SURAT

રાંદેરમાંથી 4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા : હજીરાના દરિયા કિનારે દાટી દેવાયેલી ચરસ વેચવા લાવ્યા હતા

સુરત(Surat) : હજીરાના (Hazira) દરિયા કિનારે દાટી દેવાયેલો અને માહોલ શાંત પડતા વેચાણ માટે લઈ આવેલા ચરસના જથ્થા સાથે એસઓજીએ રાંદેરમાંથી 3 યુવકોને પકડી પાડતા ખળભળાટ મચી ગયો હતો. ચરસ નો જથ્થો રૂપિયા 4 કરોડનો હોવાનું અને અગાઉ હજીરાના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં પકડાયેલા ચરસના જથ્થાના કેટલાક પેકેટ દરિયા કિનારે સંતાડી રખાયા હોવાનું બહાર આવ્યું હતું.

અજય તોમર (સુરત પોલીસ કમિશનર) એ જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન અંતર્ગત હાલ પોલીસ એક અભિયાન ચલાવી રહી છે. ડ્રગ્સ જેવા નશીલા પદાર્થના વેપાર સાથે સંકળાયેલા કેરિયરો અને ગોરખ ધંધાદારીઓ સામે લાલ આંખ કરી ને જ બેઠું છે. રાંદેરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એસઓજી-પીસીબી એ આ ઓપરેશન હાથ ધર્યું હતું. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછમાં ચરસનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. જે વેચાણ અર્થે જતીનને આપ્યો હતો. મોટાભાગના ચરસના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધો હતો. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ આવતા બન્ને પકડાય ગયા હતા.

ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હોવાનો અંદાજ કરાઈ રહ્યો છે. પ્રત્યેક કિલોનો ભાવ 50 લાખ રૂપિયા છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની હકીકત સામે આવી છે.

વધુમાં કહ્યું હતું કે, પોલીસની તપાસ કરતા જમીનમાં દાટી દેવાયેલો બાકીનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. અગાઉ પણ સુંવાલી બીચ પરથી આ પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પ્રકારની બનતી ઘટનાને લઈ માછીમારો સાથે શહેર પોલીસ સતત સંપર્કમાં છે. જેના કારણે આવા ચરસ સહિતના નશાકારક પદાર્થોને ઝડપી પણવામાં પોલીસને સફળતા મળી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.

Most Popular

To Top