Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં ૨૮ રાજ્યો ને ૮ કેન્દ્રશાસિત રાજ્યો છે અને એમાંથી કેટલા રાજ્યોની આર્થિક સ્થિતિ સારી છે એ વિષે અભ્યાસ કરો તો સારા આંકડા મળતા નથી. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય પક્ષો દ્વારા શાસિત રાજ્યોની હાલત સારી નથી. એમાં ય નવા રાજ્યો જે થોડા વર્ષોમાં રચાયા એની હાલત વધુ ખરાબ છે. અને એનું કારણ શાસક પક્ષો અને એમની સરકારનો વહીવટ છે. લોકપ્રિય યોજના છે અને આડેધડ ખર્ચા છે.

અતિવૃષ્ટિથી પરેશાન અને જ્યાં ૫૦૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચુક્યું છે અને કોંગ્રેસે આ આપત્તિને રાષ્ટ્રીય જાહેર કરવા માગણી કરી છે એ હિમાચલ રાજ્યની વિધાનસભામાં ઉપમુખ્યમંત્રીએ આર્થિક શ્વેતપત્ર મુક્યું અને વિગતો આપી. આ વિગતી દર્શાવે છે કે, સરકારો ગેરવહીવટ કરે છે. હિમાચલની વ્યક્તિ દીઠ અત્યારે દેવું છે , એક લાખ , બે હજાર અને આઠસો અઢાર . ૪૬ પાનાનું શ્વેતપત્ર રજુ કરતા મુકેશ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, અત્યારે રાજ્ય પર રૂ. ૯૨,૭૭૪ કરોડનું કરજ છે. અને એ માટે એમણે અગાઉની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી અને એમાં ભાજપે હંગામો કર્યો.

પૂર્વ ભાજ્પો સરકારે અમૃત મહોત્સવ માટે ૭ કરોડ , જન્મંચ માટે ૫ કરોડ અને એમા લોકોને એકત્ર કરવા માટે બસ ભાડે કરાઈ એનું ભાડું થયું ૮.૫ કરોડ. કર્મચારીને વેતન ભથ્થામાં વધારો કર્યો એનો બોજ ૧૦,૬૦૦ કરોડ થયો છે. ૨૦૧૭-૧૮માં કરજ રૂ. ૪૭,૦૬૯ કરોડ હતું એમાં પાંચ વર્ષમાં ૧૨ ટકાનો વધારો થયો છે. રાજ્યના ૨૩માંથી ૧૨ બોર્ડ અને નિગમ ખોટમાં ચાલે છે.

અહી સવાલ ભાજપ સરકાર કે કોન્ગ્રેસ કે અન્ય પક્ષની સરકારની નથી. આંધ્રના બે ભાગ પડ્યા આંધ્રપ્રદેશ અને તેલગણા . આ બંને રાજ્યોમાં આંધ્ર પાછળ રહી ગયું છે. અહી ચન્દ્રાબાબુ નાયડુએ સૌથી વધુ ૧૦ વર્ષ રાજ કર્યું આજે રેડ્ડી મુખ્યમંત્રી છે અને નાયડુ જેલમાં છે. તેલગણામાં   ચંદ્રશેખર રાવની સરકાર છે અને ત્યાં માથાદીઠ આવક ૩,૦૮,૭૩૨ છે જ્યારે અંધ્રમાં આ આવક ૨,૧૯,૫૧૮ છે. આંધ્રમાં ૧૦૦૦ જન્મ થાય તો ૩૦ મૃત્યુ પામે છે આ આંકડો તેલગણામાં ૨૮નો છે.

નાયડુએ અમરાવતીમાં પાટનગરનું રૂ. ૫૮,૦૦૦નું કરોડનું સપનું દેખાડ્યું , હવે રેડ્ડીએ વાત ફેરવી નાખી અને વિશાખાપટ્ટનામની વાત ચાલે છે. બંને રાજ્યો વચ્ચે હજુ ય મિલકત અને નદીના પાણીના મુદે સમસ્યા છે. વિખવાદ ચાલે છે. નાના હોય કે મોટા રાજ્યો પણ ત્યાં અસરકારક વહીવટનો અભાવ છે. અને હવે છેલ્લા થોડા વર્ષોથી રાજકીય પક્ષો લોકપ્રિય યોજનાઓ જાહેર કરીને મતદારોને આકર્ષે છે. પણ એ યોજનાનો આર્થિક બોજ રાજ્યનું અર્થતંત્ર બગાડી નાખે છે એની ચિંતા કોઈ કરતું નથી. કોઈને પડી નથી , બધા પક્ષોને સત્તા જોઈએ છે. અને એમાં અર્થતંત્રની વાટ લાગી જાય છે.

