Sports

એશિયન ગેમ્સનો શનિવારથી ચીનના હાંગઝોઉમાં પ્રારંભ

હાંગઝોઉ: (Hangzhou) કોરોના રોગચાળાના કારણે એક વર્ષના વિલંબે આવતીકાલે શનિવારથી શરૂ થઇ રહેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાની આગેવાની હેઠળની ભારતીય ટુકડી (Indian Team) સત્તાવાર રીતે રમતગમતની શક્તિ તરીકે પોતાનું વર્ચસ્વ દર્શાવવા માટે ઉત્સુક હશે. ભારત (India) 39 ઈવેન્ટ્સ માટે 655 ખેલાડીઓની સૌથી મોટી ટુકડી સાથે હાંગઝોઉ પહોંચ્યું છે અને ઇન્ડોનેશિયા 2018માં જીતેલા 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલના પોતાના પ્રદર્શનને બહેતર બનાવવાની કોશિશ કરશે કે જેથી ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં તેના ઐતિહાસિક પ્રદર્શન પછી વિશ્વને બતાવી શકે કે તેણે રમતમાં કેવી પ્રગતિ સાધી છે.

  • આજથી એશિયન ગેમ્સનો પ્રારંભ : ભારતનો ઇરાદો ‘ઇસ બાર 100 પાર’
  • હાંગઝોઉ ગેમ્સમાં નીરજ ચોપરાના નેતૃત્વમાં ભારતને તેના રમત કૌશલ્યને બતાવવાની ઉજળી તક
  • 1986ની સિઓલ ગેમ્સથી આજ સુધી મેડલ ટેલીમાં ટોપ ફાઇવમાં ન આવનારા ભારતની નજર ઇતિહાસ બદલવા પર

ભારત નજીકના ભવિષ્યમાં ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે આશાવાદી છે અને 2018 એશિયાડમાં આઠમું સ્થાન મેળવવું સંતોષકારક નથી અને દેશ હાંગઝોઉમાં મેડલ ટેલીમાં આગળ વધવાનું વિચારશે. ભારત 1986ના સિઓલ સ્ટેજથી મેડલ ટેલીમાં ટોચના પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. અને આ વખતની કૅચલાઈન છે ‘ ઇસ બાર સો પાર’ એટલે કે આ વખતે 100થી વધુ મેડલ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એશિયાડને ખુલ્લો મુકાયાની જાહેરાત કરશે. 8 ઓક્ટોબર સુધી ચાલનારી આ 19મી એશિયન ગેમ્સનું આયોજન સપ્ટેમ્બર 2022માં થવાનું હતું પરંતુ ચીનમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે તેને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે હવે તે હાંગઝોઉમાં યોજાશે. હુઝોઉ, નિંગબો, શાઓજિંગ., જિન્હુઆ અને વેન્ઝોઉ નામના અન્ય પાંચ શહેરો સાથે.

જાકાર્તા ગેમ્સની સરખામણીએ વધુ મેડલ જીતવા પર દેશની નજર
100 મેડલ શક્ય ન હોવા છતાં, ભારત પાછલી આવૃત્તિની મેડલ ટેલી કરતાં વધારે મેડલ જીતવા પર નજર માંડીને બેઠું છે અને તેમાં ફરી એકવાર એથ્લેટિક્સ સૌથી વધુ યોગદાન આપે તેવી અપેક્ષા છે. ગત વખતે ટ્રેક અને ફિલ્ડ ખેલાડીઓએ 20 મેડલ જીત્યા હતા અને આ વખતે તેઓ 25 પોડિયમ પોઝિશન હાંસલ કરે તેવી અપેક્ષા છે. બોક્સિંગમાં, નિખત ઝરીન અને લવલીના બોરગોહેન મેડલ જીતવાના પ્રબળ દાવેદાર છે પરંતુ તેના રંગની આગાહી કરવી મુશ્કેલ છે. ગત આવૃત્તિમાં બે ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતનારા રેસલર્સનું પણ એવું જ છે.

