Entertainment

બોલિવુડનું કુટુંબ ‘હિતેન’ને અપનાવશે?

મોટા મોટા સ્ટાર્સની ફિલ્મો ફલોપ જઇ રહી છે તો હિતેન તેજવાણી બ્રુના અબ્દુલ્લાહ અભિનીત ‘ઝિંદગી શતરંજ હૈ’ ચાલશે? આ 20 તારીખે જ તે રિલીઝ થઇ રહી છે. પરિણામ જોઈ લેજો.આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે. હિતેન તેજવાણીની ઓળખ ‘કુટુંબે’, ‘કયુંકી સાસ ભી કભી બહુથી’, ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘પવિત્ર રિશ્તા’ જેવી ટી.વી. સિરીયલોથી થઇ છે. એકતા કપૂરે તેને ઘણી તક આપી હતી. ‘પરંતુ ફિલ્મોમાં સફળતા તેને હજુ હાથ લાગી નથી. અલબત્ત, તે 12-15 ફિલ્મોમાં કામ કરી ચૂકયો છે તેની ભૂમિકા મોટી નથી થઇ અને ફિલ્મો પણ નાની જ રહી છે.

કદાચ આ કારણે જ તેણે ટી.વી. સિરીયલો છોડી નથી. હમણાં પણ ‘બડે અચ્છે લગતે હૈ’ની બીજી સીઝનમાં તે લખન કપૂર તરીકે કામ કરી રહ્યો છે. તેણે નવ જેટલી વેબસિરીઝમાં પણ કામ કર્યું છે એટલે તેને કામ તો મળતાં રહે છે પણ ફિલ્મોની સફળતા હજુ પણ તેને મથાવે છે. ‘ઝિંદગી શતરંજ હૈ’માં તેને મુખ્ય ભૂમિકા મળી છે. ફિલ્મ સસ્પેન્સ થ્રીલર હોવાથી તેને એક ટોટલ સ્ટાર પ્રકારની ભૂમિકા નથી મળી. આ એક નાના બજેટની ફિલ્મ છે. પ્રેક્ષકો મોટા સ્ટાર્સ હોય તો થોડા પણ આકર્ષાય જયારે આમાં એવું નથી. તો હિતેન વધારે આશા રાખી શકે? તેની સાથે જે હીરોઇન છે તે મૂળ બ્રાઝિલિયન એકટ્રેસ છે અને તે આ પહેલાં ‘ગ્રાન્ડ મસ્તી’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’.

‘જય હો’, ‘મસ્તી જીદે’ પ્રકારની દશેક ફિલ્મોમાં આવી ચૂકી છે. શું આ બ્રુના હિતેનને યા હિતેશ આ બ્રુનાને મદદ કરી શકે છે? દરેક ફિલ્મ રજૂ થવા પહેલાં એક શકયતા માત્ર હોય છે પણ અત્યારનાં પ્રેક્ષકો હવે મનોરંજનના નામે ઘણું માંગતાં થયાં છે તો તેની જરૂરિયાત હિતેન તેજવાણી પૂરી કરશે? મૂળ સિંદી એવા હિતેન તેજવાણી એક સારો અભિનેતા છે પણ મોટા પરદા માટે યોગ્યતા પુરવાર કરવી બાકી છે. અંગત જિંદગીમાં ‘કુટુંબ’ અને ‘કયું કી સાસ ભી કભી બહુ થી’ની સહઅભિનેત્રી ગૌરી પ્રધાનને પરણેલો પતિ તરીકે તો સારો પુરવાર થયો છે પણ તે પહેલાં તે એક છૂટાછેડા લઇ ચૂકયો છે.અત્યારે 48 વર્ષના થઇ ચૂકેલા તેજવાણી વધુ હિન્દી ફિલ્મો કરી શકશે કે નહીં તે તેની આવનારી ફિલ્મ નક્કી કરશે. આવતા અઠવાડિયે શાહરૂખ ખાનની ‘પઠાણ’ પહેલાં રજૂ થનારી ફિલ્મોએ વિચારવાનું હોય છે કે મોટી ફિલ્મો આવીને કહેશે થિયેટરો ખાલી કરો. હિતેન તૈયાર છે?

Most Popular

To Top