Top News

More Posts

   The Latest

Most Popular

ઉનાળો શરૂ થતા જ હવે ગૃહિણીઓએ બારેમાસ ચાલે એટલા મસાલા ભરવાનું શરૂ કરી દીધું છે. તમને યાદ છે બહુ જૂનું નહીં પણ 20-25 વર્ષ પહેલાં આપણે જોતા હતા ને કે આપણી સોસાયટી, શેરીમાં મરચું, હળદર, ધાણા જેવા મસાલા કૂટવા મહિલાઓ આવતી. આ મહિલાઓ થોડા પૈસા લઈને વર્ષના બાર મહિના ચાલે એટલો મસાલો ફૂટી આપતી. જોકે, હવે તો એવું જૂજ જોવા મળે છે. હવે તો તૈયાર મસાલાના પેકેટોએ સ્થાન જમાવી લીધું છે. આજથી 93 વર્ષ પહેલાંના સુરતની વાત કરીએતો ઝાંપા બજાર મેઈન રોડ વિસ્તારમાં ગાંધી ચિબાવાલા નામની દુકાનમાં વિવિધ પ્રકારના મસાલા વેચાવાની શરૂઆત થઈ હતી. આ પેઢીની શરૂઆત વોહરા કોમના એક સજ્જન દ્વારા 1930 પહેલા થઈ હતી. આ વોહરા કોમના સજ્જન જાપાનના ચિબા શહેરમાં થોડો સમય રહીને આવ્યા હતા. તેમણે ઝાંપા બજારમાં આ પેઢીનો પાયો નાખ્યો હતો.

તેઓ ચિબા શહેરમાંથી આવ્યા હોવાથી લોકો તેમને ચિબાવાલાના નામથી ઓળખતા. તેઓ શરુઆતમાં માત્ર મસાલા અને કરીયાણા ની દુકાન ચલાવતા હતા. આ પેઢીની બાગડોર પછીથી કોણે હાથમાં લીધી? આ પેઢી બાદમાં હાલના સંચાલકો વસઇવાલાના હાથમાં કઈ રીતે આવી? આ પેઢીનો ચાનો મસાલો 7 સમંદર પારના દેશોમાં પણ કેમ વખણાય છે? તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ. વંશવેલો પરસોત્તમદાસ ગોવનભાઈ ગાંધી- હીરાલાલ અંબાલાલ વસઇવાલા- કિશોરચંદ્ર હીરાલાલ વસઇવાલા – રાજેશભાઇ હીરાલાલ વસઇવાલા – જતીન કિશોરચંદ્ર વસઇવાલા

લારીવાળા અને 400થી વધારે દુકાનવાળા અમારે ત્યાંથી મસાલો લઈ જાય છે: કિશોરચંદ્ર વસઇવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક કિશોરચંદ્ર વસઇવાલાએ જણાવ્યું કે, અમારી દુકાનના વેજ- નોનવેજ મસાલા, પંજાબી મસાલા તથા મરચું, હળદર, મરીમસાલા તો લોકો લઈ જ જાય છે. આ સાથે શહેરના 200થી વધારે લારીવાળા અમારે ત્યાંથી મસાલા લઈ જાય છે. લારીવાળા મોટાભાગે સ્પેશ્યલ આમલેટ મસાલો લઈ જાય છે. શહેરના મોટા વરાછા, કતારગામ, સ્ટેશન રોડ, અડાજણ, સિટીલાઈટ વિસ્તારના લારીવાળા અમારા મસાલાના ગ્રાહક છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારના 400થી વધારે દુકાનદાર પણ અમારે ત્યાંથી તૈયાર મસાલાના પેકેટ લઈ જાય છે. મારા પિતા હીરાલાલ વસઇવાલાએ મારા અને મારા નાના ભાઈ રાજેશને કહ્યું હતું કે, નોકરી કરવા કરતાં ઘરના ધંધામા બેસવું સારું. પિતાની વાત માની હું અને ભાઈ રાજેશે 1985થી દુકાનમાં બેસવાનું શરૂ કર્યું.

અમેરિકા,ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી ચાનો અને નોન વેજ મસાલો લઈ જાય છે: રાજેશભાઈ વસઇવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક રાજેશભાઈ વસઇવાલાએ જણાવ્યું કે, અમારા મસાલાની શુદ્ધ ક્વૉલિટી અને બેસ્ટ સ્વાદ અને સોડમની માઉથ ટૂ માઉથ પબ્લિસિટી વિદેશોમાં પણ થઈ છે. એને કારણે જ જ્યારે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા સિંગાપોરથી આવતા N.R.I.અમારે ત્યાંથી નોનવેજના મસાલા અને અન્ય મસાલા સાથે ચાનો મસાલો પણ લઈ જાય છે. તેઓ 3 હજારથી માંડીને 10 હજાર રૂપિયા સુધીનો મસાલો લઈ જાય છે. ત્યાં કોઈને ત્યાં ગેટ ટૂ ગેધર કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે અમારા મસાલા નાખીને બનાવેલી વાનગીનો ટેસ્ટ લેતી વખતે મસાલો કયાંનો છે પૂછવામાં આવે ત્યારે ગાંધી ચિબાવાલાનો મસાલો કહી માઉથ ટૂ માઉથ પબ્લિસિટી થાય છે. અમારા મસાલા બાપ્સ (B.A.P.S.) સ્વામિનારાયણ મંદિરમાં જાય છે. અહીં અમે નિઃશુલ્ક મસાલો મોકલીએ છીએ. આ ઉપરાંત સાઈ બાબા મંદિરમાં પણ અમારો મસાલો જાય છે.

