National

અંડરગારમેન્ટ બનાવતી જાણીતી કંપની પર આવકવેરાના દરોડા

નવી દિલ્હી: આવકવેરા વિભાગે (IncomeTax Department) દેશની સૌથી મોટી કાપડ અને આંતરિક વસ્ત્રો બનાવતી કંપની લક્સના (Lux) અનેક સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે 6 વાગ્યે આવકવેરા વિભાગની ટીમે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને નવી દિલ્હી સ્થિત લક્સ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત લક્સ કંપનીના પ્રમોટરોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

લક્સ કોલકાતા સ્થિત કંપની છે. હજુ સુધી આ કાર્યવાહી અંગે કંપની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કંપની પર 150 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ છે. દરમિયાન શુક્રવારે આજે લક્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2 વાગ્યે તે 3.32 ટકાના ઘટાડા સાથે રૂ. 1272 પર ટ્રેડ કરી રહ્યો હતો.

છેલ્લા એક વર્ષથી લક્સ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં સ્ટોકમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ઈન્ડેક્સ નિફ્ટીમાં 12 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે, કોલકાતાની આ કંપની અગાઉ બિશ્વનાથ હોઝિયરી મિલ્સ તરીકે જાણીતી હતી. તે ભારતની અગ્રણી અન્ડરવેર બનાવતી કંપની છે, જેનું મુખ્ય મથક કોલકાતામાં છે.

બિઝનેસમાં દબાણના કારણે લક્સ કંપનીના નફાને અસર થઈ છે. નાણાકીય વર્ષ 2022-23 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરની તુલનામાં, કંપનીનો નફો 2023-24 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અગાઉના વર્ષની સરખામણીમાં 64 ટકા ઘટ્યો હતો. ડેટા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં કંપનીનો નફો રૂ. 51.5 કરોડથી ઘટીને રૂ. 18.3 કરોડ થયો છે. જ્યારે આવક રૂ. 567 કરોડથી ઘટીને રૂ. 523 કરોડ થઈ છે

Most Popular

To Top