Comments

એક ટીનએજર કદાચ પોતાને સાચવી લે છે પરંતુ પુરુષ આ ઉંમરે ખતરનાક મોડ ઉપર આવી ઊભો રહે છે

સામાન્ય રીતે છોકરો અથવા છોકરી સત્તર અઢારનાં થાય એટલે માતા પિતા અને શિક્ષક તેમને દુનિયાભરની સલાહ આપે છે, કારણ આપણે માનીએ છીએ કોઈક ભૂલ કરવાની અને ભટકી જવાની આ ટીનએજ છે. આ ઉંમરમાં ભૂલ થવાની પૂરી સંભાવના છે, કારણ સ્કુલ છોડી એક નવી જ દુનિયામાં જનાર ટીનએજરમાં માનસિક અને શારીરિક ફેરફાર થવાની પણ ત્યારે જ શરૂઆત થાય છે. આ ઉંમરે મારા સહિત અનેક લોકોએ ભૂલ કરી હતી, પણ મારી ઉંમરને ધ્યાનમાં રાખી મારા પાલકો અને શિક્ષકોએ મને માફ કર્યો. આ ઉંમર માણસને શીખવાડે પણ  ઘણું છે. એક વખત યોગ્ય રસ્તો પકડાઈ જાય પછી જિંદગીની ગાડી પાટા ઉપર સડસડાટ દોડે છે, પછી લગ્ન થાય છે, સંસાર મંડાય છે અને બાળકો થાય છે. આપણે માનીએ છીએ ભટકી જવાનો સમય હતો તે આપણે પાર કરી ગયા, પણ મારો અનુભવ અને અભ્યાસ કહે છે ખરેખર તો ખાસ કરી પુરુષને ભટકી જવાનો સમય તો તેના ઉત્તરાર્ધમાં એટલે પચાસી પાર કરવાનો સમય આવે છે ત્યારે પુરુષની મનોદશા ખૂબ નાજુક હોય છે. પુરુષ માટે આ એવો સમય છે, જયારે તે ચૂક કરે તેવી પૂરી સંભાવના છે.

દરેક માણસની ભૂલ અલગ અલગ હોય છે. પહેલાં આપણે જીવનભર પ્રમાણિકપણે કામ કરનાર પુરુષની વાત કરીએ. મેં એવા અસંખ્ય અધિકારીઓ જોયા છે કે જેઓ સરકારી નોકરીમાં દાખલ થયા ત્યારથી તેઓ પોતાના કામ સાથે પ્રમાણિક રહ્યા તેની સાથે પગાર ઉપરાંત પણ બીજો કોઈ નાણાંકીય લાભ થાય તેવો પ્રયાસ તો દૂર, પણ તેવી અપેક્ષા પણ રાખી ન્હોતી. તેમની પ્રામાણિકતાની બીજા અધિકારીઓ દુહાઈ આપતા હતા. આ અધિકારીઓ પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં મફતનું કોઈનું પાણી પણ પીધું ન્હોતું, કોઈ માણસ પ્રામાણિક હોય તેનું શ્રેય માત્ર પ્રામાણિક માણસને નહીં, તેના પરિવારને પણ આપવું પડે, કારણ એક માણસ તો જ પ્રામાણિક રહી શકે, જયારે તેનો પરિવાર તેને પ્રામાણિક રહેવામાં મદદ કરે. જો પ્રામાણિક અધિકારીની પત્ની અથવા તેનાં સંતાનો ઘરમાં પડતી નાણાંકીય તંગી અને ઓછી સુખ સુવિધાની ફરિયાદ કરે તો પ્રામાણિક માણસને પ્રામાણિક રહેવામાં નાકે દમ આવી જાય, પણ જિંદગીનાં બાવીસ-પચ્ચીસ વર્ષ પ્રામાણિક રહ્યા પછી આ અધિકારી અચાનક યુ ટર્ન લે છે.

આવાં અસંખ્ય ઉદાહરણ છે કે જીવનનો મોટો તબકકો પ્રામાણિક રહ્યા પછી અધિકારી પૈસા કમાવા પાવડો તો નાનો પડે, પણ બુલડોઝર લઈ પૈસા ઉલેચવા લાગે છે, તો આવું કેમ બન્યું તેનું મારું તારણ એવું છે કે માણસ જયારે યુવાન હોય છે, ત્યારે તેની લડી લેવાની તૈયારી હોય છે, પણ જયારે તે પચાસી વટાવે છે ત્યારે તેમના મનમાં એક પ્રકારની અસલામતીની લાગણી તીવ્ર બનતી જાય છે, નિવૃત્તિ સામે મ્હોં ફાડી ઊભી હોય છે.

