Charchapatra

અધૂરા ચિત્ર ઘટનાને અધૂરી ચીતરે છે

બુધવાર તા. 29-03-2023ની દર્પણ પૂર્તિના પાન નં.7 પર પ્રસિધ્ધ થયેલ દિપકભાઇનો લેખ જરૂર માહિતી સભર છે પણ એકપક્ષી ચિત્ર દોરે છે. રાહુલ ગાંધીના કાર્યોના ચિત્રણ સાથે તેના કારણોની રજૂઆત કયાંયે નજરે પડતી નથી. જે કારણે રાહુલ ગાંધીનું સંસદિય સભ્યપદ રદ થયું છે તેનાં મૂળમાં રહેલા શાસક પક્ષના અભૂતપૂર્વ છુપા નિર્ણયને છતો કર્યો નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઇપણ સાંસદની ફરજ બને છે કે પ્રજાના કે દેશના હિતને નુકસાનકારક પ્રવૃત્તિ સામે અવાજ ઊઠાવે. સુરતની કોર્ટે જે ચુકાદો આપ્યો તે આપણને શીરો માન્ય જ હોય પણ પ્રજા તે મુકદ્દામાની શરૂઆતથી અંત સુધીની ઘટમાળ તપાસે તે પણ જરૂરી છે.

એક પ્રશ્ન નાગરિક તરીકે મુંઝવે છે કોઇ એક ઉદ્યોગપતિના કોઇ એક ખાતામાં 20000 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ હોય અને રકમ તે ઉદ્યોગપતિની પોતાની ન હોય તો તેને માટે આટલી કુણી લાગણી બતાવનાર ભામાશા કોણ? આજ લેખમાં રાહુલગાંધી સામેના લગભગ છ કેસોની છણાવટ કરવામાં આવી છે. ત્યારે ગુરૂવાર તા. 30-03-2023ના લેખમાં રમેશ ઓઝાએ દર્શાવેલા લગભગ બાર મુકાબલા, રાહુલ કેટલી સ્વસ્થતાથી લડે છે તે પણ પ્રજાએ જાણવાની જરૂર છે. છેલ્લે એખ પ્રશ્ન આજના તા. 30-03-2023ના છેલ્લા પાના પર કેગના અહેવાલે ગુજરાત રાજ્ય માટે જે ટિપ્પણીઓ કરી અને આને કારણે કોઇ વિપરીત ઘટના ભવિષ્યમાં ઘટે તો કોની માનહાની પ્રજાએ કરવાની ?
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજ્ય-કેન્દ્ર સરકાર ખાલી જગ્યાઓની ભરતી કરે
તાજેતરમાં એવા સમાચારો પ્રસારિત થયા છે કે રાજ્યમાં આર્ટ, સંગીત, પી.ટી., કોમ્પ્યુટર, લાયબ્રેરીઅન જેવી શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી છે. આઠ હજાર જેટલા ગ્રામ્ય તલાટીઓની જગ્યા ખાલી છે. દેશના રેલવે, પોષ્ટ, ઈન્કમટેક્સ, કસ્ટમ જેવી કચેરીઓમાં પણ જગ્યાઓ ખાલી પડેલી છે. કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે, અવસાન પામે છે કે સારી નોકરી યુવાન ભાઈ-બહેનોને મળે તો નોકરી છોડી જાય છે. કહેવાય છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરી, ખાતાઓ, બોર્ડ, નિગમોમાં લાખો જગ્યાઓ ખાલી છે. કારમી મોંઘવારી છે.

કોન્ટ્રાક્ટ પધ્ધતિથી 11 મહિનાના બેઝ પર નોકરી મળે છે. વર્ષો સુધી વિદ્યાર્થીઓ ઉચ્ચ ડીગ્રી મેળવે ત્યારે માંડ નોકરી મળે છે ને  ચાર, છ, આઠ, દસ હજાર રૂપિયા જેવો મામૂલી પગાર મળે છે. જીવન જરૂરિયાતની ચીજો ખૂબ જ મોંઘી છે. નોકરીયાત ઘરનું ભાડુ ભરે, લગ્ન કરેલા હોય તો એક-બે બાળક હોય તેનો સારી રીતે ઉછેર કરે કે સારી સ્કૂલમાં ભણાવે-ગામડાની શાળાઓ બંધ કરવામાં આવે છે. સરકારમાં બેઠેલા બૌધ્ધિકો-પદાધિકારીઓએ સન્માનીય નેતાઓને યોગ્ય સ્તરે ભારપૂર્વક રજૂઆતો કરી બેકારી દૂર કરવા માધ્યમ બનવું જોઈએ. નામદાર સરકાર બેકારી દૂર કરવા યુદ્ધના ધોરણે ભરતી માટેની જાહેરાતો આપી ભરતી કરે.
સુરત     – રમીલા બળદેવ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top