SURAT

ગોવા જવા માટે આવતા મહિને સુરતથી આ ફ્લાઈટ શરૂ થશે

સુરત: (Surat) લોકોસ્ટ એરલાઈન્સ સ્પાઇસ જેટ (Spice Jet) આર્થિક સંકટમાંથી બહાર આવી ફરી સુરત એરપોર્ટથી (Airport) પોતાનું ઓપરેશન શરૂ કરે એવી તૈયારી કરી રહ્યું છે. એરલાઈન્સ સંભવત: 1થી 10 ઓક્ટોબર દરમિયાન સુરત-પૂણે-ગોવા અને ગોવા-સુરતની ફ્લાઈટ શરૂ કરે એવી શક્યતા છે. સ્પાઇસ જેટ નવી સેવાઓ રાતે સુરત એરપોર્ટ પર વિમાન પાર્કિંગની સુવિધા સાથે શરૂ કરવા તૈયારી કરી રહ્યું છે.

  • સંભવત: 1થી 10 ઓક્ટોબર દરમિયાન સ્પાઇસ જેટ સુરત-પૂણે-ગોવા અને ગોવા-સુરતની ફ્લાઈટ શરૂ કરશે
  • સ્પાઇસ જેટે સુરત-જયપુર ફ્લાઈટ માટે પણ સ્લોટ મંજૂર કરાવ્યો

સ્પાઇસ જેટે સુરત-જયપુર ફ્લાઈટ માટે પણ સ્લોટ મંજૂર કરાવ્યો છે. એરલાઇન્સે સુરત, મુંબઇ, નોર્થ ગોવા, અમદાવાદ, પૂણે, નાસિક, કનાડિયા, રાજકોટ, શિરડી, ભાવનગર, દીવ અને ખજુરાહો સ્ટેશન માટે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ટ્રેની સિક્યોરિટી એક્ઝિક્યુટિવ અને સિક્યોરિટીની ભરતી શરૂ કરી છે. એ જોતાં CRJ અને ATR કક્ષાનાં 72થી 76 સીટર વિમાનની સુવિધા સાથે ફરી આકાશમાં આવશે. બીજી તરફ ઉડાન સ્કીમ હેઠળ ઈન્ડિગો એરલાઈન્સ 29 ઓક્ટોબરથી સુરત-દીવ-સુરતને જોડતી ફ્લાઈટ શરૂ કરશે.

સ્પાઇસ જેટ એરલાઈન્સ સુરત એરપોર્ટથી ફરી વિમાનસેવા શરૂ કરે એ માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા સેક્ટર વાઇઝ રજૂઆત કરવામાં આવી હતી. એરલાઈન્સ પ્રથમ તબક્કામાં સુરત-પૂણે, સુરત-જયપુર અને સુરત-ગોવાની સીધી ફ્લાઈટ શરૂ કરી શકે છે. ૧ ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં પુણે અને જયપુરથી શરૂઆત કરી શકે છે. સ્પાઇસ જેટ એરલાઈન્સ 29 ઓક્ટોબરથી સુરતથી ફરી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું. એ હવે લગભગ 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં સુરતથી તેની ઉડાન ભરશે. પ્રારંભિક તબક્કામાં સુરત અને પુણેથી શરૂઆત કરશે.
વી વર્ક ફોર વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપે સુરત-મુંબઈને જોડતી ફ્લાઈટ માટે પણ રજૂઆત કરી હતી. એરલાઈન્સ એ રૂટને લઈને પણ વિચારણા કરી રહ્યું હોય એવું જાણવા મળી રહ્યું છે. 21 નવેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સની સાથે સુરત એરપોર્ટના હયાત ટર્મિનલની બંને તરફ વિસ્તરીત થયેલા વિશાળ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે.

ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બાયર્સ, ડોમેસ્ટિક ફ્લાઈટ પકડી મેટ્રો સિટીથી સુરત આવે એ પહેલા એરલાઈન્સ કંપનીઓ મહત્ત્વનાં શહેરો સાથે સુરતમાં જોડવા પ્રયાસ કરી રહી છે. સુરત-પુણે-ગોવા ફ્લાઈટમાં સુરતથી પૂણે જવા સવારે 6.20 વાગ્યે ફ્લાઈટ રવાના થશે. આ ફ્લાઈટ ગોવાથી સાંજે 16.20 કલાકે સુરત આવી, સુરતથી 17 કલાકે ગોવા રવાના થઈ રાતે 21.10 કલાકે સુરત આવી નાઈટ પાર્કિંગ સુરતમાં કરે એવી શક્યતા છે.

ઉડાન 5.0 હેઠળ 29 ઓક્ટોબરથી ઈન્ડિગો સુરત-દીવ-સુરતની ફ્લાઈટ શરૂ કરે એવી શક્યતા
ઉડાન 5.0માં ત્રણ એરલાઇન્સ સુરતથી દીવ, મુન્દ્રા અને બિકાનેરની ફ્લાઈટ શરૂ કરશે. એવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થઈ હતી. ઈન્ડિગો સુરત-દીવ તો સ્પાઇસ જેટ સુરત-બિકાનેરની ડેઇલી અને સ્ટાર એર સુરત-મુન્દ્રાની સપ્તાહમાં 5 દિવસની ફ્લાઈટ શરૂ કરશે. પણ એકમાત્ર ઇન્ડિગોએ અત્યારે સુરતથી દીવની ફ્લાઈટ માટે તૈયારીઓ શરૂ કરી છે. એરલાઈન્સ 29 ઓક્ટોબરથી આ ફ્લાઈટ શરૂ કરવા માંગે છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉડાન (ઊડે દેશ કા આમ નાગરિક) સ્કીમ હેઠળની પાંચમી યોજના ઉડાન-5.0 હેઠળ ઈન્ડિગો એરલાઇન્સે સુરત-દીવ-સુરત, સ્પાઇસ જેટ એરલાઈન્સે સુરત-બિકાનેર-સુરત અને સ્ટાર એર સુરત-મુન્દ્રાની સપ્તાહમાં 5 દિવસની ફ્લાઈટ શરૂ કરવાની બીડ જિત્યા પછી સ્પાઇસ જેટ અને સ્ટાર એર દ્વારા ફ્લાઈટ શરૂ કરવા કોઈ નક્કર જાહેરાત હજી કરી નથી. ઈન્ડિગો સુરતથી દીવ માટે 72 સીટર એટીઆર અને સ્પાઇસ જેટ સુરતથી બિકાનેર માટે 78 સીટર એટીઆર વિમાનનો ઉપયોગ કરશે. જ્યારે સ્ટાર એર સુરતથી દીવ માટે 76 સીટર વિમાન ઓપરેટ કરશે. અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top