Business

લોકોને જીવાડી રહ્યું છે અમારું Profession અમને જીવાડી રહ્યું છે અમારું Passion

ડોક્ટર એટલે કોઈ એક ટાઈટલ કે વ્યવસાય નહીં, ડોક્ટર્સ જીંદગી જીવવાની રીત શિખવે છે. દરેક વ્યક્તિની લાઈફમાં પ્રોફેશન સાથે પેશન પણ હોય છે. 24 કલાક ઈમરજન્સીમાં દોડતા-ભાગતા ડોક્ટરના દિલ અને દિમાગમાં પણ પોતાનું પેશન ધડકતું હોય છે. પ્રોફેશન સાથે કોમ્પ્રોમાઈઝ કરીને પોતાના પેશનને પુરા કરીને ડોક્ટર્સ પણ પાછલા દરવાજે પોતાની ખુશી શોધી લેતા હોય છે. હાથમાં સ્ટેથોસ્કોપ લગાવીને લોકોના ધબકારા માપતા ડોક્ટર્સ એ જ હાથમાં માઈક લઈને લોકોને ખડખડાટ હસાવી શકવાની પણ ક્ષમતા રાખતા હોય છે. તો પેશન્ટના પ્રિસ્ક્રીપ્શન લખતા ડોક્ટર્સ પેશન્ટની લાઈફ પર શોર્ટ ફિલ્મ પણ ચિતરી દે છે. 1 જૂલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે છે ત્યારે ગુજરાતમિત્ર સિટીપલ્સે શહેરના એવા ડોક્ટર્સ સાથે વાત કરી કે જેમણે પોતાના મેડિકલ પ્રોફેશન સાથે પોતાના પેશનને પણ જીવંત રાખ્યું છે. તો જાણો આ સુરતના ડોકટર્સની પેશન લાઈફ વિશે….

  • પેશન માટે ક્યારેક પ્રોફેશનમાં કોમ્પ્રોમાઈઝ કરી લઉં છું : ડો. બીના શાહ

ડો. બીના ફિઝિયો થેરાપિસ્ટ સાથે એક સારા મોડલ અને ટ્રાવેલર પણ છે. તેમણે 2018 માં Mrs India અને Mrs Gujarat જેવા ફિતાબ પણ હાંસિલ કર્યા છે અને હાલ પણ વિવિધ ફેશન શો માં રેમ્પવોક અને ફોટોશૂટ કરે છે. તેમણે પોતાના પેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ બન્યા પછી તેમને થયું કે જો તેઓ પોતે ફીટ હશે તો લોકોને એડવાઈઝ આપી શકશે. આથી તેમણે પહેલા પોતે ફીટ રહીને ફેશન ફીટનેસ આઈકન તરીકે પોતાનું નામ બનાવ્યું. વિવિધ ફેશન શો માં મોડલ તરીકે રેમ્પ વોક કરીને તેમણે લોકોમાં ફીટનેસ અંગે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. આ સાથે તેઓ ખૂબ સારા ટ્રાવેલર પણ છે. તેમણે પોતાના ટ્રાવેલિંગના પેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં 17 થી 18 જેટલા કન્ટ્રીમાં ટ્રાવેલિંગ કર્યું છે અને દુનિયાના તમામ દેશોની વિઝીટ કરવી છે. પોતાના ટ્રાવેલિંગના પેશન માટે તેઓ પ્રોફેશનમાં પણ કોમ્પ્રોમાઈઝ પણ કરી લે છે. દર વેકેશનમાં પોતાના બાળકો સાથે તેઓ પોતાની જોબમાંથી રજા લઈને પણ કોઈ એક કન્ટ્રીની વિઝીટ કરી જ લે છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ક્લાસિકલ મ્યુઝિકની પણ પ્રેક્ટીસ કરી રહ્યા છે.

  • રાત્રે પેશન માટે અને સવારે પ્રોફેશન માટે સમય કાઢી લઉં છું : ડો. ડી. ડી. ડીયોરા

ડો. ડીયોરા બી.એચ.એમ.એસ છે તેની સાથે ખૂબ સારા હાસ્ય કલાકાર અને એક્ટર છે. બાળપણથી જ તેઓ સાહિત્ય ક્ષેત્રમાં રસ ધરાવતા હતા. હાલ તેમણે મેડિકલ પ્રેક્ટીસના 18 વર્ષ પૂર્ણ કર્યા અને છેલ્લા 8 વર્ષથી તેઓ પોતાના પ્રોફેશન સાથે પેશન માટે પણ સમય કાઢી રહ્યા છે. તેમણે છેલ્લા 8 વર્ષમાં 20 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં ડાયરેક્ટર અને એક્ટર તરીકે ભૂમિકા ભજવી છે. તેઓ ખૂબ સારા લેખક અને એન્કર પણ છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં એન્કરીંગ કરવાની સાથે ગુજરાતી શોર્ટ ફિલ્મોની સ્ક્રીપ્ટ પણ લખે છે. પોતાના પ્રોફેશન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રવિવારની રજાઓમાં તેઓ પોતાની ફિલ્મનું શૂટીંગ કરે છે અને રાતના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના ફ્રી સમયમાં તે સ્ટોરી લખી સવારે તેનું દિર્ગદર્શન કરે છે અને સવારથી સાંજ સુધી પોતાની ડોક્ટર તરીકેની કામગીરી પણ પૂર્ણ કરે છે.

