Business

સુરતમાં કાપડ ઉદ્યોગ માટે વધુ એક પ્રદર્શનનું આયોજન, જાન્યુઆરીમાં યોજાશે સિટેક્સ

સુરત: જાન્યુઆરી-2022માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સિટેક્સ એક્ઝિબિશનનું (Sitex Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ જયવદન બોડાવાળા સહિતના આગેવાનોએ દેશની જાણીતી અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેક્સટાઇલ મશીનરી બનાવતી કંપનીઓ સિટેક્સમાં ભાગ લઇ શકે એ માટે મુંબઇમાં રોડ-શોનું આયોજન કર્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ઇટેમાં અને સોબલી જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેની પ્રોડક્ટ સિટેક્સમાં રજૂ કરવાની ખાતરી આપી હતી. સીટેક્સમાં પ્યોર સિલ્કથી લઇ ગ્લાસ ફાયબર સુધીના યાર્ન ચાલી શકે તેવી વર્સેટાઇલ મશીનરી પ્રથમવાર રજૂ થશે. દસ હજાર ડેનિયરથી દસ ડેનિયર સુધી ફેબ્રિક્સ બની શકે એ પ્રકારની મશીનરી પ્રદર્શનમાં જોવા મળશે.

‘એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેવાથી સુરત શહેર બ્રાન્ડ સાબિત થશે તેમજ સ્થાનિક વીવર્સ પણ નવી ટેક્નોલોજીના મશીનરી જોવા માટે ઉત્સાહી તેમજ ઓર્ડર આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તથા બાંગ્લાદેશ જેવો દેશ જે ટેક્સટાઇલમાં સુરત શહેરને ફોલો કરે છે ત્યાંથી પણ વેપારીઓ આવવાની તૈયારી કરી રહ્યા છે. ચેમ્બરના આગેવાનોએ ઇટેમાના જીએમ સમીર કુલકર્ણી અને સોબલીના એમડી સુરજીત મહાજન સાથે બેઠક યોજી હતી.

સુરત એક એવું શહેર છે જ્યાં નવું ક્રિએશન રેપિયર જેકાર્ડ તથા ડોબી ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજી અપગ્રેડેશન જોરમાં ચાલી રહ્યું છે. સિટેક્સમાં નવી ટેક્નોલોજી અને મશીનરી લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાળા અને એક્ઝિબિશનના કો.ચેરમેન મયૂર ગોળવાળાએ જણાવ્યું હતું કે, સિટેક્સ પ્રદર્શનને લીધે ભૂતકાળમાં મેન્યુફેક્ચરર્સને સરેરાશ 300 મશીનના ઓર્ડર મળતા હતા તે પછી સુરતમાં ટેક્નોલોજી અપગ્રેડેશન જોરમાં થતાં છેલ્લા પ્રદર્શનમાં 500 મશીનના ઓર્ડર મળ્યા હતા. સુરત એક એવું શહેર છે જ્યાં નવું ક્રિએશન રેપિયર જેકાર્ડ તથા ડોબી ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top