Entertainment

રાધિકા “મેદાન” મારશે?

રાધિકા મદાન દિલ્હીવાળી છે ને દિલ્હીના હોય તે પોતાની કારકિર્દી બાબતે આક્રમક હોય છે. (ના ના. આ વાત શાહરૂખ ખાન વિશે નથી) પણ રાધિકા મદાન પોતાની ચાલે ચાલે છે. તેણે જોઇ લીધું કે ફિલ્મો મળી જવી એ એક સફળતા છે ને ફિલ્મો ચાલવી બીજી સફળતા છે અને આ બીજી સફળતા જ મહત્વની છે. હમણા ‘કુત્તે’માં આવી રહેલી રાધિકા એક ‘અંગ્રેજી મિડીયમ’ માટે જરૂર કહી શકે કે તેની સફળતા પ્રેક્ષકોની આંખે ચડેલી. બાકી સની કૌશલ સાથેની ‘શિદ્દત’માં તેણે શિદ્દતથી કામ કરેલું પણ ફળેલું નહીં. પરંતુ વિશાલ ભારદ્વાજને ‘પટાખા’ વખતે ય તેની પર વિશ્વાસ હતો અને એ વિશ્વાસ હજુ પણ ટકી રહ્યો છે. રાધિકા જો કે દરેક ફિલ્મે પોતાની વિશેષતા દેખાડવા જરૂર પ્રયત્ન કરે છે.

વિષય બરાબર ન હોય યા દિગ્દર્શક બરાર ન હોય યા ફિલ્મ રિલીઝ થવાનો સમય બરાબર ન હોય તો સારું કામ પણ વેડફાઇ જતું હોય છે. રાધિકા હવે ધીરે ધીરે આ બધું સમજી રહી છે. તે કોઇ ફિલ્મી કુટુંબની તો નથી કે તેને કોઇ માર્ગદર્શન આપે અને એવા માર્ગદર્શક શોધવામાં કોઇ અભિનેતા સાથે લપેટાઇ પણ નથી. આ માટે તેને માન આપવું જોઇએ. તેને ઇશાન આર્ય નામનો બોયફ્રેન્ડ છે પણ તે નવી દિલ્હીમાં છે અને રાધિકાને પરણવાની ઉતાવળ નથી. રાધિકાએ આમ પણ એકટ્રેસ થવું નહોતું. તેણે તો ડાન્સિંગ સ્ટાર થવું હતું અને તેથી ન્યૂયોર્કની ડાન્સ કંપનીમાન કોર્સ કરવા જવાની હતી. પણ ‘મેરી આશિકી તુમસે હી’ ટી.વી. શો વાળાએ તેને દિલ્હીના એક મોલમાં જોઇ અને તેને આ સિરીયલમાન કામ કરવાનું નિમંત્રણ આપ્યું. એ સિરીયલ પછી તરત ‘કયું કી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝનમાં કામ કરવાનું નિમંત્રણ મળ્યું પણ તેણે ના પાડી. આજે તો સમુદ્ર કિનારાની સામે તેનો ફલેટ છે અને તે વિદ્યા બાલન, શાહીદ કપૂરના ફલેટની નજીક છે.

રાધિકાનું પૂરું ધ્યાન હવે ફિલ્મો પર જ છે પણ એકદમ ટોપ સ્ટાર્સ સાથેની ફિલ્મોથી બચે છે. તેને એવા સ્ટાર્સ સામે વાંધો નથી પણ તેની સાથે ફકત રોમાન્સ કરવામાં રસ નથી. આ કારણે જ તેણે અર્જૂન કપૂર સાથે ‘કુત્તે’ અને અક્ષયકુમાર, પરેશ રાવલ સાથે તમિલ ફિલ્મ ‘સૂરારઇ પોટ્ટરુ’ની રિમેક સ્વીકારી છે. ‘હેપી ટિચર્સ ડે’માં તે અને નિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે તો ‘ગો ગોવા ગોન’ની સિકવલમાં તે સૈફ અલી ખાન સાથે છે અને ‘દેશી વિદેશી’માં સિધ્ધાંત ચતુર્વેદી છે. રાધિકાની બે વેબ સિરીઝ આવી ચુકી છે ને ત્રીજી ‘સાસ બહુ ઔર કોકેન’ હવે આવશે. રાધિકા કાંઇ એકદમ ગ્લેમરસ લુક ધરાવતી નથી એટલે મ્યુઝિક વિડીયોમાં સ્થાન પામતી નથી અને તે કોઇ પણ રીતે કામ મેળવવામાં માનતી ય નથી. તે માને છે કે 2023માં કાંઇ ફિલ્મોને રોકનારું ન બન્યું તો તેના માટેનું શ્રેષ્ઠ વર્ષ બની જશે. ‘કુત્તે’ તેનો આરંભ છે.

Most Popular

To Top