SURAT

પયગંબર પર ટીપ્પણીનો વિવાદ સુરત પહોંચ્યો, નૂપુર શર્માના ફોટાવાળા પેમ્ફલેટ આ બ્રિજ પર ફેંકાયા

સુરત(Surat) : ભાજપની (BJP) પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Noopur Sharma) દ્વારા મુસ્લિમોના (Muslim) ખુદા મહંમદ પયંગબર (Mohammad Paygambar) પર વાંધાજનક ટીપ્પણીનો (Controversy) મામલો સુરત સુધી પહોંચી ગયો છે. મંગળવારે રાત્રિના સમયમાં સુરતના જિલાની બ્રિજ પર કોઈ નૂપુર શર્માના ફોટા વાળા પેમ્ફલેટ રસ્તા પર ચોંટાડી ગયું હતું. નૂપુર શર્માના ફોટા પર ચોકડીનું અને જૂતા માર્યાનું નિશાન કરાયું હતું. જ્યારે તેની પર નૂપુર શર્મા અરેસ્ટ (Arrest) એવું લખવામાં આવ્યું હતું. આ પેમ્ફલેટ જિલાની બ્રિજના રોડ પર થોડા થોડા અંતરે ચોંટાડવામાં આવ્યા હતા, જેથી આવતા જતા વાહનો તેના પરથી વાહન દોડાવી રહ્યાં હતાં. સવારે જ્યારે વાહનચાલકોએ આ પેમ્ફલેટ જોયા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન કોઈકે પોલીસને આ બાબતે જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ અને આઈબી દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મુસ્લિમ બહુમતી વસતી ધરાવતા વિસ્તારમાં જિલાની બ્રિજ આવેલો છે, ત્યારે આ પેમ્ફલેટ કોણ અહીં ફેંકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જ્ઞાનવાપી મસ્જિદમાં (GyanVapi Masjid) શિવલિંગ છે કે ફૂવારો તે મુદ્દા પર એક રાષ્ટ્રીય કક્ષાની ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટનું આયોજન કરાયું હતું. આ ડિબેટમાં ભાજપના પ્રવક્તા તરીકે નૂપુર શર્માએ ભાગ લીધો હતો. આ ડિબેટમાં આવેશમાં આવી જઈ નૂપુર શર્માએ મહંમદ પયગંબર વિશે કેટલીક વાંધાજનક ટીપ્પણી કરી હતી, જેના લીધે ભારે વિવાદ સર્જાયો હતો. કાનપુરમાં હિંસા (Kanpur Riots) ફાટી નીકળી હતી. 7 જેટલાં ઈસ્લામિક દેશોએ આ બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો. ભારત સરકારે ખુલાસો કરવો પડ્યો હતો. કુવૈતમાં ભારતીય ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ભાજપ દ્વારા નૂપુર શર્માને પ્રવક્તાના પદથી ખસેડવા પડ્યા છે. વિવાદ વકરતા નૂપુર શર્માએ પણ જાહેરમાં માંગી છે, તેમ છતાં મામલો શાંત પડી રહ્યો નથી.

ધીમે ધીમે આ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે ભાજપ પણ બેકફૂટ પર આવી ગઈ છે, ત્યારે કાનપુર બાદ સુરતમાં નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે પેમ્ફલેટ ફરતા થતાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ પેમ્ફલેટ કોણે લગાવ્યા? તે જિલાની બ્રિજ પર જ કેમ ફેંકવામાં આવ્યા? તે દિશામાં પોલીસ અને આઈબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top