Sports

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ચાર વર્ષ પછી વન ડે જીતી

હૈદરાબાદ: આજે બુધવારે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં ઓપનર શુભમન ગિલની પ્રથમ વિક્રમી બેવડી સદી અને મહંમદ સિરાજની જોરદાર બોલિંગની મદદથી ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે (India) લગભગ 4 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ (Newzeland) સામે વનડેમાં જીત મેળવી છે. 3 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે આ ફોર્મેટમાં છેલ્લી વખત ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું અને ત્યારથી ભારત 5 મેચ હારી ચૂક્યું છે અને બે મેચ અનિર્ણિત રહી હતી.

આજની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ટીમ ઈન્ડિયાએ ગિલની 208 રનની ઈનિંગની મદદથી 349 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડે સતત વિકેટો ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ માઈકલ બ્રેસવેલે 57 બોલમાં સદી ફટકારી હતી. તેણે મિચેલ સેન્ટનર સાથે 102 બોલમાં 162 રનની ભાગીદારી કરી હતી. સેન્ટનર 38 બોલમાં અર્ધસદી ફટકારી હતી. તે અંતે 78 બોલમાં 140 રન બનાવીને છેલ્લી ઓવરમાં 10મી વિકેટ તરીકે આઉટ થયો હતો અને તેની સાથે ન્યૂઝીલેન્ડનો દાવ 337 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચ જીતવાની સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગીલે વિસ્ફોટક બેટીંગ કરીને બેવડી સદી ફટકારી પાંચમો ભારતીય જ્યારે વિશ્વનો 8મો ખેલાડી બન્યો હતો. જો કે તે વન ડેમાં બેવડી સદી પુરી કરનારો વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો, તેણે આ મામલે પોતાના જ સાથી ખેલાડી ઇશાન કિશનનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે બાંગ્લાદેશ સામે આ વર્ષે જ 24 વર્ષ અને 145 દિવસની વયે બેવડી સદી ફટકારી સૌથી યુવા ખેલાડી બનવાનો રેકોર્ડ કર્યો હતો. શુભમન ગીલે આજે બેવડી સદી ફટકારી ત્યારે તેની વય 23 વર્ષ અને 132 દિવસની છે.

માઇકલ બ્રેસવેલે વન ડેમાં ભારત સામે બીજી સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો
માઈકલ બ્રેસવેલે આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારત વિરૂદ્ધ સાતમા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા પછી સદી ફટકારી હતી અને તેની આ સદી ભારત સામે વન ડે ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી રહી હતી. બ્રેસવેલે 57 બોલમાં સદી પુરી કરીને જેમ્સ ફોકનર અને એબી ડિવિલિયર્સની બરોબરી કરી હતી. ભારત સામે સામે સૌથી ઓછા 45 બોલમાં સદીનો શાહિદ આફ્રિદીનો રેકોર્ડ છે. સાતમાં ક્રમે બેટિંગમાં આવીને પોતાની સદી પૂરી કરીને ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. સાતમા ક્રમે બેટિંગ કરીને સદી ફટકારનાર બ્રેસવેલ વન ડેક્રિકેટમાં માત્ર બીજો બેટ્સમેન બન્યો છે.

Most Popular

To Top