SURAT

સુરત એરપોર્ટને નડતરરૂપ 41 બિલ્ડિંગ કેમ તોડવા નહીં જોઈએ? બિલ્ડરોના વકીલોએ હાઈકોર્ટમાં કરી દલીલ

સુરત : સુરત એરપોર્ટને નડતરરૂપ 41 બિલ્ડીંગ ઓગસ્ટ 2021માં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ દ્વારા તોડી પાડવાના આપવામાં આવેલાં આદેશને બિલ્ડરો અને ફ્લેટ હોલ્ડરોએ ગુજરાત હાઇકોર્ટમાં સિંગલ બેન્ચ સમક્ષ જઈ સ્ટે લઈ લીધો હતો. એનાથી નારાજ થઈ અરજદારે હાઇકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ મામલો પડકાર્યો હતો. આ કેસમાં બુધવારે તા. 18 જાન્યુઆરીના રોજ હાઇકોર્ટમાં ફ્લેટ હોલ્ડર્સ પછી હવે બિલ્ડરો તરફેની દલીલો પૂર્ણ થતાં કોર્ટે આગામી શુક્રવારે પિટિશનકર્તાનાં વકીલને શુક્રવારે દલીલો રજૂ કરવા ઓરલ ઓર્ડર કર્યો છે.

  • એરપોર્ટને નડતી બિલ્ડિંગનાં કેસમાં બિલ્ડરો તરફેની દલીલો પૂર્ણ
  • પિટિશનકર્તાનાં વકીલ શુક્રવારે વળતી દલીલો કરશે એ પછી કોર્ટ ચુકાદો આપશે
  • ગેરકાયદે બાંધકામોને લીધે મોટા વિમાનો સુરત એરપોર્ટના રનવે પર ઉતરી શક્તા નથી

પિટીશનકર્તાની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. બિલ્ડરો તરફે ત્રણ વકીલો દ્વારા બાંધકામ શા માટે ન તોડવા એનાં બચાવમાં દલીલો કરવામાં આવી હતી. ગેરકાયદે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ્સનાં બાંધકામોને લીધે વાઈડ બોડી એટલે કે મોટા વિમાનો સુરત એરપોર્ટના વેસુ તરફનાં રનવે પર ઉતરી શક્તા નથી. સુરત એરપોર્ટના વેસુ-22 રનવે પર 615 મીટરનો કાપ રાખવામાં આવ્યો છે. એવી જ રીતે ડુમસ તરફના રનવે પર પણ લેન્ડિંગ માટે ત્રણેક બાંધકામો નડતરરૂપ છે.

આ કેસની વિગત મુજબ બિલ્ડીંગનું ડિમોલિશન અટકાવવા બિલ્ડરોએ ગુજરાત હાઇકોર્ટમાં સિંગલ બેંચની કોર્ટમાં પીટિશન કરીને સ્ટે મેળવી લીધો હતો. બીજી તરફ સ્ટે મેળવવાની અરજી સિંગલ જજની બેંચમાં થઇ શકે નહીં તે માટે પિટીશન વિશ્વાસ ભાંભોરકરે ફરીવાર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સહિત બે જસ્ટીસની બેંચમાં પિટીશન કરી હતી. ઓગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સુરત એરપોર્ટને નડતરરૂપ 41 ઈમારતોને તોડી પાડવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો અને અંગેની કાર્યવાહી પૂર્ણ કરી તા. 2 સપ્ટેમ્બર 2021 સુધીમાં કોર્ટને રિપોર્ટ સોંપવાની જવાબદારી સુરત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી હતી. ડિમોલીશન માટે સુરત મનપાની મદદ લેવાની તાકીદ પણ કરાઈ છે.

આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે ઈમારતોનું બાંધકામ કરનાર બિલ્ડરોને તા. 31 ઓગસ્ટ 2921 સુધીમાં અપીલ કરવાની મંજૂરી આપી હતી. ભૂતકાળમાં જ્યારે ઈમારતો તોડવા અંગેની હિલચાલ થઈ હતી ત્યારે સાંસદ સી.આર. પાટીલની મધ્યસ્થીમાં દિલ્હી ખાતે તત્કાલિન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીને સમજાવીને ડિમોલીશનને અટકાવી દેવાયું હતું. તે સમયે પૂરીએ એવી ખાતરી આપી હતી કે રહીશોને નુકસાન થાય તેવી કોઈ કામગીરી કરવામાં આવશે નહીં. હવે આ મામલે કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદા સુધી પહોંચ્યો છે.

Most Popular

To Top