Dakshin Gujarat

દમણનાં પદ્મશ્રી પ્રભાબેન શાહનું 92 વર્ષની જૈફ વયે નિધન

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણનાં સમાજ સેવી અને અનેક પ્રવૃત્તિમાં જોડાયેલા તેમજ પદ્મશ્રી એવોર્ડથી (Padmashri Award) સન્માનિત થયેલા પ્રભાબેન શાહનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 20 ફેબ્રુઆરી 1930 માં બારડોલીમાં જન્મેલા પ્રભાબેન શોભાગચંદ શાહ બાળપણથી જ બારડોલીના સ્વરાજ આશ્રમ (Swaraaj Ashram) સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ દમણને પોતાની કર્મભૂમિ બનાવી પરિવાર સાથે દમણમાં સ્થાયી થયેલા પ્રભાબેને વિવિધ સેવા કીય કાર્યની સાથે સમાજ સેવાના કાર્યોની શરૂઆત કરી હતી.

  • દમણનાં પદ્મશ્રી પ્રભાબેનનું 92 વર્ષની જૈફ વયે નિધન
  • 67 વર્ષથી સમાજ સેવાની સાથે અનેક પ્રવૃત્તિમાં વ્યસ્ત પ્રભાબેનને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
  • પ્રભાબેન દોઢ મહિનાથી શ્વાસ અને હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા હતા

92 વર્ષની જૈફ વયે પણ તેઓ સમાજ સેવા સાથે સંકળાયેલા રહ્યા હોવાને લઈ ગતવર્ષે જ દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ અને વિશિષ્ટ કામગિરી કરનારા 128 પ્રતિભાને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં દમણના પ્રભાબેન શાહનું નામ પણ સામેલ હોવાને લઈ તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. દમણ ભાજપ તરફથી પણ તેમને અટલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા પ્રભાબેન છેલ્લા દોઢ મહિનાથી શ્વાસ અને હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા હતા.

તેમની તબિયત અચાનક લથડતાં પરિવારના સભ્યોએ તેમને મંગળવારના રોજ દમણની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેમને દમણની સરકારી હોસ્પિટલ મરવડના આઇસીયુ વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે બપોરે 1:30 કલાકે પ્રભાબેન શાહે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રભાબેનના પાર્થિવ દેહમાંથી આઇ ડોનેશન પણ કરાયું છે. ગુરુવારે સવારે એરપોર્ટ રોડ પાસે આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટથી તેમની સ્મશાન યાત્રા નિકળશે. સાદગી અને સુમેળભર્યું જીવન જીવનારા પ્રભાબેનનું અવસાન થતાં પરિવારની સાથે પ્રદેશના વિવિધ સંગઠનો, મંડળો અને અન્ય લોકોમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે.

Most Popular

To Top