્યવાદી રીતે.
  • પૃથક્કરણાત્મક: આ પ્લાન જીઆઇએસ આધારિત અવકાશી આયોજન અને 200+ એનાલિટિકલ ટૂલ્સ સાથે સમગ્ર ડેટા એક જગ્યાએ પૂરો પાડશે જેનાથી અમલીકરણ એજન્સીને વધારે સારી દ્રશ્યક્ષમતા શક્ય બનશે.
  • ગતિશીલ: તમામ મંત્રાલયો અને વિભાગો હવે આંતર વિભાગીય પરિયોજનાઓ જીઆઇએસ પ્લેટફોર્મ દ્વારા જોઇ શકશે, સમીક્ષા કરી શકશે અને પ્રગતિની દેખરેખ રાખી શકશે કેમ કે ઉપગ્રહીય તસવીરો સમયાંતરે સ્થળ પરની પ્રગતિ આપશે અને પોર્ટલ પર પરિયોજનાઓની પ્રગતિ નિયમિત રીતે અપડેટ થતી રહેશે. માસ્ટર પ્લાનને વધારવા અને અપડેટ કરવા માટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપો ઓળખી કાઢવામાં એ મદદ કરશે.

Related Posts