Top News

More Posts

   The Latest

Most Popular

તમે કોઈ દુકાનેથી 300 રૂ.ની ખરીદી કરો છો અને તમે દુકાનદારને 500 રૂ.ની નોટ આપો છો એટલે દુકાનદાર તમને બાકીના 200 રૂ. પરત કરે છે. હવે આ 200 રૂ. લઈને તમે બેન્કમાં તમારા એકાઉન્ટમાં જમા કરાવવા જાવ છો, ત્યારે ખબર પડે છે કે 200 ની નોટ ડુપ્લીકેટ છે. આ સંજોગોમાં બેંકવાળા પાસે બે વિકલ્પ હોય છે, ક્યાં તો પોલીસને બોલાવશે અથવા ત્યાં ને ત્યાં  ડુપ્લીકેટ નોટને ફાડી નાખવામાં આવશે. પોલીસ કેસની ઝંઝટમાં ના પાડતાં બેંકવાળા બીજો વિકલ્પ અપનાવશે. નોટ ફાડી કાઢશે. હવે વિચારણીય મુદ્દો એ છે કે આમાં તમારો શો વાંક? બજારમાં ખરીદી કરવા જવાવાળા કઇ નોટ સાચી કે ખોટી? એ  માપવાનું મશીન સાથે લઈને ફરી તો ન શકે ને!?

બજારમાં ફરતી ડુપ્લીકેટ નોટને કારણે પ્રજા દંડાય એ તો  સરકારની ઘોર વહીવટીય નિષ્ફળતા કહેવાય. સરકારના વાંકે પ્રજા દંડાય એ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થાય. ડુપ્લીકેટ નોટ બનાવવાવાળા એટલા પાવરધા હોય છે કે ઘણી વખત અસલી કે નકલી નોટ વચ્ચેનો તફાવત પારખવો કઠિન બની રહે છે. હકીકત તો એ છે કે આવી ઘટનામાં પોલીસે તેના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ અને સાચા ગુનેગારને પકડી એને સખત સજા થાય એવી તજવીજ કરવી જોઈએ. ચલણમાં ડુપ્લીકેટ નોટો ઘુસાડવાની ઘટનાને આપણે ત્યાં ગંભીર ગુનો ગણવામાં આવતો નથી.

ક્યાંક આવાં છાપખાનાં પકડાય છે ત્યારે ગુનેગારોને બે ત્રણ વર્ષની સજા કરીને છોડી મૂકવામાં આવે છે. ગુનાના પ્રમાણમાં સજા એ ન્યાયતંત્રનો  મુદ્રાલેખ બનવો જોઈએ. એક તો વિલંબિત ન્યાય અને હળવી સજા એ કોઈ પણ ગુનાખોરીની પ્રવૃત્તિ માટે ઉત્સાહવર્ધક પરિબળ બની રહે છે. મોટા ઉપાડે અણઘડ અને  અણઆવડતને કારણે નોટબંધીની જાહેરાત કરનાર મોદી સરકાર જ્યારે નોટબંધી કરીને  ભેખડે ભેરવાયા નોટબંધીના તથાકથિત બધા જ ફાયદાઓ આજે ગેરફાયદામાં પરિવર્તિત થઈ ગયા છે. એમાં ડુપ્લીકેટ નોટ પણ બાકાત નથી.
સુરત     – પ્રેમ સુમેસરા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top