Trending

41 વર્ષ જૂની નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલી ફરી ટ્રેન્ડિંગ, વરસાદી માહોલમાં Gen Zની બની પહેલી પસંદ

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે કઈ જૂની ધૂન અચાનક લોકોના દિલમાં ફરી જગ્યા બનાવી લે, તે કહેવું મુશ્કેલ છે. હાલ આવું જ કંઈક મહાન સૂફી ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનની એક 41 વર્ષ જૂની કવ્વાલી સાથે જોવા મળી રહ્યું છે. વર્ષો જૂની આ કવ્વાલી હવે નવા રીમિક્સ અંદાજમાં સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ થઈ રહી છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં યુવા પેઢી આ ગીતનો ઉપયોગ કરી રહી છે.

કઈ કવ્વાલી ફરી બની ચર્ચાનો વિષય?
નુસરત ફતેહ અલી ખાનની જે કવ્વાલી હાલમાં ચર્ચામાં છે તેનું નામ “યાદાં વિછડે સાજન દિયાં આઈયાં” છે. આ તેમની લોકપ્રિય સૂફી કવ્વાલીઓમાંથી એક માનવામાં આવે છે. કવ્વાલીની ખાસિયત તેની લાગણીસભર રજૂઆત છે. ગીતમાં વિયોગ, પ્રેમ અને પોતાના પ્રિયજનની યાદની લાગણી વ્યક્ત થાય છે. કદાચ આ જ કારણ છે કે દાયકાઓ બાદ પણ તેની ધૂન શ્રોતાઓને પોતાની સાથે જોડવામાં સફળ રહી છે.હાલમાં આ કવ્વાલીનું રીમિક્સ વર્ઝન સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. જૂની કવ્વાલીના મૂળ સંગીતની લાગણી સાથે નવા મ્યુઝિકનો અંદાજ જોડાતા તે યુવા પેઢીમાં પણ લોકપ્રિય બની રહી છે.

1985માં લાઈવ કોન્સર્ટમાં થઈ હતી રેકોર્ડ
આ કવ્વાલીનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. NDTVના અહેવાલ અનુસાર, 1985માં નુસરત ફતેહ અલી ખાને UKમાં યોજાયેલા એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન આ કવ્વાલી રજૂ કરી હતી.આ મહેફિલમાં નુસરત સાહેબ સાથે તેમના ભાઈ ફર્રુખ ફતેહ અલી ખાન પણ હાજર હતા. આ સમગ્ર કોન્સર્ટનું રેકોર્ડિંગ બાદમાં તેમની સત્તાવાર લાઈવ વીડિયો સિરીઝનો પણ ભાગ બન્યું હતું.એટલે આજે સોશિયલ મીડિયા પર જે ધૂન નવી પેઢીને આકર્ષી રહી છે, તેની પાછળ ચાર દાયકા કરતાં પણ જૂની એક યાદગાર લાઈવ સંગીત પરંપરા જોડાયેલી છે.

વરસાદ અને પ્રેમની લાગણી સાથે જોડાઈ કવ્વાલી
ચોમાસાની મોસમમાં વરસાદી માહોલ અને સંગીત વચ્ચેનું જોડાણ હંમેશાં ખાસ રહ્યું છે. જો કે હાલમાં આ કવ્વાલીનો ઉપયોગ પણ સોશિયલ મીડિયા પર વરસાદી દૃશ્યો, લાગણીસભર પળો અને પ્રેમ સાથે જોડાયેલા વીડિયો માટે થઈ રહ્યો છે. કવ્વાલીમાં વિયોગ અને પ્રિયજનની યાદની લાગણી વ્યક્ત થતી હોવાથી વરસાદી માહોલ સાથે તેની ધૂન વધુ અસરકારક લાગી રહી છે. આ કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકો માટે આ ગીત ચોમાસાની રોમેન્ટિક પ્લેલિસ્ટનો હિસ્સો બની ગયું છે.

Gen Zને કેમ પસંદ આવી રહી છે 41 વર્ષ જૂની કવ્વાલી?
સંગીતની દુનિયામાં એક વાત ફરી સાબિત થઈ રહી છે કે સારી ધૂન માટે સમયની કોઈ મર્યાદા હોતી નથી. જે કવ્વાલી 1985માં લાઈવ રજૂ થઈ હતી, તે આજે એવી પેઢી સુધી પહોંચી રહી છે જેણે કદાચ તેના મૂળ રેકોર્ડિંગના સમયનો અનુભવ પણ કર્યો નથી. તેમજ રીમિક્સ વર્ઝનના કારણે જૂની કવ્વાલી નવા શ્રોતાઓ સુધી પહોંચી છે. એક તરફ નુસરત સાહેબના અવાજની મૂળ લાગણી છે અને બીજી તરફ આધુનિક સંગીતનો સ્પર્શ છે. આ બંનેનું મિશ્રણ સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવી રહ્યું છે.

સોશિયલ મીડિયાએ ફરી જીવંત કરી જૂની યાદ
આ ઘટના એ વાતનું પણ ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા માત્ર નવા ગીતોને જ નહીં, પરંતુ વર્ષો જૂના સંગીતને પણ નવી ઓળખ આપી શકે છે.નુસરત ફતેહ અલી ખાનની આ કવ્વાલીનું ફરી ટ્રેન્ડિંગ થવું દર્શાવે છે કે સંગીતની સાચી અસર સમય સાથે ખતમ થતી નથી. 41 વર્ષ બાદ પણ તેમની ગાયકીની અસર નવી પેઢીને સ્પર્શી રહી છે.1985ની મહેફિલથી 2026ની સોશિયલ મીડિયા રીલ્સ સુધી નુસરત ફતેહ અલી ખાનની આ કવ્વાલી ફરી એકવાર સાબિત કરી રહી છે કે સારો સંગીત ક્યારેય જૂનું થતું નથી, તે માત્ર નવા સમય સાથે નવી રીતે લોકો સુધી પહોંચે છે.

Most Popular

To Top