Gujarat

લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી બેરેકની ખોલીમાં મોબાઈલ ફોન મળ્યો

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા વિકાસ આહીર સામે જેલરે નોંધાવી ફરિયાદ, બાથરૂમના પાળી ઉપરથી મોબાઈલ-બેટરી અને સીમકાર્ડ મળી આવ્યા : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. જેલની હાઈ સિક્યુરિટી બેરેકમાં આવેલી એક ખાલી ખોલીમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે આ મોબાઈલ સામાન્ય રીતે તપાસ દરમિયાન સીધો હાથ લાગ્યો નહોતો, પરંતુ જેલ સ્ટાફે બેરેકની બહારના ભાગેથી સીડી લગાવીને ખોલીની બારીમાંથી તપાસ કરતા બાથરૂમના પાળી ઉપરથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ મામલે જેલ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખોલીમાં રાખવામાં આવેલા આરોપી વિકાસ શંકરભાઈ આહીર સામે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.સતીશ મરાઠી હત્યા કેસ બાદ લાજપોર જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે કારણ કે જેલ માંથી માથાભારે સતીષ ની સોપારી આપવામાં આવી હોવાની વાત સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસ માં ખુલ્યું છે,મળતી માહિતી મુજબ, સતીશ મરાઠી ની હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેલા બુટલેગર રાહુલ મંડલની ભૂમિકા તથા મોબાઈલ ફોનના ઉપયોગ અંગેની ચર્ચા સામે આવતા જેલ તંત્ર સક્રિય થયું હતું. લાજપોર જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થતો હોવાની આશંકાને પગલે સુરક્ષા કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન ભેસ્તાન પોલીસ પણ તપાસ માટે લાજપોર જેલ પહોંચે તે પહેલાં જ જેલના સ્ટાફ દ્વારા તમામ બેરેકમાં સઘન જડતી શરૂ કરી દેવામાં આવી હતી. જેલની અલગ-અલગ બેરેક તથા ખોલીઓમાં તપાસ કરવામાં આવી હતી.
લાજપોર જેલ તંત્રનો મુખ્ય હેતુ એ હતો કે જો કોઈ પ્રતિબંધિત મોબાઈલ ફોન અથવા અન્ય સામગ્રી જેલની અંદર છુપાવવામાં આવી હોય તો તેને શોધી કાઢવામાં આવે.

હાઈ સિક્યુરિટી સેલમાં સઘન તપાસ
તપાસ દરમિયાન હાઈ સિક્યુરિટી સેલમાં જેલર સંદીપ વણવી પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ સવારે આશરે છથી સાત વાગ્યા સુધી હાથ ધરાયેલી તપાસમાં શરૂઆતમાં બેરેકમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.જેલ સ્ટાફ દ્વારા ખોલીઓની અંદર તેમજ આસપાસના વિસ્તારોની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, પ્રથમ તબક્કાની તપાસમાં મોબાઈલ ફોન હાથ લાગ્યો નહોતો.ત્યારબાદ વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખાલી ખોલીની બારીમાંથી મોબાઈલ મળ્યો
ત્યારબાદ યાર્ડ જેલર જે. બી. પાથરની સૂચના મુજબ હાઈ સિક્યુરિટી સેલની બહારના ભાગે પણ જડતી હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન જેલ સ્ટાફને એક ખાલી ખોલી અંગે શંકા જતા ખોલીની બહારથી તપાસ કરવામાં આવી હતી. સેન્ટ્રલ સેલની બહારના ભાગેથી સીડી લગાવીને બારીમાંથી તપાસ કરવામાં આવતા બાથરૂમના પાળી ઉપર એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.મોબાઈલ સાથે તેની બેટરી અને સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. મોબાઈલ નોકિયા કંપનીનો હોવાનું સામે આવ્યું છે. જેલ સ્ટાફે મોબાઈલ, બેટરી અને સીમકાર્ડ કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

વિકાસ શંકરભાઈ આહીર સામે ફરિયાદ
મોબાઈલ ફોન જે ખોલીમાં મળી આવ્યો હતો, તેમાં રાખવામાં આવેલા આરોપી તરીકે વિકાસ શંકરભાઈ આહીરનું નામ સામે આવ્યું છે. આથી જેલ તંત્ર દ્વારા વિકાસ આહીર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે પોલીસ દ્વારા મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો, તેનો ઉપયોગ કોણ કરતું હતું અને મોબાઈલનો સંપર્ક કોની સાથે હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી શકે છે.મોબાઈલ ફોનમાંથી કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી આવે છે કે નહીં, તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે.

