સુરત: માત્ર સુરત કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કેન્સરની શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી ભરત કેન્સર હોસ્પિટલે એડવાન્સ VERSA HD રેડિએશન થેરપી મશીન વસાવ્યું છે. જેનું 22મી જાન્યુઆરીના રોજ લોકાર્પણ છે. સુરતમાં જે મશીન છે તે દેશનું છઠ્ઠું અને ગુજરાતનું બીજું મશીન છે. ગુજરાતમાં અમદાવાદની એક હોસ્પિટલમાં આ મશીન છે. જોકે સુરતનું મશીન અમદાવાદના મશીનથી પણ વધુ અદ્યતન અને અપડેટેડ છે.
શ્રી ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામવાલાએ જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલે હંમેશા આધુનિક, ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર તમામને મળી રહે તેવો પ્રયાસ કર્યો છે. તે માટે એડવાન્સ મશીનરી અને સાધનોનો ઉપયોગ કરતા આવ્યા છે. તે દિશામાં આગળ વધતા હાલમાં જ હોસ્પિટલે સ્વિત્ઝરલેન્ડની કંપની દ્વારા નિર્મિત એડવાન્સ રેડિએશન મશીન VERSA HD વસાવ્યું છે. આ મશીનની કિંમત 22 કરોડ રૂપિયા છે. તે મશીન ઇન્સ્ટોલ કરાયું છે તે (બંકર)રૂમ બનાવવા માટે જ 4 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મશીનની કિંમતની 6 ટકા જેટલી રકમ દર વર્ષે મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ થશે. વિશ્વમાં આ પ્રકારના મશીન બનાવતી માત્ર ત્રણ જ કંપની છે.
આ મશીનની વિશેષતા
આ મશીનની ચોકસાઇ તપાસતા યંત્રની કિંમત જ 70 લાખ!
આ મશીનનું ટેસ્ટિંગ- કેલિબ્રેશન કરતાં યંત્રની કિંમત જ 70 લાખ રૂપિયા છે. મશીનની ચોકસાઇ અને ગુણવત્તા ચકાસતા રહેવું પડે છે. આ મશીનના સોફ્ટવેરમાં કે કોઈ મિકેનિકલ તકલીફ આવે તો તેની માહિતી સ્વિત્ઝરલેન્ડની કંપનીમાં જાય છે. જ્યાંથી તેનો જરૂરી ઉકેલ ઓનલાઇન અથવા તેના એક્સપર્ટને એસટીએચએએલ પર મોકલી કરવામાં આવાએ છે.
પેટ સ્કેન ગાઇડેડ બાયોપ્સી માત્ર આ હોસ્પિટલમાં
પેટ સ્કેન ગાઇડેડ બાયોપ્સી માત્ર ભરત કેન્સર હોસ્પિટલમાં થવા જઈ રહ્યું છે. મુંબઈ-અમદાવાદ સહિત આખા પશ્ચિમ ભારતમાં આ સુવિધા કોઈ પણ હોસ્પિટલમાં નથી. આ એક કેન્સરની ગાંઠની તપાસ માટેની છે. પેટ સ્કેનમાં દર્દીના શરીરમાં રેડિયોએક્ટિવ ડાઈ ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યાર બાદ દર્દીને સ્કેન કરી તેનું સચોટ નિદાન કરી શકાય છે. બાયોપ્સીના સેમ્પલ પણ આ પદ્ધતિથી લેવામાં આવે તો તેનું રિઝલ્ટ સચોટ મળે છે. જેને લીધે જરૂર પૂરતા ભાગમાં જ સારવાર આપી શકાય અને સંક્રમિત તમામ ભાગોનો ખ્યાલ પણ આવી શકે જેથી વારંવાર સારવાર કરાવવાથી પણ બચી શકાય. પેટ સ્કેન મશીનની કિંમત 12 કરોડ રૂપિયા છે.
જાતે ડાઈ બનાવવા માટે ગેલીયમ જનરેટર મશીન પણ છે
હોસ્પિટલના ચીફ રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો. નિલેશ મહાલેએ જણાવ્યું હતું કે પ્રોસ્ટેટ તથા કેટલાક અન્ય કેન્સરની ચકાસણી માટે જરૂરી કેમિકલ ડાઈ પહેલા મુંબઈથી આવતી હતી. જે આવતા-આવતા તેનો પાવર ઓછો થઈ જતો હતો. તેથી હવે ભરત કેન્સર હોસ્પિટલે દવા બનાવતું ગેલિયમ જનરેટર મશીન વસાવી લીધું છે. આવું મશીન ગુજરાતમાં માત્ર અમદાવાદમાં છે.
ભારતનું પહેલું ટોમોથેરાપી મશીન રેડિક્ઝાક્ટા આ હોસ્પિટલમાં આવેલું
આ મશીનની કિંમત ચાર વર્ષ પહેલા 29 કરોડ રૂપિયા હતી. તેનું બંકર(રૂમ) બનાવવાનો ખર્ચ જુદો હતો. તે સમયે ભરત કેન્સર પહેલી હોસ્પિટલ હતી જેમાં આ મશીનથી સારવાર શરૂ કરાઈ હતી. આ મશીનથી રીપીટ રેડિએશન આપી શકાય છે. રેડિએશનના જૂના પ્લાનને ધ્યાનમાં રાખીને નવો પ્લાન આ મશીનથી બનાવી શકાય છે. આ મશીનથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. શરીરના ખૂબ મોટા ભાગમાં રેડિએશન આપવાનું હોય ત્યારે આ મશીન ખૂબ જ ઉપયોગી છે. જ્યારે અન્ય મશીનોમાં શરીરના આખા શરીરમાં રેડિએશન આપવું હોય ત્યારે આખા શરીરમાં બે-ત્રણ વખત રેડિએશન આપવું પડે છે.
હવે મુંબઈ જેવી જ કદાચ તેનાથી વધુ સારી સારવાર ભરત કેન્સર હોસ્પિટલમાં- મહેન્દ્રભાઈ કતારગામવાલા
મહેન્દ્રભાઈ કતારગામવાલાએ જણાવ્યું હતું કે હવે તો ભરત કેન્સર હોસ્પિટલમાં અમે માત્ર કેન્સરની જ સારવાર પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે અને તેમ જ રાખીશું. કેન્સરના તમામ પ્રકારના ઉપચારો કરતી આ કદાચ ગુજરાતની સૌથી મોટી બિનસરકારી હોસ્પિટલ હશે. મુંબઈ જેવી અને કેટલાક કિસ્સાઓમાં તો તેનાથી પણ સારી સારવાર થાય છે. અહીં કેન્સર મટાડવા માટેના લેટેસ્ટ અને એડવાન્સ મશીનો છે. કેટલાક મશીનો તો મુંબઈમાં પણ નથી. બીજું કે અમારી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખુબ જ ઓછો આવે છે. નફો વધારવાનું લક્ષ્ય ક્યારેય રાખ્યું નથી. અમારો ધ્યેય માત્ર દર્દીની સારામાંસારી સારવાર અદ્યતન મશીન અને ક્વોલીફાઈડ ડોક્ટરોથી થાય તે છે.અમારી હોસ્પિટલમાંથી કેન્સરનો કોઈ પણ દર્દી રૂપિયાના અભાવે સારવાર વગર જતો નથી. અમે નિશ્ચિત સમયાંતરે સર્જરીના ખર્ચમાં 10 ટકાનો ઘટાળો કરીએ છે. ગત વર્ષે જ 10 ટકાનો ઘટાળો કર્યો હતો. હોસ્પિટલમાં 24 કલાક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ રહે છે.