Gujarat

ભુજમાં ફેબ્રુઆરીની ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગાંધીનગર : રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. જ્યારે ફેબ્રુઆરી માસમાં ભુજમાં (Bhuj) રેકોર્ડ બ્રેક ગરમી (Heat) નોંધાઇ છે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયો હતું. જે છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે.

રાજ્યમાં હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, પરંતુ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ શહેરીજનોને થવા લાગ્યો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંત પછી ધીરે ધીરે ગરમી શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે અત્યારથી જ રેકોર્ડ બ્રેક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ઉત્તર પૂર્વના પવનોને કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો સીધો 40 ડિગ્રી સેલ્સિયસને આંબી જતાં વિક્રમ તૂટયો હતો. ભુજ 40.3 ડિગ્રી સાથે સમગ્ર ગુજરાતનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું.

ભુજમાં ભેજનું પ્રમાણ સવારે 66 ટકા રહ્યું હતું. સૂર્યના તાપ સામે કલાકના માત્ર બે કિ.મી.ની મંદગતિ સાથે પવન પાંગળો પૂરવાર થયો હતો. ઉનાળાની હજી તો શરૂઆત થઈ નથી ત્યા તો વિક્રમી ગરમી શરૂ થઈ છે. હજુ તો જેઠ, વૈશાખ જેવાં પરંપરાગત ઉનાળુ મહિનાઓ બાકી છે, ત્યારે જ આવી ગરમી. તો આવનારા દિવસોમાં ઉનાળો કેટલો આકરો બનશે તેની કલ્પના માત્ર કરવી રહી. કંડલા એરપોર્ટ પર 38.1 ડિગ્રી અને રાપર, ખાવડામાં પણ 38 ડિગ્રી તાપમાનના કારણે અંજાર, વરસામેડી, ગળપાદર સહિત કચ્છના પૂર્વીય ભાગો, વાગડ પંથક, રણકાંધીના સીમાવર્તી ગામોએ ઉનાળુ અસર અનુભવી હતી.

ગુજરાતમાં ઠંડી અને ગરમીની એમ બેવડી ઋતુનો અનુભવ
ગાંધીનગર: રાજયમાં હવે ઠંડી અને ગરમીની એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહયો છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ માટે રાજયમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી નીચે ઉતરી જશે . તે દરમ્યાન ગરમીનો પારો 38થી 40 ડિગ્રી સુધી રહેશે.આ જે ભૂજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ,સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. અને કેશોદમાં 15 ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top