હજી સંતાનની નોકરી અને લગ્ન બાકી હોય છે, પ્રામાણિક રહેવાને કારણે ખાસ કહી શકાય તેવી બચત પણ હોતી નથી. આખી જિંદગી સ્વમાનભેર જીવ્યા પછી હવે શું થશે તેવો પ્રશ્ન જયારે ઊભો થાય ત્યારે તેનામાંથી જન્મ લેતી અસલામતી વિહ્વળ બનાવે છે. આ તબકકે વિચાર આવે છે કે મેં કંઈ જ કર્યું નથી. આ નાજુક તબકકામાં જો કોઈ લાલચ સામે આવી ઊભી રહે તો તેનો ઈન્કાર કરવો અઘરો હોય છે અને ત્યારે પચાસી વટાવી ગયેલો પુરુષ ફંટાઈ જાય છે, એટલું જ નહીં, પછી તે હવે પોતાની પાસે સમય ઓછો છે તેવું માની કોણ શું કહેશે તેનો વિચાર કર્યા વગર રાત દિવસ કમાઈ લેવા માટે જે કંઈ કરવું પડે તે સાચા ખોટા તમામ રસ્તાઓનો ઉપયોગ કરે છે.

આવું જ કંઈક સંબંધોની બાબતોમાં છે. તું મોટો માણસ થા તેવી પરિવારની અપેક્ષામાં પુરુષ હજી યુવાન થાય તે પહેલાં મોટો થવાની મથામણમાં પોતાની યુવાનીને હોમી દે છે. પોતાના ગમા-અણગમાની પરવા કર્યા વગર બસ કામ કર્યા કરે છે,પછી સંસાર મંડાય છે અને પત્નીની પસંદ- નાપસંદને પ્રાધાન્ય આપે છે, પછી સંતાન થાય અને સંતાનોને ખુશ કરવા માટે જીવનભર મહેનત કરે. જીવનનો એક તબકકો એવો આવે છે કે પરિવાર માટે  પુરુષને લાગે છે કે તે પહેલાં માતા, પિતા, પછી પત્ની માટે તેમ જ બાળકો માટે જીવ્યો.

તે પોતાને માટે જીવ્યો જ નથી. હવે પોતાની પાસે પૈસા છે, પણ જીવવાનું ખાસ કારણ નથી. તેને લાગે છે જો હવે તે પોતાને માટે જીવશે નહીં તો તેની પાસે પોતાની પાસે જીવવાનો સમય રહેશે નહીં, જેના કારણે તે હવે એક ગમતા સંગાથની શોધ કરે છે. પુરુષનો આ એવો સમય હોય છે, જયારે તેની પત્ની હવે પોતાનાં સંતાનો અને સંતાનોના લગ્ન થઈ ગયાં હોય તો પૌત્ર-પૌત્રીમાં વ્યસ્ત થઈ જાય છે. પુરુષ બોલતો નથી, પણ કયાંક તે એકલો થઈ ગયો તેવો અહેસાસ થાય છે.

પુરુષ ગમતો સંગાથ શોધે છે, તેમાં દરેક વખતે શારીરિક જરૂરિયાત કારણ હોતું નથી, અનેક કિસ્સામાં મેં જોયું છે સંગાથ કોઈ પણ કારણ વગર થાય છે. એવું પણ નથી કે તમામ સંગાથમાં માત્ર મિત્રતા હોય છે. શારીરિક જરૂરિયાત પણ એક કારણ હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે ત્યાં હની ટ્રેપની જે ઘટનાઓ ઘટી રહી છે તેનો અભ્યાસ કરો. ખ્યાલ આવશે કે હની ટ્રેપનો શિકાર થનાર 95  ટકા પુરુષો પચાસ વટાવી ચૂકેલા હોય છે, હની ટ્રેપ કરનાર સ્ત્રીઓને ખબર હોય છે.

કોઈ યુવાનને શિકાર બનાવવા કરતાં પચાસી વટાવી ચૂકેલી વ્યકિત ઝટ જાસામાં આવી જાય છે કારણ તે સંગાથની શોધમાં હોય ત્યારે જો સ્ત્રી સામે ચાલી તેને આમંત્રણ આપે તો પુરુષ પોતાને સાચવી શકતો નથી. ઉદાહરણ રૂપે જોઈએ તો હમણાં વડોદરા દુષ્કર્મ કેસ છે. તેમાં આરોપી રાજુ ભટ્ટ અને કૈલાશ જૈન સાઈઠી વટાવી ચૂકેલા છે. આમ પચાસે પહોંચેલા પુરુષ અને ટીનએજર યુવાનની માનસિકતા સરખી હોય છે કારણ તેઓ બન્ને પોતાની જિંદગી જીવી લેવા માગતા હોય છે. ટીનએજરને તો રોકનાર પણ હોય છે, પણ દાદા બનેલા અથવા દાદા થવાની નજીક પહોંચેલાને અટકાવવો મુશ્કેલ હોય છે.
       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top