Editorial

હવે પાકિસ્તાન પોલીસ અને આઇએસઆઇ આમને સામને

ચંચૂપાત કોઇને પસંદ નથી હોતો એ વાત આબાલવૃદ્ધ જાણતાં હોવા છતાં દરેક ક્ષેત્રમાં દખલઅંદાજી કરનારાઓની ખોટ નથી. વેપાર હોય કે, ખેતી અભ્યાસ હોય કે કંપની પરંતુ ચંચૂપાત કોઇને સ્વીકાર્ય નથી. તે વાત ચંચૂપાત કરનારા સારી રીતે જાણતા હોવા છતાં તેઓ તેમની હરકત કરતાં જ રહે છે. દખલઅંદાજી કરવાની પણ એક મર્યાદા નક્કી હોવી જોઇએ. અને જો તે અટકે નહીં તો માઠા પરિણામ ભોગવવા પડે છે. આવી જ હાલત પડોશી દેશ પાકિસ્તાનની થઇ રહી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોઇ પણ સરકાર હોય ત્યાંની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ત્યાંની સેના સતત દખલઅંદાજી કરતી આવી છે અને તેનું પરિણામ આજે સમગ્ર દુનિયા જોઇ રહી છે. પાકિસ્તાનના પેશારવમાં જે બ્લાસ્ટ થયો તે ખૂબ જ શંકાસ્પદ છે કારણ કે જેની ઉપર શંકા હતી તે તહેરિકે તાલિબાન પાકિસ્તાને આ હુમલામાં તેની સંડોવણી હોવાનો ઇનકાર કરી દીધો છે. એક ગંભીર બાબત એ પણ છે કે, આ બ્લાસ્ટ આઇએસઆઇએ જ કરાવ્યો છે. જે સંસ્થા સામે ત્યાંના વડાપ્રધાન હરફ ઉચ્ચારી શકતા ન હતાં. તેની સામે ત્યાંની પોલીસ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગઇ છે.

પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલા બાદ સેનાની ભૂમિકા પર સતત સવાલ ઊઠી રહ્યા છે. આ દરમિયાન ખૈબર પ્રાંતની પોલીસ અણધાર્યા પગલાં ઉઠાવી રસ્તા પર ઉતરી છે. તેણે ISI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે વરદી પહેરીને લગભગ 24 પોલીસકર્મી પેશાવર પ્રેસ ક્લબની બહાર એકઠાં થયા અને ISI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું હતું કે, અમે ખૈબર પખ્તુનખ્વા પોલીસ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. અમારો વિરોધ ‘સિસ્ટમ’ સામે છે.

બીજી તરફ, માનવાધિકાર સંગઠનો બાદ હવે સત્તાધારી પાર્ટીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નાં ઉપાધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમે આ હુમલા માટે પૂર્વ ISI ચીફ માસ્ટર જનરલ ફૈઝ હમીદને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જનરલ હામિદને ઇમરાન પોતાની આંખ, હાથ અને કાન કહેતા હતા. ત્યારે પેશાવરમાં તૈનાતી બાદ તેમણે આતંકીઓ (અફઘાનિસ્તાન) માટે દરવાજો કેમ ખોલ્યો? કટ્ટર આતંકીઓને કેમ છોડવામાં આવ્યા? જો હમીદ દેશની આંખ, કાન અને હાથ હોત તો આતંકવાદને આશરો ન મળત.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સત્તા સુધી પહોંચવામાં મદદ કરનારા પાકિસ્તાનને હવે તાલિબાનો જ આંખ દેખાડી રહ્યા છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકીએ ખુલ્લેઆમ કહ્યું છે કે, પેશાવર હુમલા સાથે અફઘાનિસ્તાનને કોઈ લેવાદેવા નથી. આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આપણા દેશમાં પણ 20 વર્ષથી મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે અને લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે.

ખૈબર પખ્તુનખ્વા પોલીસને પેશાવરમાં આત્મઘાતી હુમલા અંગે મોટી માહિતી મળી છે. પોલીસ વડા મોઅઝમ જાહ અન્સારીએ જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં મસ્જિદમાં ઘૂસ્યો હતો, જેના કારણે કોઈને તેના પર શંકા થઇ નહોતી. પોલીસને વિસ્ફોટના સ્થળેથી હુમલાખોરના જેકેટમાં વપરાયેલ બોલબેરિંગ મળી આવ્યા હતા.
પૂર્વ પીએમ નવાઝ શરીફ પણ સેના પર મિલીભગતનો આરોપ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ આર્મી ચીફ અને ભૂતપૂર્વ આઇએસઆઇ ચીફે ઈમરાનને સત્તા પર લાવવા માટે 2018ની સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી. બાજવા અને ભૂતપૂર્વ ISI ચીફ ફૈઝ હમીદે અંગત ઈચ્છાઓ માટે પાકિસ્તાનને અશાંતિમાં ધકેલી દીધું હતું.

સત્તા પરથી હટ્યા બાદ ઇમરાને સેના પર આરોપ લગાવ્યો હતો કે સરકાર સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે આર્મી ચીફ બાજવા ઈચ્છતા હતા કે પાકિસ્તાન યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના મામલે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાન કરે. પૂર્વ ગૃહમંત્રી અને ઈમરાનના નજીકના શેખ રાશિદની ધરપકડ થઇ છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સામે ઈમરાનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો. રાશિદે કહ્યું- મારી કોઈ પણ વોરંટ વગર ધરપકડ કરવામાં આવી છે. રાશિદ પહેલાં પૂર્વમંત્રી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top