હિન્દુ યુવા વાહિનીના સુરત પ્રમુખ તરીકે પણ ચર્ચામાં રહ્યો છે વિકાસ આહીર
અહેવાલ મુજબ,લાજપોર જેલમાંથી મોબાઈલ ફોનના મામલામાં ઝડપાયેલા વિકાસ આહીર સામાન્ય આરોપી તરીકે જ નહીં પરંતુ સામાજિક સંગઠન સાથે જોડાયેલા હોવાને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.વિકાસ આહીર હાલમાં સેકન્ડ યર એલએલબીનો અભ્યાસ કરતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, તેની વધુ ચર્ચા હિન્દુ યુવા વાહિનીના સુરત પ્રમુખ તરીકે થઈ છે.અર્થાત્ એક તરફ તે કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજી તરફ સંગઠનના પદને કારણે પણ જાહેર જીવનમાં તેની ઓળખ રહી છે.

ઉદયપુરમાં હોટેલનો ધંધો
વિકાસ આહીરના પરિવાર દ્વારા આઈસ્ક્રીમના ધંધા સાથે સંકળાયેલા હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના ઉદયપુરમાં ‘રાઈટ ચોઈસ’ નામની હોટેલ પણ પરિવાર ધરાવતું હોવાનું જણાવાયું છે.સામાજિક સંગઠનના પ્રમુખ તરીકેની ઓળખને કારણે વિકાસ આહીર પોલીસ તથા જાહેર ચર્ચામાં અગાઉ પણ રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અગાઉ હથિયાર લાયસન્સ પણ મળ્યું હતું
અહેવાલમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. હિન્દુવાદી સંગઠનના પ્રમુખ હોવાના કારણે વિકાસ આહીરને પોલીસ પાસેથી હથિયારનું લાયસન્સ પણ મળ્યું હતું, જેનો ઉપયોગ તે સ્વરક્ષણના નામે કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હવે જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ ફરી એક વખત વિકાસ આહીર તપાસના કેન્દ્રમાં આવ્યો છે.

છ ગુનાઓમાં નામ નોંધાયેલું
અહેવાલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ આહીર સામે કુલ છ ગુના નોંધાયેલા હોવાનું જણાવાયું છે.આ ગુનાઓમાં લૂંટ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગુનાઓ અંગે અમરોલી, સલાબતપુરા, ઉમરા, ગોડાદરા, ઉધના અને લિંબાયત પોલીસ મથકમાં કેસ નોંધાયેલા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.અર્થાત્ સુરત શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં વિકાસ આહીર સામે અગાઉથી ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

લાજપોર જેલમાં મોબાઈલ પહોંચ્યો કેવી રીતે? તપાસનો મોટો સવાલ
હવે સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે હાઈ સિક્યુરિટી બેરેક સુધી મોબાઈલ ફોન પહોંચ્યો કેવી રીતે?
જેલમાં કેદીઓ પાસે મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ હોવા છતાં જો મોબાઈલ અંદર પહોંચ્યો હોય તો તેને જેલની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી તરીકે જોવામાં આવી શકે છે.આ ઉપરાંત મોબાઈલ ફોન ખાલી ખોલીના બાથરૂમના પાણી ઉપર કેવી રીતે પહોંચ્યો, તેને ત્યાં કોણે રાખ્યો અને મોબાઈલનો ઉપયોગ કેદી દ્વારા કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, તે અંગે પણ તપાસ જરૂરી બની છે.મોબાઈલ સાથે બેટરી અને સીમકાર્ડ મળી આવ્યા હોવાથી આ ફોન માત્ર ખાલી ખોલીમાં પડેલો હતો કે તેનો વાસ્તવમાં ઉપયોગ કરવામાં આવતો હતો તે અંગે પણ તપાસ થઈ શકે છે.પોલીસ હવે મોબાઈલની ટેકનિકલ તપાસ, સીમકાર્ડની વિગતો તથા અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે સમગ્ર મામલાની કડી જોડવાનો પ્રયાસ કરશે.

લાજપોર જેલ સુરક્ષા સામે ફરી સવાલો
લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવવાની આ ઘટના જેલની આંતરિક સુરક્ષા અને કેદીઓ સુધી પ્રતિબંધિત વસ્તુઓ પહોંચવાના મુદ્દે ગંભીર સવાલો ઉભા કરે છે. જેલ તંત્ર દ્વારા તમામ બેરેકમાં તપાસ કરવામાં આવ્યા બાદ મોબાઈલ મળ્યો છે. ખાસ કરીને બેરેકની બહારથી સીડી લગાવીને બારીમાંથી તપાસ કરવાની ફરજ પડી અને ત્યારબાદ બાથરૂમના પાળી ઉપરથી મોબાઈલ મળી આવ્યો તે બાબત સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે.
હાલમાં વિકાસ શંકરભાઈ આહીર સામે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ વધારશે. તપાસ બાદ જ મોબાઈલ ફોનનો ઉપયોગ કોણ કરતું હતું, તે જેલમાં કેવી રીતે પહોંચ્યો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Most Popular

To Top