Entertainment

‘આવારાપન 2’માં મુસ્તફા જાહિદનો અવાજ નહીં સાંભળવા મળતા સિંગરે આપ્યું મોટું રિએક્શન

ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આવારાપન 2’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન’ આજે પણ દર્શકોમાં ખાસ લોકપ્રિય છે. ખાસ કરીને ફિલ્મના ગીતો ‘તેરા મેરા રિશ્તા’ અને ‘તો ફિર આવો’ આજે પણ ચાહકોની પ્લેલિસ્ટમાં જોવા મળે છે. બંને ગીતોને પોતાના અનોખા અવાજથી યાદગાર બનાવનાર પાકિસ્તાની સિંગર મુસ્તફા જાહિદને લઈને હવે ફરી ચર્ચા શરૂ થઈ છે.

‘આવારાપન 2’નું ટીઝર અને ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ મુસ્તફા જાહિદના અવાજને ખૂબ યાદ કર્યો. ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું કે મુસ્તફાના અવાજ વિના ‘આવારાપન’ની ફીલ અધૂરી લાગે છે. ચાહકો તરફથી મળેલા આ પ્રેમ અને સંદેશાઓથી સિંગર પણ ભાવુક થયા હતા.જો કે મુસ્તફા જાહિદે સોશિયલ મીડિયા પર ચાહકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેમને લોકો તરફથી જે પ્રેમ અને મેસેજ મળ્યા છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે જીવનમાં તેમને આ પ્રકારના સપોર્ટની સૌથી વધુ જરૂર હતી અને તેઓ હંમેશાં પોતાના ચાહકોના આભારી રહેશે.

સિંગરે ‘આવારાપન 2’ની ટીમને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ સફળતાની હકદાર છે, કારણ કે વર્ષ 2007માં કેટલાક યુવાનોએ પોતાના દિલથી કામ કરીને એક એવી ફિલ્મ બનાવી હતી, જે આજે પણ લોકોની લાગણીઓ સાથે જોડાયેલી છે. તેમણે એવી પણ લાગણી વ્યક્ત કરી કે આ ટીમનું દિલ ફરીથી ન તૂટવું જોઈએ. મુસ્તફા જાહિદે જૂની યાદોને તાજી કરતા એ વાત પર પણ ભાર મૂક્યો કે ‘આવારાપન’ના ગીતો માત્ર ગીતો નહોતા. આ ગીતો એક આખી પેઢીની લાગણીઓ, દર્દ અને યાદો સાથે જોડાયેલા હતા. કદાચ આ જ કારણ છે કે લગભગ બે દાયકા બાદ પણ આ ગીતોનો ક્રેઝ ઓછો થયો નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘આવારાપન 2’ના મેકર્સે મુસ્તફા જાહિદ સાથે ‘તેરા મેરા રિશ્તા’ના નવા વર્ઝનને લઈને ચર્ચા કરી હતી. જોકે, ફિલ્મના થિયેટર રિલીઝ, સર્ટિફિકેશન, પાકિસ્તાની કલાકારોને લઈને પ્રવર્તતી સંવેદનશીલ પરિસ્થિતિને કારણે આ વર્ઝનને ડિજિટલ અથવા સોશિયલ મીડિયા પ્રમોશન સુધી સીમિત રાખવાની ચર્ચા થઈ રહી હોવાનું સામે આવ્યું છે. નિતિન કક્કડના નિર્દેશનમાં બની રહેલી ‘આવારાપન 2’ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં મુસ્તફા જાહિદનો સીધો પ્લેબેક અવાજ મુખ્ય રીતે સાંભળવા ન મળે, પરંતુ વર્ષો પહેલાં તેમના અવાજે બનાવેલા ગીતોની યાદ આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. હવે જોવાનું એ રહેશે કે ‘આવારાપન 2’ દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે અને શું આ સિક્વલ પણ પહેલી ફિલ્મની જેમ ચાહકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી શકશે.

Most Popular

To Top