Columns

પંજાબની હિંસક ઘટનાઓનો સંબંધ આવી રહેલી ચૂંટણીઓ સાથે હોઇ શકે છે

રાજકારણ બહુ ખરાબ ચીજ છે. ચૂંટણી જીતવા માટે રાજકારણીઓ પ્રજામાં ભાગલા પડાવવાની અને રમખાણો કરાવવાની હદે પણ જતા હોય છે. અમુક રાજ્યોમાં ચૂંટણી પહેલાં અચૂક કોમી રમખાણો થતાં હોય છે. ૨૦૦૧ માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો ભાજપને લાભ થયો હતો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી તોફાનો થયાં તેને કારણે ભાજપને સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં મદદ મળી હતી. તાજેતરમાં પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબના અપમાનને લઈને જે હિંસક ઘટનાઓ બની રહી છે, તેને આગામી વિધાનસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ૨૦૧૭ માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં પણ આવી જ ઘટનાઓ બની હતી. ત્યારે પંજાબમાં અકાલી દળ-ભાજપની સંયુક્ત સરકાર હતી. આ સરકાર ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારાં લોકો સામે ઝડપી પગલાં ભરવામાં નિષ્ફળ ગઈ હતી. કોંગ્રેસે તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ ચૂંટણી જીતી ગઈ તેમાં આ પ્રકારની ઘટનાઓનો મોટો ફાળો હતો.

હવે પંજાબમાં ફરી ચૂંટણીઓ નજીક આવી ગઈ છે. આ વખતે સત્તામાં કોંગ્રેસ છે. ૨૦૧૭ માં કોંગ્રેસને વિજય તરફ દોરી જનારા કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડીને પોતાનો ચોકો જુદો કર્યો છે. તેઓ ભાજપને મદદ કરવા મેદાને પડ્યા છે. પંજાબમાં એક જ સપ્તાહમાં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની ત્રણ ઘટનાઓ બની છે. તે પૈકી એક અમૃતસરના સુવર્ણ મંદિરમાં બની છે તો બીજી કપુરથલાના ગુરુદ્વારામાં બની છે. આ બંને ઘટનાઓમાં ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારા ઇસમોને મારીને ટોળાંઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે. આ ટોળાં પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો નથી. સરકારને ડર છે કે જો તેમ કરવામાં આવશે તો કટ્ટર શીખો કોંગ્રેસને મત નહીં આપે. ઉલટાનું ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારા સામે ફોજદારી કેસો કરવામાં આવ્યા છે. જો આ ઘટનાઓને કારણે કોંગ્રેસ બદનામ થઈ જાય તો ભાજપને તેનો ફાયદો થઈ શકે છે.

ગયા ગુરુવારે સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની પહેલી ઘટના બની હતી. તેમાં એક ગાંડા જેવા જણાતા માણસે ગુરુ ગ્રંથ સાહિબનો ગુટકો તળાવમાં નાખી દીધો હતો. તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. શનિવારે બીજો માણસ રેલિંગ કૂદીને સુવર્ણ મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી ગયો હતો. તેણે હાથમાં તલવાર ઉઠાવી હતી અને તે ગુરુ ગ્રંથ સાહિબના ટુકડા કરવાની તૈયારી કરી રહ્યો હતો. ભક્તો તેને પકડીને બહાર લઈ ગયા હતા અને તેની પિટાઈ કરીને તેને મારી નાખ્યો હતો. બીજી ઘટના કપુરથલા જિલ્લાના નિઝામપુરમાં શનિવારે બની હતી.

એક માણસ ગુરુદ્વારાના ગર્ભગૃહમાં બે જેકેટ પહેરીને ઘૂસી ગયો હતો. તેણે પવિત્ર ધજા નિશાન સાહિબની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોકીદારે તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેને એક ઓરડામાં પૂરી રાખ્યો હતો. કેટલાક ઝનૂની શીખ યુવાનો તલવાર લઈને રાતે ઓરડામાં પ્રવેશ્યા હતા. તેમણે તલવારના ઘા કરીને પેલા ચોરને પૂરો કરી નાખ્યો હતો. પોલીસે તેનું રક્ષણ કરવાની કોશિશ કરી હતી, પણ ઝપાઝપીમાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. શીખ યુવાનો બોલતા હતા કે તેમને પોલીસ પર ભરોસો નથી; માટે તેમણે જાતે જ ચોરને સજા ફરમાવી દીધી હતી.

