સુરત મનપામાં મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ વિભાગના અધિકારીઓનો લાખોનો ‘ખેલ’

સુરત: (Surat) ટેન્ડર ફી તેમજ ઈએમઆઈ નહીં ભરવાને કારણે જે ટેન્ડરરને ડિસ્ક્વોલિફાય કરવો જોઈએ તે જ માનીતા ટેન્ડરરને જ એક કરોડનો કોન્ટ્રાક્ટ (Contract) આપીને મનપાના ડ્રેનેજ વિભાગના (Drainage Department) ખાઈબદેલા અધિકારીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. કૌભાંડની હદ તો ત્યારે થઈ કે આ કામ માટે ત્રીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યું પરંતુ ત્રીજી વખતના ટેન્ડરને નહીં ખોલી બીજા પ્રયત્નમાં ટેન્ડર ભરનારા પાસે સંમતિ મંગાવી તેને ટેન્ડર (Tender) આપી દેવામાં આવ્યું. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા આ ટેન્ડર કૌભાંડમાં ખુદ કમિ. અને બાદમાં સ્થાયી સમિતીને પણ ગેરમાર્ગે દોરી બંને સત્તાને ‘ભાજીમૂળા’ બનાવી દેવામાં આવી છે.

સુરત મહાપાલિકાના ડ્રેનેજ વિભાગમાં કરવામાં આવેલા આ કૌભાંડની વિગતો પ્રમાણે, સુરત મહાપાલિકાના સુએઝ પંપીંગ સ્ટેશનમાં સ્ક્રીન ચેમ્બર અને ગ્રીટ ચેમ્બરમાં એકત્રિત થતાં કચરા તેમજ મડની સફાઈ માટે જૂના ટેન્ડરરોની મુદત પુરી થઈ જતાં ગત તા.15-4-20ના રોજ પ્રથમ વર્ષ માટે 41.17 લાખ તેમજ બાકીના બે વર્ષ માટે 88.52 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરને માત્ર એક જ એજન્સી વિનોદ દ્વારા ભરવામાં આવ્યું હતું. એક જ ટેન્ડર હોવાની સાથે તેના ભાવો પણ વધારે હોવાને કારણે આ ટેન્ડરને દફતરે કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપાલિકા દ્વારા તા.26-11-20ના રોજ આ જ કામગીરી માટે બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બીજી વખતના ટેન્ડરમાં બે ટેન્ડરરો વિનોદ તેમજ સુરજિતસિંઘ દ્વારા ટેન્ડરો ભરવામાં આવ્યા હતા. આ બંને ટેન્ડરો દ્વારા તમામ શરતો પુરી કરવામાં આવતાં બંને ટેન્ડરર ક્વોલિફાય થયા હતા. જેમાં વિનોદનું ટેન્ડર સૌથી ઓછું હતું. જ્યારે રણજિતસિંઘનું ટેન્ડર બીજા ક્રમનું હતું. જોકે, બંને ટેન્ડરરના ભાવો વધારે હોવાને કારણે તેમની પાસે ભાવમાં ડિસ્કાઉન્ટ માંગવામાં આવતા બંને દ્વારા અસંમતિ બતાવવામાં આવતાં જે તે સમયે આ ટેન્ડરને દફતરે કરી દઈ ત્રીજી વખત તા.12-5-21ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

જ્યારે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે અધિકારીઓની માનીતા વિનોદ તેમજ સુરજિતસિંઘ ઉપરાંત કુમાર આનંદ નાયડુ તેમજ દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા પણ ટેન્ડરો ભરવામાં આવ્યા હતા. જ્યારે આ ટેન્ડરોની સ્ક્રુટિની કરવામાં આવી ત્યારે વિનોદ તેમજ સુરજિંતસિંઘ દ્વારા ટેન્ડર ફી તેમજ ઈએમડી ભરવામાં આવી નહોતી તેથી બંને ડિસ્ક્વોલિફાય થાય તેમ હતાં. જ્યારે કુમાર આનંદ નાયડુ દ્વારા પણ ટેન્ડરની શરતો પુરી કરવામાં નહીં આવતાં તેનું ટેન્ડર પણ ડિસક્વોલિફાય થાય તેમ હતું. જ્યારે એકમાત્ર બચેલા દરબાર વેસ્ટ કોર્પોરેશનને ટેન્ડર આપવું પડે તેમ હતું. જોકે, અધિકારીઓ દ્વારા પોતાની માનીતી એજન્સી ટેન્ડરમાંથી નીકળી જતી હોવાને કારણે કૌભાંડનો ખેલ કરવામાં આવ્યો.

ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા મ્યુનિ.કમિ. અને સ્થાયી સમિતીને પણ ગેરમાર્ગે દોરવામાં આવી
ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા ત્રીજી વખત ટેન્ડર મંગાવી લેવામાં આવ્યું હોવા છતાં પણ તેની પ્રાઈસ બીડ ખોલવામાં આવી નહીં અને બીજા પ્રયત્ન વખતે ટેન્ડર ભરનાર વિનોદ પાસે ભાવ ઘટાડાની સંમતિ મંગાવી તેને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત તૈયાર કરાવી મ્યુનિ.કમિ.ને ગેરમાર્ગે દોરી સ્થાયી સમિતીમાં તેને રજૂ કરી મંજૂર પણ કરાવી લેવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો. ડ્રેનેજ વિભાગ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડની વિગતો બહાર આવતાં મહાપાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા ખુદ મ્યુનિ.કમિ. અને સ્થાયી સમિતીના ચેરમેન સહિતના સભ્યોને ‘ઉલ્લું’ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં મ્યુનિ.કમિ. અને સ્થાયી સમિતીના ચેરમેન દ્વારા શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

ટેન્ડરની શરતોનું પાલન નહીં કરાયું હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા માનીતા વિનોદ તેમજ સુરજિતસિંઘ સામે કોઈ જ પગલા લેવાયા નહીં
ડ્રેનેજ વિભાગમાં વર્ષોથી કામ કરતી વિનોદ તેમજ સુરજિતસિંઘ નામની બે એજન્સી અધિકારીઓની એટલી માનીતી છે કે આ બંને એજન્સી દ્વારા ત્રીજી વખતના ટેન્ડરમાં ઈએમડી નહીં ભરવાની સાથે ટેન્ડર ફી પણ ભરવામાં આવી નહીં હોવા છતાં અને ટેન્ડર ભર્યાને 100 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ બંનેની ટેન્ડર કી હજુ સુધી રદ્દ કરવામાં આવી નથી. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા શા માટે આ બે એજન્સીને છાવરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવે તો અન્ય કોન્ટ્રાક્ટ આપવામાં થયેલા કૌભાંડ પણ ઉજાગર થાય તેમ છે.

Related Posts