Entertainment

હવે રાજકારણ પણ ફિલ્મોને સફળ-નિષ્ફળ બનાવે છે

2022ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી 20 ફિલ્મોમાં ટોપ પર જે ચાર ફિલ્મો છે તે સાઉથની છે. ત્યાર પછી ‘કાર્તિકેય-2’, ‘વિક્રમ રોના’ અને 20મા ક્રમે ‘મેજર’ છે તે પણ 30 કરોડના ખર્ચે બનેલી અને 66 કરોડ કમાયેલી. શું 2023મા આ સિનારિયો બદલાશે? સાઉથની ફિલ્મો ઉપરાંત ‘અવતાર’ જેવી હોલીવુડની ફિલ્મો પણ ઘૂસ મારે છે. હિન્દી ફિલ્મોદ્યોગ આ વર્ષે સફળતા માટે તરતસતો રહ્યો. ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જૂન, મૌની રોય અને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષામાં ય રજૂ થઇ તો પણ 410 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે 278 કરોડની જ કમાણી કરી. આજકાલની ફિલ્મોમાં ગીત-સંગીત એવા સારા નથી હોતા કે તેનાથી કરોડોની કમાણી થઇ  શકે. આ વખતે મ્યુઝિકલ કહેવાય તેવી એકેય ફિલ્મ નહોતી. એજ રીતે રોમેન્ટિક લવસ્ટોરી પણ નહોતી.

જે 20 ફિલ્મો છે તેમાં પ્રથમ ક્રમે ‘કે.જી.એફ.-2’ રહી જે 100 કરોડના ખર્ચે બનેલી વિશ્વના જે દેશોમાં રજૂ થઇ તેના સહિતની કમાણી ગણો તો 1221 કરોડ રૂા. છે. તેની પહેલા ‘આર.આર.આર.’ હતી પણ 550 કરોડના ખર્ચે બનેલી એ ફિલ્મ કમાણીમાં 1150 કરોડ સાથે બીજા ક્રમે રહી પણ ‘કે.જી.એફ.-2’ના રોકાણ સામે તેનું રોકાણ મોટું હતું. ત્રીજા ક્રમે કમલ હસન અભિનીત ‘વિક્રમ’ રહી જે 110 કરોડ રૂા.ના બજેટથી બનેલી અને 429 કરોડ રૂા. કમાયેલી. મણી રત્નમની ‘પોન્નિયન સેલ્વન’નો પહેલો ભાગ 500 કરોડના ખર્ચે બન્યો પણ કમાણી થઇ 450 કરોડ રૂા.. કદાચ આ વર્ષની ‘કે.જી.એફ.-2’ પછીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ગણવી જોઇએ જે 15 કરોડના ખર્ચે જ બની અને 338 કરોડ રૂા. કમાઇ શકી. દેશમાં એ ફિલ્મ કાશ્મીરી પંડિતોની ચળવળને પણ આગળ વધારતી હતી. ‘ભુલભુલૈયા-2’ ફિલ્મ 65 કરોડના ખર્ચે બની 266 કરોડ રૂા. કમાઇ શકી. એ ફિલ્મે કાર્તિક આર્યનના સ્ટાર સ્ટેટસને આગળ વધાર્યું.

‘રાધે શ્યામ’ ફિલ્મ પ્રભાસ પૂજા હેગડે સ્ટારર હતી. આ વર્ષે પાન ઇન્ડિયન ફિલ્મોનો કોન્સ્પેટ સ્વીકારાયો. ‘રાધે શ્યામ’ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમમાં રજૂ થઇ. એ ફિલ્મનું રોકાણ 300 કરોડનું હતું અને કમાણી થઇ 215 કરોડ રૂા.. ડબિંગને કારણે વધારે ભાષામાં રજૂ કરો એટલે વધારે કમાણી થાય તે ભ્રમ છે. દેશના દરેક ભાગોમાં એક સરખો પ્રેક્ષક નથી અને બધે જ કોઇ સાઉથના યા મુંબઇના સ્ટાર લોકપ્રિય નથી. હોલીવુડની ફિલ્મો અઢળક ખર્ચે બને છે અને વિશ્વના દેશોમાં રજૂ થાય છે. જો સફળ થાય તો કરોડોથી આગળ વધી અબજો પર પણ આંકડો પહોંચે. ભારતની ફિલ્મો વિશ્વના દેશોમાં રજૂ થાય પણ તેને જોનારા તો ભારતીયો જ હોય છે.

પણ અજય દેવગણની ‘દૃશ્યમ-2’એ સારી કમાણી કરી છે. તે બનેલી 50 કરોડ રૂા.માં પણ કમાણી થઇ છે 140 કરોડ રૂપિયા હજુ ય થિયેટરોમાં ચાલે છે. હા, આ વર્ષે ‘લાલ સીંઘ ચઢ્ઢા’ને યોજનાપૂર્વક નિષ્ફળ કરવાના પ્રયત્ન થયા ને સફળ રહ્યા. ‘ધ કાશ્મીર ફાઇલ’ને સફળ કરવાના પ્રયત્ન થયા ને સફળ રહી. મતલબ કે ફિલ્મોની સફળતા-નિષ્ફળતામાં હવે રાજકારણ અને આંદોલનો પણ મહત્વના બનવા માંડયા છે. વિત્યા વર્ષોમાં આ રીતે બહુ બન્યું નથી. અત્યારે રાજકારણ જે ધાર્મિક ચરિત્રોને ઐતિહાસિક કે વિષયોને કેન્દ્રમાં લાવે છે તે ફિલ્મના વિષય બની રહ્યા છે. આ વેળા ‘રામ સેતુ’, ‘પૃથ્વીરાજ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એવા જ વિષય હતા.

ખેર! આખા વર્ષ દરમ્યાન અક્ષયકુમાર સફળતા માટે તરસતો રહ્યો. સલમાનની ફિલ્મ એકાદ આવી પણ તેમાં કેન્દ્રમાં તે નહોતો. ઋતિકની એક જ ફિલ્મ આવી અને સફળ રહી. આ વર્ષે કોઇ મહિલા કેન્દ્રી, કંગના કે તાપસી વગેરે અભિનીત ફિલ્મ સફળ ન થઇ. પોલીસના વિષય વારંવાર આવ્યા. એવું લાગે છે કે હવે કોઇ વિઝનરી દિગ્દર્શકની જરૂર છે જે આખો ટ્રેન્ડ બદલે. હોલીવુડમાં સ્ટિવન સ્પિલબર્ગ, જેમ્સ કેમેરોને જેવું કામ કર્યું તેવું હિન્દીને પણ જરૂરી છે. •

Most Popular

To Top