Business

હવે, ભારતનાં જંગલોમાં ચિત્તા જોવા મળશે

     આપણા દેશમાં ચિત્તો લુપ્તપ્રાય પ્રાણી છે. 1948માં ભારતમાં આખરી ચિત્તો દેખા દીધો હતો અને તે પછી 1952માં જાહેર કરી દેવામાં આવ્યું કે ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે પણ હવે દેશમાંથી ચિત્તાનું લુપ્તપ્રાય પ્રાણીનું સ્ટેટ્સ હટી જશે અને ચિત્તા ફરી ભારતના જંગલમાં વિહરતા દેખાશે. સરકારની આ યોજના વિશે અનેક વર્ષોથી વિચારણા ચાલી રહી હતી. 2009માં પર્યાવરણ મંત્રી જયરામ રમેશ હતા ત્યારે તે વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને ચિત્તાને કયા રાજ્યમાં વસાવી શકાય તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.

જો કે તે પછી આ યોજના સંદર્ભે અડચણો આવતી રહી. ફાઈનલી હવે નવેમ્બરમાં દસ ચિત્તાને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. આ ચિત્તા આફ્રિકામાંથી લાવવામાં આવશે. ચિત્તાને ભારતના જંગલમાં ટહેલતો જોવો તે લહાવો બનશે અને પ્રાણીપ્રેમી તેનાથી ખુશી જ પામશે પરંતુ ચિત્તો ભારતમાં જોવા મળે તે માટે સરકારે પૂરતી તૈયારી કરી છે કે નહીં? જે ચિત્તાઓને લાવવામાં આવશે તેમની કાળજી લેવાશે કે નહીં? આવા અનેક સવાલો પ્રાણીપ્રેમીઓ કરી રહ્યા છે. આ સિવાય પણ પ્રાણીઓને અન્ય જગ્યાએથી લાવીને બીજા જ સ્થળે વસાવવાનાં હોય ત્યારે અનેક પ્રશ્નો ખડા થાય છે. ચિત્તાને વસાવવા પાછળ આ બધી તૈયારી થઈ છે કે કેમ તે જોઈએ.

ચિત્તો આજે દેશમાંથી ભલે લુપ્તપ્રાય થયો હોય પણ ઇતિહાસમાં લાંબા સમય સુધી ચિત્તા ભારતીય ઉપખંડની આસપાસ જોવા મળતા. ભારતીય ઉપખંડમાં ચિત્તાની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને તેની વિશેષતાના કારણે ચિત્તાઓ રાજાઓ પાળતાં પણ ખરા. ચિત્તાઓનો તેઓ હરણ અને અન્ય પ્રાણીઓના શિકાર માટે ઉપયોગ કરતાં. ચિત્તો ઝડપી દોડે છે અને તેથી જ રાજદરબારોમાં તેની જગ્યા બની હતી. ભારતના જ અનેક રાજાઓ ચિત્તાને પાળતાં. એમ કહેવાય છે કે અકબર રાજા પણ ચિત્તા દ્વારા શિકાર કરાવતાં. હવે સવાલ થાય કે આ શિકાર કેવી રીતે થાય? આનો જવાબ જ્યારે શોધ્યો ત્યારે યૂટ્યુબ પર ‘લાઇફ વિથ એન ઇન્ડિયન પ્રિન્સ : હન્ટિંગ વિથ ચિત્તા(1939)’ નામની છ મિનિટની એક ફિલ્મ મળે છે.

તેમાં ચિત્તા દ્વારા થતાં શિકારનો વીડિયો છે. રાજાઓ દ્વારા એક બાજુ આ રીતે ચિત્તાઓ સચવાતા રહ્યા તો બીજી તરફ અનેક રાજાઓ એવા હતા જે ચિત્તાઓના શિકારની મજા માણતા. અંગ્રેજો આવ્યા પછી તેઓ પણ ચિત્તાઓને મારવાનું સાહસ ખેડવા માંડ્યા. જો કે અંગ્રેજો આવ્યા ત્યાં સુધીમાં ભારતમાં ચિત્તાની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી હતી. પછી અનેક રાજાઓ આફ્રિકાના ચિત્તાઓને શિકાર કરવા માટે લાવ્યા તેવી પણ નોંધ મળે છે. દેશમાં આખરી ચિત્તાઓને મારીને લુપ્તપ્રાય કરવામાં રામાનુજ પ્રતાપ સિંઘ દેવનું નામ આવે છે. આ રાજા હાલના છત્તીસગઢમાં આવેલા કોરિયામાં રાજ કરતા હતા. તેઓએ 1948માં એક સાથે ત્રણ ચિત્તાઓને ગોળીથી માર્યા હતા. તે પછી દેશમાં ક્યાંય ચિત્તાની ભાળ મળી નથી. આ જ રાજાએ તેરસોથી વધુ વાઘોનો શિકાર કર્યાનું કહેવાય છે!

