Columns

પોતાનું અવમૂલ્યન

એક લેખકનું નવું પુસ્તક બહાર પડ્યું.એ પુસ્તક લેખકે પોતાના મિત્રને ભેટ આપતાં કહ્યું, ‘આ મારું નવું પુસ્તક છે અને મારા પુસ્તક જેવા સુંદર પુસ્તક તને ઓછા જોવા મળશે.વાંચવાની ખુબ મજા આવશે.આ પુસ્તક તને બહુ ગમશે.’ મિત્રએ પુસ્તક લીધું અને પછી કહ્યું, ‘દોસ્ત તું જાતે પોતાના પુસ્તકના આટલા બધા વખાણ કરે છે તે બહુ સારું નથી લાગતું.’ લેખક મિત્ર હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત એ તારો મત છે તને એવું લાગતું હશે પણ મને આ પુસ્તક લખતાં જેટલી મજા આવી એટલી જ મજા તને વાંચવામાં આવશે તેનો મને વિશ્વાસ છે.’

મિત્રએ કહ્યું, ‘દોસ્ત પુસ્તક સારું હશે તો બધા વાંચીને અભિપ્રાય આપશે અને વખાણ કરશે તે પહેલા તું પોતા જ તારા પુસ્તકના આટલા વખાણ કેમ કરે છે??’ લેખક મિત્રએ કહ્યું, ‘દોસ્ત મેં જીવનમાં એક નિયમ બનાવ્યો છે કે પોતાનું અવમુલ્યન કોઈ દિવસ કરવું નહિ જો આપણે આપણું અવમુલ્યન કરીશું તો પછી બીજા પણ તેમ જ કરશે.કોઈ આ સત્ય સમજતું નથી કે કોઈપણ માણસમાં આત્મવિશ્વાસનો અભાવ આ જાતને અવમુલ્યન કરવાની આદતને કારણે થાય છે.અને આત્મવિશ્વાસ ન હોવાને લીધે જીવનમાં નિષ્ફળતા મળે છે.માટે આત્મદ્રોહ ક્યારેય ન કરવો.’ મિત્રએ કહ્યું, ‘પણ દોસ્ત જાતે વખાણ કરીએ એ તો અભિમાન ભરેલું લાગે.’ લેખક બોલ્યા, ‘હું પણ પહેલા એવું જ માનતો હતો પણ મારા દાદાએ મને સમજાવ્યું કે ‘જીવનમાં સુખી થવું હોય તો દ્રોહ કયારેય ન કરવો.

કોઈ દિવસ કોઈના ભરોસાને તોડવો નહિ.અને એથી વધારે જરૂરી છે ભૂલથી પણ પોતાનો દ્રોહ ક્યારેય ન કરવો .આત્મ દ્રોહ એટલે પોતાની ખુદની અવહેલના કરવી.પોતાના જ સ્વમાનનું પોતે જ ખંડન કરવું.જો આપને પોતે જ ખુદ પર વિશ્વાસ ન રાખીએ તો કોઈ નહિ રાખે.અને જો આપણે અભિમાન ભરેલું ન લાગે તે માટે વધુ પડતી નમ્રતા રાખી પોતાની જ આવડત અને શક્તિઓનું ખંડન કરીશું.જાતમાં ભરોસો નહિ રાખીએ તો આગળ નહિ વધી શકીએ.’ મારા દાદાએ આપેલી આ સલાહ મેં ગાંઠે બાંધી લીધી છે અને કોઈદીવ્સ કોઈનો દ્રોહ કરતો નથી અને બીજી ભૂલો કરી હશે પણ પોતાની જાતનું અવમુલ્યન કરી આત્મ દ્રોહ કરવાની ભૂલ ક્યારેય નથી કરી અને એટલે જ હું હંમેશા ખુશ રહું છું અને ખુશી જ વહેંચી શકું છું.’મિત્રને પોતાના લેખક દોસ્તની વાત સમજાઇ ગઈ. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top