એશિયન ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય ટુકડીમાં પાંચ ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સામેલ
એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત, ભારતીય ટુકડીમાં પાંચ ઓલિમ્પિક મેડલિસ્ટનો સમાવેશ થાય છે, જેનું નેતૃત્વ ભાલા ફેંકનો સુપરસ્ટાર નીરજ ચોપરા કરી રહ્યો છે, જે પોતાનું ટાઈટલ જાળવી રાખવાની કોશિશ કરશે. આનાથી આશા વધી છે કે દેશ 2018માં જીતેલા 16 ગોલ્ડના આંકમાં વધારો કરશે. નીરજ ઉપરાંત અન્ય ઓલિમ્પિક મેડલિસ્ટમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, રેસલર બજરંગ પુનિયા અને બોક્સર લવલીના બોરગોહેન સામેલ છે. તેમ છતાં, ભારત માટે ગોલ્ડ મેડલની સંખ્યાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે કારણ કે સિંધુ લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે, ચાનુને તાજેતરમાં ફિટનેસની સમસ્યાઓ હતી જ્યારે બજરંગે રેસલર્સના વિરોધમાં ભાગ લેવાને કારણે બંધ કરેલી ટ્રેનિંગ થોડા મહિના પહેલા શરૂ કરી છે. લવલીના અને નીરજ જોકે તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.

એથ્લેટિક્સ, હોકી, કબડ્ડી, ચેસ અને તીરંદાજીમાં પાછલી ગેમ્સનું પ્રદર્શન દોહરાવવું મુશ્કેલ
એથ્લેટિક્સ, હોકી (પુરુષ અને મહિલા), કબડ્ડી (પુરુષ અને મહિલા), ચેસ અને તીરંદાજીમાં 2018માં આઠ સુવર્ણ ચંદ્રકોના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું મુશ્કેલ હશે તે ભારતના ગોલ્ડમાં વધારો કરી શકે છે. વર્તમાન ફોર્મને જોતા ભારત પુરૂષ અને મહિલા બંને હોકી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શકે છે. પુરૂષ અને મહિલા કબડ્ડી ટીમ પાસેથી પણ ગોલ્ડ મેડલ જીતવાની આશા છે જેથી તેઓ જકાર્તામાં ચૂકેલી તકની ભરપાઈ કરી શકે. છેલ્લી વખતે પુરુષોની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. શૂટર્સે 2018માં બે ગોલ્ડ સહિત નવ મેડલ જીત્યા હતા પરંતુ આ વખતે તેઓ આ આંકડો પાર કરી શકશે નહીં.

હાંગઝોઉ ગેમ્સ 12000થી વધુ એથ્લેટ્સની હાજરી સાથે ચીનના ઇતિહાસનું સૌથી મોટું આયોજન બનશે
ચીન વિશ્વની સૌથી મોટી મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટનું આયોજન કરીને રોગચાળાના ભયમાંથી બહાર આવી રહ્યું છે અને આ તેના ઈતિહાસની સૌથી મોટી રમતો હશે. એમાં કોઈ શંકા નથી કે ઓલિમ્પિક્સ એ વિશ્વની બહુ-રમત સ્પર્ધાનું શિખર છે, પરંતુ એશિયન ગેમ્સ વધુ એથ્લેટ્સને આકર્ષિત કરે છે અને હાંગઝોઉમાં 12,000 થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે. ગત એશિયાડમાં 11,000થી વધુ ખેલાડીઓ રમ્યા હતા. બે વર્ષ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં 11,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આવતા વર્ષે પેરિસ સ્ટેજમાં 10,500 ખેલાડીઓ રમવાની અપેક્ષા છે.

437 મહિલા સહિત 886 એથ્લેટ્સ સાથે ચીનની ફરી મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહેવા પર નજર
ચીન તેના એશિયન ગેમ્સના ઈતિહાસમાં 437 મહિલાઓ સહિત 886 એથ્લેટ સાથે બીજા નંબરની સૌથી મોટી ટુકડી તરીકે મેદાનમાં ઉતરી રહ્યું છે. 2010ની ગુઆંગઝુ એશિયન ગેમ્સમાં ચીનના 977 ખેલાડીઓ હતા. ચીને 1982 થી દરેક ઇવેન્ટમાં મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને તેનું વર્ચસ્વ આ વખતે પણ ચાલુ રહેવાની ધારણા છે કારણ કે તેના ઘણા ઓલિમ્પિક ચેમ્પિયન આ ગેમ્સમાં ભાગ લેશે.

  • 45 દેશો
  • 40 રમતો
  • 61 ઇવેન્ટ
  • 481 ગોલ્ડ મેડલ

Most Popular

To Top