આપણા ઇતિહાસમાં ઠેરઠેર ચિત્તાઓની સ્મૃતિ વણાયેલી છે. કોલ્હાપુર સ્ટેટના રાજચિહ્ન પર ચિત્તાને રાજ્યનું સંરક્ષણ કરતાં હોય તેમ દર્શાવાયા છે. ભારતના ઇતિહાસ અને વાર્તાઓમાં ચિત્તાને સ્થાન મળ્યું છે. પણ આ ખૂબસૂરત જીવને તેની હયાતીના કાળમાં શિકાર કરવા માટે ટારગેટ બનાવવામાં આવ્યા. પછી તેની સંખ્યા ઘટતી ગઈ અને દેશને આઝાદી મળતાં સુધીમાં તો તેઓ લુપ્ત થયા. એશિયાટીક ચિત્તાનો વ્યાપ માત્ર ભારત સુધી સીમિત નહોતો; બલકે ઇઝરાયેલ, અફઘાનિસ્તાન અને ઇરાન સુધી તેઓ વિહરતા હતા. આજે ઇરાનમાં પચાસેક એશિયાટીક ચિત્તા મોજૂદ છે.

તે સિવાય એશિયાટીક ચિત્તાનું અસ્તિત્વ રહ્યું નથી. હાલમાં ચિત્તા માત્ર આફ્રિકામાં જોવા મળે છે. 2016માં આફ્રિકન ચિત્તાની સંખ્યાનો અંદાજો 7,100 લગાવવામાં આવ્યો હતો. આમાંથી ચાર હજાર જેટલા ચિત્તા એન્ગોલા, બોટસ્વાના, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને ઝામ્બિયામાં છે. જ્યારે તેમની અન્ય વસતીનો ભાગ કેન્યા અને તાન્ઝાનિયામાં છે. આફ્રિકામાં પણ આ ચિત્તાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. આફ્રિકા પણ કહેવાતા વિકાસના માર્ગે છે અને ત્યાં પણ ખેતી અને ઔદ્યોગિક એકમો વધી રહ્યાં છે. આ કારણે આફ્રિકાના ચિત્તાઓ પર જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત શિકારનાં જોખમો પણ ત્યાં છે.

વિશ્વભરમાં ચિત્તાની આ સ્થિતિ છે અને ભારતમાં ચિત્તાને ફરી વસાવવા અર્થે પ્રયાસો આઝાદી મળ્યા પછી જ તુરંત આરંભાઈ ચૂક્યા હતા. 1955માં તે વિશે આંધ્ર પ્રદેશના વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા તેના પ્રયાસ થયા. જો કે પછી જ્યારે તે અંગે વિગતે ચર્ચા થઈ ત્યારે તે અંગે કોઈ ઠોસ મત ન બન્યો. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યારે ચિત્તા ફરી દેશમાં આવે તેવી શક્યતાઓ ઉજળી બની. તે વખતે ચિત્તાને કચ્છમાં વસાવવાની પણ વાતો રજૂ થઈ.

તે વખતે ઇરાનમાંથી ચિત્તાને વસાવવાની વાત હતી પરંતુ રાજકીય ચડતી-પડતી વચ્ચે તેમાં કોઈ નિર્ણય ન લેવાયો. ચિત્તાને ત્યાર બાદ ભારતમાં રિલોકેટ કરવાની વાત વિસરાઈ ગઈ. દેશમાં આર્થિક-રાજકીય અસ્થિરતાએ આવા પ્રોજેક્ટો તરફ ધ્યાન સુધ્ધાં ન અપાયું. 1998 આવતાં સુધીમાં ચિત્તાને અહીં વસાવવાની વાતો ફરી થવા માંડી અને તે અંગે પ્રપોઝલ પણ તૈયાર થઈ. જોધપુરના મચિયા નેચર રિઝર્વમાં ચિત્તા માટે બ્રિડીંગ સુવિધા ઊભી કરવામાં આવી છે તેવા ન્યૂઝ પણ વહેતા થયા. બીબીસી અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ સંસ્થાઓએ હૈદરાબાદમાં ચિત્તાના ક્લોનિંગ થવાની પ્રક્રિયાના સમાચાર આપ્યા. જો કે ચિત્તાનું દેશમાં આવવાનું પાછળ ઠેલાતું ગયું.