લગ્ન પ્રસંગ, મકાનનું વાસ્તુ પ્રસંગના જમણવાર માટે અને કેટલાક કેટરર્સ મસાલો લઈ જાય છે: જતીન વસઇવાલા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક જતીન વસઇવાલાએ જણાવ્યું કે, લગ્ન પ્રસંગ, સીમંતના પ્રસંગ, ગેટ ટૂ ગેધર, સગાઇ પ્રસંગ કે મકાનના વાસ્તુના પ્રસંગો માટે કેટરર્સ અમારે ત્યાંના મસાલા લઈ જાય છે. ખત્રી સમાજ અને રાણા સમાજના લગ્ન પ્રસંગ, સીમંત સગાઇના પ્રસંગમાં નોનવેજનો મસાલો અમારે ત્યાંથી જ લઈ જતા હોય છે. આ બંને સમાજના લોકો અઠવાડિયામાં બેથી ત્રણ વખત અમારે ત્યાં મસાલો લેવા આવતા હોય છે. હવે અથાણાની સિઝન ચાલુ થશે એટલે કાઠિયાવાડી ગોળ-કેરીના અથાણા માટેનો મસાલો અને મેથીયા કેરીના અથાણા માટેનો સ્પેશ્યલ મસાલો લેવા ગ્રાહકોની ભીડ જામે છે. મસાલા ભરવાની સિઝનમાં લોકો આખા ધાણા-જીરું, આખા મરચા, હળદર, કાશ્મીરી મરચું, રાય, મેથી, અજવાઇન લઈ જાય છે.

પહેલા હીરાલાલ વસઇવાલા અન્યત્ર 40 રૂપિયા પગારમાં જોબ કરતા હતા
પરસોત્તમદાસ ગાંધીએ પોતાના સાળા હીરાલાલ અંબાલાલ વસઇવાલાને દુકાન ગિફ્ટમાં) આપતી વેળા દુકાનનું નામ ચિબાવાલા બદલવું નહીં તેવી શર્ત રાખી હતી એટલે દુકાનનું નામ ગાંધી ચિબાવાલા જ રાખવામાં આવ્યું. હીરાલાલ વસઇવાલા પહેલા યાર્નના માર્કેટમાં નોકરી કરતા હતા અને તેમને એ સમયમાં 40 રૂપિયા પગાર મળતો હતો. 1966માં આ દુકાનના માલિક હીરાલાલ વસઇવાલા બન્યા હતા. તેમણે દુકાનની બાગડોર હાથમાં લેતા જ ચાનો મસાલો અને અન્ય મસાલા વેચવાનું શરૂ કર્યું હતું. એમના સમયમાં નોન વેજ મસાલા અને મરચું, હળદર, મરી-મસાલા લેવા લોકો બેગમપુરા, સલાબતપુરા, સગરામપુરા, ગલેમંડીથી આવતા.

1968 અને 2006ની મોટી રેલમાં મસાલો તણાયો હતો
કિશોરચંદ્ર વસઇવાલાએ જણાવ્યું કે 1966માં મારા પિતાએ જ્યારે આ પેઢીની બાગડોર હાથમાં લીધી હતી તેના 2 વર્ષ બાદ 1968માં સુરતમાં ભંયકર પૂર આવ્યું હતું જેમાં લગભગ મસાલાનો તમામ માલ તણાઈ ગયો હતો. 2006માં પણ સુરતમાં મોટી રેલ આવી હતી. અમારી દુકાનમાં પણ પાણી ભરાયા હતા. રેલના પાણીમાં અમારા મસાલાનો માલ તણાઈ ગયો હતો. એ વખતે લગભગ 40થી 50 હજાર રૂપિયાના માલને નુકસાન થયું હતું. કોરોના કાળમાં દુકાન બંધ રહેતા લોકો ઘર સુધી મસાલો લેવા આવતા હતા.

