Top News

More Posts

   The Latest

Most Popular

આખરે ચૂંટણી પંચે શિવસેના શિંદે જૂથને સોંપી દીધી. ચૂંટણી પંચે એવું કારણ આપ્યું કે ઉદ્દવ જૂથે ચૂંટણી કર્યા વિના જ પક્ષમાં લોકોને નિયુક્ત કરી દીધા હતા. જે ગેરબંધારણીય છે. સાથે સાથે ચૂંટણી પંચએ એવું પણ શોધ્યું હતું કે, શિવસેનાના મૂળ બંધારણમાં અલોકતાંત્રિક પ્રથાઓને ખાનગી રીતે પાછી લાવવામાં આવી છે અને તેને કારણે આ પક્ષ એક પેઢીની ખાનગી જાગીર જેવો બની ગયો છે. પાર્ટીનું આવું માળખું આત્મવિશ્વાસને તોડે છે. ચૂંટણી પંચના આ નિર્ણયની સાથે જ ધનુષબાણનું ચિહ્ન શિંદે જૂથનું થઈ જવા પામ્યું છે.

ચૂંટણી પંચના આ નિર્ણયને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ મચી છે અને હવે ઠાકરે જૂથ દ્વારા કયું વલણ અપનાવવામાં આવે છે તેની પર મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધીનો આધાર રહેશે. શિવસેનાના થયેલા ફાડચામાં ભાજપની મોટી ભૂમિકા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 2019માં થયેલી ગત ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે 106 અને શિવસેનાએ 56 બેઠક જીતી હતી. શિવસેનાએ અઢી વર્ષ સુધી પોતાનો મુખ્યમંત્રી બને તેવી માંગણી કરી પરંતુ ભાજપે તેનો સ્વીકાર કર્યો નહીં અને ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું. શિવસેનાએ બાદમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને ચલાવી પરંતુ ભાજપે શિવસેનાના ભંગાણ કરાવ્યું. શિંદેને આગળ કર્યા અને આખરે એકનાથ શિંદે ભાજપના ટેકાથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા.

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાને દાયકાઓથી દબદબો રહ્યો છે. ભૂતકાળમાં પ્રથમ વખત 1990માં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં શિવસેનાએ 288 બેઠકમાંથી 183 બેઠક પર ચૂંટણી લડી હતી અને ભાજપે 104 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. શિવસેનાને તે સમયે 52 બેઠક મળી હતી અને ભાજપને 42 બેઠક મળી હતી. તે સમયે વિપક્ષી નેતાનું પદ શિવસેનાને ફાળે ગયું હતું અને શિવસેનાના મનોહર જોશી વિપક્ષીના નેતા બન્યા હતા. ત્યારબાદ 1999માં પણ શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. આ સમયે ભાજપને 56 અને શિવસેનાને 69 બેઠક મળી હતી.

જો કે, તે સમયે તેની સરકાર બની નહોતી. કારણ કે બહુમતીમાં 20 બેઠક ખૂટતી હતી. તે સમયે શિવસેનાને એવું લાગતું હતું કે બહુમતી મળી જશે પરંતુ બહુમતી મળી નહીં અને બાદમાં એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. 1999 સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના મોટોભાઈ અને ભાજપ નાનો ભાઈની સ્થિતિ હતી પરંતુ 2009માં આ સ્થિતી બદલાઈ જવા પામી. આ વર્ષે થયેલી ચૂંટણીમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન ચૂંટણી હારી ગયું હતું પરંતુ ભાજપને શિવસેના કરતાં એક બેઠક વધારે એટલે કે 46 બેઠક મળી હતી. જ્યારે શિવસેનાને 45 બેઠક મળી. આ કારણે તે સમયે વિપક્ષના નેતાનું પદ ભાજપના ફાળે ગયું હતું.

2014ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન પ્રથમ વખત તૂટ્યું હતું. ભાજપે શિવસેના કરતાં વધુ બેઠકની માંગણી કરી અને આખરે 25 વર્ષ બાદ ભાજપ અને શિવસેના અલગ થયા. કોંગ્રેસ અને એનસીપીએ પણ આ વખતે ગઠબંધન કર્યું નહીં અને પરિણામ એ આવ્યું કે ભાજપને એકલા લડવાને કારણે 122 બેઠક મળી. જ્યારે શિવસેનાને માત્ર 63 બેઠક જ મળી. 122 બેઠક જીતવાને કારણે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા પરંતુ બાદમાં તેમણે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો પણ શિવસેનાને ફરી ટેકો કરતાં ભાજપની સરકાર બની પરંતુ આમાં એક ફરક એ આવી ગયો કે શિવસેના મોટાભાઈની ભૂમિકામાંથી નાના ભાઈની ભૂમિકામાં આવી ગઈ. ત્યારથી શિવસેના પર ભાજપ વર્ચસ્વ જમાવી રહ્યું છે. આ વર્ચસ્વની લડાઈને કારણે જ 2019માં ગઠબંધન કરીને લડ્યા હોવા છતાં પણ શિવસેના અને ભાજપ અલગ પડ્યા હતા. આગામી 2024માં મહારાષ્ટ્રમાં ફરી વિધાનસભાની ચૂંટણી આવશે. પરંતુ ચૂંટણી પંચે કરેલા નિર્ણયને પગલે હવે શિવસેના છાવણીમાં માહોલ ઉચાટનો થઈ ગયો છે.

ઉદ્વવ જૂથ અને શિંદે જૂથ વચ્ચેની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે પરંતુ તે પહેલા ચૂંટણીપંચે કરેલા નિર્ણયને પગલે છેલ્લા કેટલાક દિવસોથી શાંત મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી વમળો શરૂ થઈ જવા પામ્યા છે. ઉદ્દવ જૂથ દ્વારા હવે આગામી દિવસોમાં કેવી રણનીતિ નક્કી કરવામાં આવે છે તેની પર સૌની નજર રહેશે. જોકે, એક વાત એ ચોક્કસ છે કે ચૂંટણી પંચ દ્વારા ભલે અસલી શિવસેના શિંદે જૂથને ગણાવવામાં આવી હોય પરંતુ ખરી શિવસેના કઈ છે તે તો મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં જ નક્કી થઈ શકશે. આગામી ચૂંટણીમાં જો શિંદે જૂથ ઉદ્દવ જૂથ કરતાં વધુ બેઠક મેળવી શકશે તો જ તે અસલી શિવસેના ગણાશે તે નક્કી છે.

To Top