2009માં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની સરકાર આવી અને તેમાં પર્યાવરણ મંત્રી તરીકે જયરામ રમેશ આવ્યા. ચિત્તાને દેશમાં પુનર્જીવિત કરવા ફરી ઇરાન તરફ નજર દોડાવામાં આવી. ઇરાનમાં જ ખૂબ ઓછા ચિત્તા બચ્યા હતા તેથી ઇરાનનો પ્રત્યુત્તર ઉત્સાહજનક નહોતો. ફાઈનલી જયરામ રમેશે ચિત્તાને રિલોકેટ કરવાના પ્લાન સાથે જોડાયેલા વિવિધ લોકો સાથે રાજસ્થાનના ગજનેરમાં મીટિંગ કરી. આ મીટિંગમાં કંઈક ઠોસ વાત થઈ અને જે સાત જગ્યાઓ પર ચિત્તાને વસાવી શકાય તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવાની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી.

આમાં સૌથી પ્રાથમિક સ્પોટ કુનો નેશનલ પાર્ક ઠરાવવામાં આવ્યું. કુનોનો વિસ્તાર વધુ હતો. જો કે અહીંના ગ્રામવાસીને અન્ય જગ્યાએ વસાવવા માટે મોટી કવાયત કરવી પડે તેમ હતી. આ સિવાય રાજસ્થાનમાં પણ તેઓને વસાવવા અંગે વિકલ્પ વિચારાયા અને પછી જ્યારે તેના ખર્ચ પર વાત આવી ત્યારે લોકોના સ્થળાંતર અને ચિત્તાના લાવવાના મસમોટા ખર્ચ વિશે ફેર વિચારણા કરવાનું થયું. સુપ્રીમ કોર્ટે ચિત્તાને રિઇન્ટ્રોડ્યુસ કરવા અંગે નેશનલ બોર્ડ વાઇલ્ડલાઇફને પૂરી વિગત ફરી જોઈ જવાનું કહ્યું. આ દરમિયાન દેશના જાણીતા પર્યાવરણવાદી વાલ્મીકિ થાપરે ચિત્તાને લાવવાના પ્રોજેક્ટ પર અનેક સવાલ ખડા કર્યા. તેમણે કહ્યું ચિત્તાને અહીંયા વસાવવો એટલે કોઈ ‘વિદેશી’ને વસાવવા જેવું થશે.

એ જ પ્રમાણે અન્ય પ્રાણી સંરક્ષકોએ પણ ચિત્તાને દેશમાં લાવવાના પ્રોજેક્ટ પર સવાલ ખડા કર્યા છે. ટાઇગર બાયોલોજિસ્ટ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય ઉલ્લાસ કાંરથે કહ્યું છે કે ચિત્તા માટે મોટી જગ્યા જોઈએ જે જગ્યા દેશમાં ઉપલબ્ધ નથી. ઉપરાંત આ પ્રોજેક્ટ ખૂબ ખર્ચાળ છે. આપણે ત્યાં છે એ જ પ્રાણીઓને સુરક્ષિત રાખી શકાતા નથી ત્યારે અન્ય પ્રાણીઓને લાવવાનો શો અર્થ? ઉલ્લાસ કાંરથની આ દલીલ વાજબી છે. આમેય ચિત્તાને ખૂબ મોટો વિસ્તાર જોઈએ. તે સામાન્ય રીતે વાઘ અને સિંહની જેમ નાના વિસ્તારમાં જીવન વિતાવી શકતો નથી.

જો કે હવે આ અડચણો દૂર થઈ છે તેમ રિપોર્ટ તૈયાર થયા છે. દક્ષિણ આફ્રિકાની પણ એક ટીમ કુનો નેશનલ પાર્કની મુલાકાત લઈ ચૂકી છે અને તેમણે અહીંયાનો પૂરતો અભ્યાસ કર્યો છે. તેઓ ચિત્તાને અહીં લાવવા માટે હરી ઝંડી દાખવી ચૂક્યા છે. હવે આગળની પ્રક્રિયા થઈ રહી છે. ભારત સરકાર આ માટે પ્રાથમિક તબક્કામાં ચૌદ કરોડ રૂપિયા ખર્ચવાની છે. જો કે આ બધું જ આયોજન મુજબ થઈ રહ્યું હોવા છતાં ચિત્તાને અહીં લાવવાનું જોખમ ઘટતું નથી. આફ્રિકાના ખુલ્લા પ્રદેશોમાં વિહરતા ચિત્તાને ભારતમાં ક્યાંય એ પ્રકારનું વાતાવરણ મળવાનું નથી અને જ્યારે આપણે જોખમમાં મુકાયેલા વાઘ, સિંહને જ સુરક્ષા પૂરી પાડી શકતા નથી ત્યારે ચિત્તા કેવી રીતે સચવાશે તે સવાલ છે.

Most Popular

To Top