ચાનો મસાલો નવસારી, ભરૂચ, અંકલેશ્વર સુધી જાય છે.
રાજેશભાઈ વસઇવાલાએ જણાવ્યું કે, ચિબાવાલા ચાના મસાલા વગર કેટલાય સુરતીઓની સવાર નથી પડતી. અમારો ચાનો મસાલો નવસારી, બારડોલી, વ્યારા,ભરૂચ, અંકલેશ્વર સુધી જાય છે. અમારા આ મસાલામાં તજ, લવિંગ, જાયફળ, જાવત્રી, મરી, સૂંઠ, ગંઠોડાનો ઉપયોગ થાય છે જે ચાયમાં સોડમ વધારવાની સાથે, ચાનો ટેસ્ટ લાજવાબ બનાવે છે.

ચંદી પડવામાં ઘારીનો સામાન, શિયાળામાં વિવિધ વસાણા માટેનો સોદો લઈ જાય છે
જતીન વસઇવાલાએ જણાવ્યું કે ચંદી પડવો હોય ત્યારે ઘારી બનાવવા માટે વપરાતી સામગ્રી શહેરના લોકો લેવા માટે ભીડ જમાવતા હોય છે. આ ઉપરાંત શિયાળામાં સાલમ પાક, મેથી પાક, અડદિયા પાક, ગુંદર પાક બનાવવા માટે કાચી સામગ્રીનો સોદો લઈ જાય છે. સાલમ પાક માટેનો 500 ગ્રામ સોદો લઈ જાય એમાં અલગથી ઘી અને માવો નાંખવામાં આવે તો 2 કિલો જેટલો સાલમ પાક બને છે. 2005થી અમે ડ્રાય ફ્રૂટ્સ વેચવાનું શરૂ કર્યું.

દુકાનમાં કામ કરતા પરસોત્તમદાસને દુકાન ગિફ્ટમાં મળી
આ દુકાનના હાલના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકોને વોહરા કોમના તે સજ્જનના નામનો ખ્યાલ નથી પણ, આ સજ્જનની આ દુકાનમાં પરસોત્તમદાસ ગોવનભાઈ ગાંધી નોકરી કરતા. વોહરા કોમના તે સજ્જનને કોઇ સંતાન નહીં હતું. એટલે તેમણે પરસોત્તમદાસ ગાંધીને આ દુકાન ગિફ્ટમાં આપી હતી. પણ તેમણે શર્ત રાખી હતી કે, દુકાનનું નામ ચિબાવાલા બદલવું નહિ. પરસોત્તમદાસ ગાંધીએ મસાલા બનાવવાનુ ચાલુ કર્યું. એ સમયે તો આજના મસાલા દળવાના અદ્યતન મશીનો નહીં હતા એટલે પરસોત્તમદાસ ગાંધીના પત્ની પાલીબેન ઘરનું કામ પરવારીને પથ્થરની ઘંટી પર મસાલા દળતા. પરસોત્તમદાસ ગાંધી નિઃસંતાન હતા એટલે તેમણે પોતાના સાળા હીરાલાલ વસઇવાલાને દુકાન ગિફ્ટમાં આપી હતી.

દર્શનાબેન જરદોષ, સ્વ.કાશીરામ રાણા રહ્યા છે ગ્રાહક
રાજેશભાઈ વસઇવાલાએ જણાવ્યુ કે, હાલના સુરતના સાંસદ દર્શનાબેન જરદોષ, હાલના ધારાસભ્ય અરવિંદ રાણા, શહેરના પૂર્વ મેયર અજયકુમાર ચોકસી અમારા મસાલાના ગ્રાહક રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાના ઘર માટે પણ અમારે ત્યાંથી મસાલો જતો હતો.

આખા મરચા નંદુરબાર, આખી હળદર સાંગલી, તેજાના મુંબઈથી આવે છે
કિશોરચંદ્ર વસઇવાલાએ જણાવ્યું કે, અમારે ત્યાં આખા મરચા નંદુરબાર, આખી હળદર સાંગલી, આખા ધાણા રાજસ્થાન, મરી કેરાલા, જીરું ઊંઝાથી અને તેજાના મુંબઈથી આવે છે. ઝાંપા બજારમાં અમારું ગોડાઉન છે જેમાં મસાલા દળવાનું કામ મહિલા કર્મચારીઓ કરે છે. અદ્યતન પલ્વીલાઈઝર મશીનમાં મસાલા દળાય છે. જ્યારે કપ-પિલર મશીનમાં પેકિંગ થાય છે.

સલમાન અને અમિતાભ માટે પણ અહીંથી મસાલો લઈ જવાય છે
જતીન વસઇવાલાએ જણાવ્યું કે સલમાન ખાનને સુરતી તપેલાનો (નોનવેજનો) ટેસ્ટ ભાવે છે. એટલે એમના માટે સુરતના એક ભાઈ અમારે ત્યાંથી વર્ષમાં એક-બે વાર મસાલો લઈ જાય છે. જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે વેજ મસાલા એમના ફ્રેન્ડ સર્કલના એક ભાઈ લઈ જાય છે.

To Top