  • લોકો કહે છે કે હું એક સારી ડોક્ટરની સાથે ડિઝાઈનર પણ છું : ડો. પ્રિતી શર્મા

ડો. પ્રિતી શર્મા ગાયનેકોલોજીસ્ટની સાથે એક સારા ફેશન ડિઝાઈનર પણ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ગાયનેકોલોજીસ્ટની જોબ શરૂ કર્યા બાદ તેમણે પાર્ટનરશીપમાં પોતાનું બ્યુટીક પણ શરૂ કર્યું છે. પોતાના પેશન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. તેઓ નાના હતા ત્યારથી જ તેમના માતા ઘરે સ્ટોન વર્ક અને સિલાઈ કામ કરતા હતા. જેમાં તેઓ તેમની માતા અને બહેનોને મદદ કરતા. ધીમે ધીમે તેમણે અભ્યાસની સાથે ડ્રેસ ડિઝાઈનીંગનું પણ શરૂ કર્યું. પહેલા પોતાના પછી કસ્ટમરના ડ્રેસ ડિઝાઈન કરતા. આ સાથે તેમણે પોતાનો ડોક્ટરનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. પાંચ વર્ષ એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ તેમણે હાલ પોતાનું બુટીક શરૂ કર્યું છે. જેમાં તેઓ પાર્ટ ટાઈમ ડ્રેસ, વેસ્ટર્ન, ઈન્ડો વેસ્ટર્ન ડિઝાઈનીંગ કરે છે અને બાકીના સમયમાં પોતાની ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે.

  • મને ક્રિએટીવીટીમાં રસ હોવાથી મેં મારી ડેન્ટિસ્ટ્રી છોડી દીધી : ડો. કૃતિ શાહ

ડો. કૃતિ શાહ ડેન્ટિસ્ટ છે અને તેમના હસબન્ડ પણ ડેન્ટિસ્ટ છે. પણ હાલ તેઓ ડેન્ટાસ્ટ્રી મુકીને પોતાની કેક શોપ ચલાવી રહ્યા છે. તેમણે પોતાના પ્રોફેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે સાત વર્ષ સુધી ડેન્ટીસ્ટ્રી કર્યા બાદ મેં મારી કેક શોપ શરૂ કરી. પહેલેથી જ ક્રીએટીવીટીમાં રસ હોવાથી તેમણે અમુક સમય સુધી પ્રેક્ટીસ કર્યા બાદ પોતાના પેશનમાં જ આગળ વધવાનું વિચાર્યું. તેમણે જણાવ્યું હતું કે તેઓ 2018 સુધી પાર્ટ ટાઈમ ડેન્ટીસ્ટ તરીકે અને પાર્ટ ટાઈમમાં કેક શોપ ચલાવતા હતા પણ છ વર્ષ સુધી પ્રેક્ટીસ કર્યા બાદ હવે તેમણે પોતાની ક્રિએટીવીટીને પ્રાયોરીટી આપવાનું નક્કી કર્યું છે. તેઓ છેલ્લા 4 વર્ષથી પોતાની કેક શોપ ચલાવે છે અને જ્યારે ફેમિલી મેમ્બર કે નજીકના વ્યક્તિઓની દાંતની ટ્રીટમેન્ટ હોય તો તેઓ પોતાના હસબન્ડ અર્પિત શાહના ક્લિનીક પર જઈને કરે છે.

  • માર્શલ આર્ટને મેં મારા પ્રોફેશનમાં જ સમાવી લીધું : ડો. કેવલ સોંડાગર

ડો. કેવલ પિડીયાટ્રીશ્યન છે. તેઓ છેલ્લા 23 વર્ષથી પિડીયાટ્રીક પ્રેક્ટીસ કરે છે. આ સાથે તેઓ 27 વર્ષથી માર્શલ આર્ટમાં પણ એક્ટીવ છે. તેઓ હાલ માર્શલ આર્ટ ફિલ્ડમાં નેશનલ મેડીકલ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે પોતાના પેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે માર્શલ આર્ટ અને વેપન્સમાં થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવ્યા છે. પેશન્ટની ભીડ વચ્ચે પણ માર્શલ પ્રેક્ટીસ માટે તેઓ દિવસ દરમિયાન બે થી ત્રણ કલાક કાઢી લે છે. હાલ તેઓ બાળકોને કનસલ્ટ કરવાની સાથે માર્શલ આર્ટમાં ઓલ ઈન્ડિયા મેડીકલ હેડ તરીકે પ્રોગ્રામમાં જજ તરીકે ફરજ બજાવે છે. કોઈ બાળકને માર્શલ પ્રેક્ટીસ દરમિયાન ઈન્જરી થાય કે ક્રેક થાય તો તેઓ સારવાર પણ કરે છે. તેમણે માર્શલ આર્ટમાં ગણા બ્લેક બેલ્ટ મેળવ્યા છે.

Most Popular

To Top