National

હવામાન વિભાગની આગાહી: દેશમાં ચોમાસુ બે દિવસ મોડું શરૂ થશે

નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (MONSOON) દેશમાં આ વખતે થોડુ વહેલું (EARLY IN INDIA) શરુ થવાની આગાહી થયા બાદ હવે હવામાન વિભાગે (meteorological department) આગાહી કરી છે કે કેરળ (Kerala)માં ચોમાસુ બે દિવસ મોડું એટલે કે ત્રીજી જૂનથી શરૂ થશે, આના પગલે અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન મોડું થશે.

એક ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધર દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે કેરળમાં નૈઋત્યનું એટલે કે દક્ષિણ-પૂર્વીય ચોમાસુ બે દિવસ વહેલું એટલે કે ૩૦મી જૂને શરૂ થશે. હવામાન વિભાગે પણ ચોમાસુ એક દિવસ વહેલું એટલે કે ૩૧ મેએ શરૂ થવાની આગાહી કરી હતી. તેના પછી ભારતીય હવામાન વિભાગની આ ચોમાસું મોડુ શરુ થવાની સત્તાવાર આગાહી આવી છે.

ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)ના ડિરેકટર જનરલ એમ. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે કર્ણાટકના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે દક્ષિણ-પૂર્વીય ચોમાસાની આગેકૂચને અવરોધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતા પવનો પહેલી જૂનથી તબક્કાવાર બળવાન બનશે અને પરીણામે કેરળમાં ચોમાસુ પ્રવૃતિમાં વધારો થશે. આથી કેરળમાં ૩ જૂનની આસપાસ વર્ષાઋતુ શરૂ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસુ શરૂ થવાની સામાન્ય તારીખ પહેલી જૂન છે. અને કેરળમાં ચોમાસુ શરુ થાય તે સમગ્ર દેશમાં ચાર મહિનાની વર્ષાઋતુનો સત્તાવાર આરંભ ગણાય છે. આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે ૩૧ મેના રોજ શરૂ થવાની આગાહી કરી હતી. આજે સવારે પણ હવામાન વિભાગે કેરળમાં ચોમાસુ ૩૧ મેની આસપાસ શરૂ થવાની વાત તેના ડેઇલી બુલેટીનમાં કરી હતી પરંતુ બપોરે તેણે કહ્યું હતું કે ચોમાસુ ૩ જૂન સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. હવામાન વિભાગની શરૂઆત થોડી નબળી થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કોઇ પણ મોટા ટ્રિગરના અભાવમાં ચોમાસાની શરૂઆત નબળી થઇ શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાનો સ્કાયમેટનો દાવો

હવામાન વિભાગ કહે છે કે આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે, જો કે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ આ વખતે ઘણી નબળી રીતે ત્યાં ચોમાસુ શરૂ થયું છે! સ્કાયમેટ વેધરના પ્રમુખ(હવામાન) જી.પી. શર્માએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસાની ઘણી નબળી શરૂઆત થઇ છે.

જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ કેરળમાં પડતો વરસાદ ચોમાસુ શરૂ થયું હોવાનું જાહેર કરી શકાય તે માટેના ધારાધોરણો પૂર્ણ કરતા નથી તેથી ચોમાસુ શરૂ થયું છે એમ કહી શકાય નહીં. હાલ કેરળમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે.

Most Popular

To Top