પંજાબમાં જેમ ૨૦૨૨ ની ચૂંટણી પહેલાં પવિત્ર ગ્રંથની આશાતનાના બનાવો બની રહ્યા છે, તેવું ૨૦૧૭ ની ચૂંટણી પહેલાં પણ બન્યું હતું. પહેલી ઘટના ૨૦૧૫ ના જૂનમાં બની હતી, જેમાં ફરિદકોટ જિલ્લાના ગુરુદ્વારામાંથી ગ્રંથ સાહિબની ચોરી કરવામાં આવી હતી. બીજી ઘટના ઓક્ટોબરમાં બની હતી, જેમાં ગુરુ ગ્રંથ સાહિબનાં પાનાં જમીન પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યાં હતાં. આ બે ઘટનાઓ પછી પંજાબમાં તેની સામે હિંસક વિરોધ પ્રદર્શનો થયાં હતાં. પોલીસે તોફાની ટોળાં પર ગોળીબાર કરતાં બે યુવાનોનાં મોત થયાં હતાં. તેને કારણે અકાલી દળ-ભાજપની સરકાર વગોવાઇ ગઇ હતી. કોંગ્રેસે આ ઘટનાને ચગાવી હતી અને ૨૦૧૭ ની ચૂંટણીમાં તેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ જીતી જતાં કેપ્ટન અમરિંદર સિંહ મુખ્ય પ્રધાન બન્યા હતા.

પંજાબમાં છેલ્લા એક વર્ષથી કિસાનોનું આંદોલન ચાલી રહ્યું હતું, જેને કારણે ભાજપ પક્ષ એકદમ બદનામ થઈ ગયો હતો. ભાજપના કોઈ નેતાને પંજાબના ગામમાં પ્રવેશ કરવાની કે સભા ભરવાની પણ પરવાનગી આપવામાં આવતી નહોતી. કેન્દ્ર સરકારે કિસાનોની ત્રણ માગણીઓ સ્વીકારી લીધી તેને કારણે ભાજપને ચૂંટણીમાં તેનો લાભ મળવાની સંભાવના છે. કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી તેને કારણે પણ ચૂંટણીમાં ભાજપના વિજયની સંભાવના વધી ગઈ છે.

૨૦૧૫ માં ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની બે ઘટનાઓ બની તે પછી પંજાબની અકાલી દળ-ભાજપની સરકાર પર આ પ્રકારના ગુના સામે કાયદો ઘડવાનું પ્રચંડ દબાણ આવ્યું હતું. રાજ્ય સરકારે કાયદો કરીને ગુરુ ગ્રંથ સાહિબના અપમાનને સજાપાત્ર ગુનો બનાવ્યો હતો. તેને કેન્દ્ર સરકારે મંજૂરી નહોતી આપી; કારણ કે તે કાયદામાં અન્ય ધર્મોને બાકાત રાખવામાં આવ્યા હતા. ૨૦૧૭ માં પંજાબમાં ચૂંટણી થઈ હતી, જેના પરિણામે કોંગ્રેસની સરકાર આવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે કાયદામાં ફેરફાર સૂચવવા જસ્ટિસ રણજિતસિંહ કમિશનની રચના કરી હતી. તેને અપમાનની ઘટનાઓની તપાસ કરવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. તેની ભલામણો મુજબ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગુરુ ગ્રંથ સાહિબ ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, બાઇબલ અને કુરાને શરીફના અપમાનને પણ સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો હતો. કોઈ પણ ધર્મના પવિત્ર પુસ્તકનું અપમાન કરનારા માટે જન્મટીપ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

પંજાબના ફરિદકોટમાં ૨૦૧૫ માં જે બે ઘટનાઓ બની તેની અને તેના કારણે થયેલી હિંસાની તપાસ માટે પાંચ સીટની અને બે તપાસ પંચોની રચના કરવામાં આવી હતી; પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. પોલીસ ગોળીબારમાં મરણ પામેલા બે શીખોના સગાઓ કહે છે કે અપમાન કરનારા ગુનેગારો છૂટા ફરે છે, જ્યારે તેનો વિરોધ કરનારા સ્વજનો માર્યા ગયાં છે. આ વર્ષના પ્રારંભમાં હાઇ કોર્ટ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને તેને ૬ મહિનામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. આ ઘટનામાં જેની ધરપકડ કરવામાં આવી હતી તેવા ડેરાના સમર્થક આરોપીનું ૨૦૧૯ માં પોલીસ કસ્ટડીમાં શંકાજનક મોત થયું હતું. પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે જેઓ પવિત્ર ગ્રંથનું અપમાન કરે તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ. તોફાની ટોળાં દ્વારા આ સૂચનનો અમલ કરવામાં આવ્યો છે.

પંજાબમાં જે ત્રણ કમનસીબ ઘટનાઓ બની તે કોઈ કાવતરાંનો ભાગ હતી, તેવું હજુ સાબિત થયું નથી. આ ત્રણ ઘટનાઓ વચ્ચેનો સંબંધ પણ પ્રસ્થાપિત થયો નથી. તેમ છતાં રાજકીય પક્ષો તેનો લાભ લેવા મેદાને પડ્યા છે. રાજકારણીઓ કાયમ ચૂંટણીમાં જીતવા માટે આવી ઘટનાઓની તલાશમાં હોય છે. વિધિની વક્રતા જુઓ કે મનુષ્યની હત્યા કરનારાં લોકો સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી; પણ મરણ પામનારા મનુષ્યો સામે કેસ કરવામાં આવ્યા છે. તેને ન્યાય કેમ કહી શકાય? દુનિયાનો કોઈ ધર્મ આ રીતે હત્યા કરવાનો ઉપદેશ આપતો નથી.

Most Popular

To Top