મહારાષ્ટ્રમાં શું થશે?
મહારાષ્ટ્રમાં ભલે ભાજપની આગેવાનીમાં ત્રણ પક્ષોની સરકાર હોય. એક વેળા આવી જ એમવીએ સરકારને ભાજપ ભાંડતો હતો. પણ ભાજપની મોરચા સરકાર પણ કેટલું ટકશે , કોના જોરે ટકશે એ કહેવું મુશ્કેલ છે. અને અજીત પવારની એંસીપી આવવાથી શિંદેની શિવસેના નારાજ છે. વળી , શિંદેનાં ધારાસભ્યોને ગેરલાયક કે લાયક ઠેરવવાનો કેસ બાકી છે. સુપ્રીમ કોર્ટે હમણા જ કાન આમળ્યો કે, સ્પીકરે શું કર્યું? આ નિર્ણય સ્પીકરે લેવાનો છે પણ સ્પીકર એ ટાળ્યા કરે છે. સુપ્રીમની ટીપ્પણી પછી સ્પીકરે નિર્ણય લેવો રહ્યો એના પર શિંદે જૂથનું ભવિષ્ય ટકેલું છે. એનસીપીના બે ભાગલા જરૂર પડ્યા છે પણ બંને પક્ષના નેતાઓ એકબીજાને કોઈ કારણે મળતા રહે છે. હમણા જ શરદ પવારે અને પ્રફુલ પટેલે સંસદ ભવન ખાતે હસતા હસતા સાથે તસ્વીર ખેંચાવી. અગાઉ આ રીતે શરદ પવાર અને ભત્રીજો અજીત પણ મળી ચુક્યા છે. એમનો પેચ ચૂંટણી પંચ પાસે પડતર છે. આવતા મહીને બંને પક્ષોને પોતાની વાત રજુ કરવા કહેવાયું છે. એટલે કે દિવાળી પહેલા મહારાષ્ટ્રમાં કોઈ નવાજુની થઇ શકે છે. ભાજપ આ સ્થિતિમાં શું કરે છે એ જોવાનું છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ગંગાનાં પાણીની બોટલ વહેચશે!  
મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટ્ટર લડાઈ છે. અને બંને પક્ષે જુદા જુદા હથકંડા અપનાવાઈ રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ નવી નવી યોજના જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસ પણ પાછળ નથી. કોન્ગ્રેસે પણ કેટલીક જાહેરાતો કરી છે અને એમાં એકનો ઉમેરો થયો છે. કોંગ્રેસ દ્વારા એમપીમાં ગંગાના પાણીની  બોટલ વહેચશે. કોંગ્રેસ દ્વારા કમલનાથનાં નેતૃત્વમાં જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. અને એ ઇન્દોર પહોચવામાં છે. અને ત્યારે ઇન્દોરનાં કોંગ્રેસ અગ્રણીએ એક જાહેરાત કરી છે. કોન્ગ્રેસના હિંમાશું યાદવે જાહેરાત કરી છે કે, ઇન્દોર નીચે પાંચ વિધાનસભા બેઠક આવે છે અને એમાં ગંગાના પાણીની દસ હજાર બોટલ વહેચવામાં આવશે. સનાતન મુદે ઉદયનિધિ સ્ટાલિનની ટીપ્પણી બાદ ભાજપે એ મુદો ઉઠાવ્યો છે અને એણે હળવો કરવા કોંગ્રેસે એમપીમાં ગંગાના પાણીનો દાવ ખેલ્યો છે એમ માનવામાં આવે છે. આપણા રાજકારણમાં પ્રચારનું સત્ર કેવા સ્તરે પહોચ્યું છે એનો આ દાખલો છે. ધર્મના નામે , સંસ્કૃતિનાં નામે હજુ ય મત માગવાના બંધ થયું નથી અને થાય એવું લાગતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top