પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને TMCના પાંચ વખતના ધારાસભ્ય આશિષ બેનર્જીનું રહસ્યમય મોત, પાર્ટી કાર્યાલયમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો; સ્યુસાઇડ નોટમાં રાજકારણ અને ભ્રષ્ટાચારના આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો : પશ્ચિમ બંગાળના રાજકારણમાં રવિવારે સવારે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જી રામપુરહાટમાં તેમના ઘર સાથે જોડાયેલા પાર્ટી કાર્યાલયમાં લટકતી હાલતમાં મૃત મળી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક કથિત સ્યુસાઇડ નોટ પણ મળી છે. બીરભૂમના પોલીસ અધિક્ષક વિદિત રાજ ભુંડેશે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે હાલ આ કેસ આત્મહત્યાનો હોવાનું જણાય છે અને મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે ‘મારી મોત માટે કોઈ જવાબદાર નથી.’ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આશિષ બેનર્જી રામપુરહાટના વોર્ડ નંબર-5ના હટ્ટલાપારા વિસ્તારમાં રહેતા હતા અને તેમના ઘર સાથે જ TMCનું પાર્ટી કાર્યાલય પણ જોડાયેલું હતું. રવિવારે સવારે તેમનો મૃતદેહ આ કાર્યાલયમાંથી મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રામપુરહાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે સ્યુસાઇડ નોટ ખરેખર આશિષ બેનર્જીએ જ લખી હતી કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.આશિષ બેનર્જી પશ્ચિમ બંગાળના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય હતા. તેઓ 2001થી 2026 સુધી રામપુરહાટ વિધાનસભા બેઠક પરથી TMCના ધારાસભ્ય રહ્યા હતા અને કુલ પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા હતા. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ TMC સરકાર સત્તામાં આવ્યા બાદ તેમને રાજ્ય મંત્રીમંડળમાં મહત્વની જવાબદારીઓ મળી હતી. તેમણે સ્કૂલ એજ્યુકેશન અને કૃષિ જેવા મહત્વના વિભાગોમાં મંત્રી તરીકે કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ બન્યા હતા.
2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આશિષ બેનર્જીએ ફરી રામપુરહાટ બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે તેમને ભાજપના ઉમેદવાર ધ્રુવ સાહા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં પરાજય બાદ તેમની રાજકીય સક્રિયતા અગાઉની સરખામણીએ ઘટી હોવાનું સ્થાનિક સૂત્રોના હવાલાથી જણાવાયું છે.મૃત્યુ બાદ મળેલી કથિત હાથથી લખાયેલી ચિઠ્ઠીએ સમગ્ર મામલાને વધુ રહસ્યમય બનાવી દીધો છે. ચિઠ્ઠીમાં આશિષ બેનર્જીએ પોતાના લાંબા રાજકીય જીવન અને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે વિદ્યાર્થી જીવનથી જ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું નથી.
બર્ધમાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે કામ કરતી વખતે પણ ભ્રષ્ટાચાર સાથે કોઈ સમાધાન કર્યું ન હોવાનું તેમણે લખ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.ચિઠ્ઠીમાં તેમણે એવો પણ દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે કે તેમણે જીવનમાં ક્યારેય કોઈ કામના બદલામાં પૈસા લીધા નથી. તેમના હેઠળ કામ કરનારા અથવા તેમની સાથે જોડાયેલા લોકો પાસેથી પણ કોઈ આર્થિક લાભ લીધો નથી.એટલું જ નહીં, તેમણે વિદ્યાર્થીઓ પાસેથી એક મીઠાઈ પણ સ્વીકારી ન હોવાનું લખ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ રીતે તેમણે પોતાના પર લાગેલા નાણાકીય ગેરરીતિના આરોપોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.આશિષ બેનર્જીએ TRDA સાથે જોડાયેલા આરોપો અંગે પણ ચિઠ્ઠીમાં પોતાનો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે TRDAમાં જનરલ મીટિંગ સિવાય તેમની કોઈ જવાબદારી નહોતી. તે
ઓ કોઈ ટેન્ડર કમિટીના સભ્ય નહોતા અને કોઈ ચેક પર સહી કરવાની સત્તા પણ તેમની પાસે નહોતી. ઉપરાંત કોઈ પ્લાન મંજૂર કરવો અથવા નૉ-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની પ્રક્રિયામાં પણ પોતે સામેલ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.ચિઠ્ઠીમાં તેમણે પોતાને બદનામ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિને કારણે રાજકારણમાં આવવું કદાચ પોતાની ભૂલ હતી તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે પોતાના પરિવારની આગામી પેઢીને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે, ચિઠ્ઠીના અંતિમ ભાગમાં તેમણે સ્પષ્ટ રીતે લખ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે તેમની મોત માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી.આ સમગ્ર ઘટનાનો સંબંધ રામપુરહાટના TRDAને લઈને તાજેતરમાં સામે આવેલા ભ્રષ્ટાચારના આરોપો સાથે છે કે નહીં, તે અંગે પણ રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ TRDAમાં આશરે ₹500 કરોડની ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આશિષ બેનર્જીના મૃત્યુ અને તેમની કથિત ચિઠ્ઠીમાં TRDA અંગેના ઉલ્લેખને કારણે આ મુદ્દો હવે વધુ ચર્ચામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી બંને વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની પુષ્ટિ કરી નથી.મહત્વનું એ છે કે પોલીસ હજુ સ્યુસાઇડ નોટની સત્યતા, તે ક્યારે લખવામાં આવી હતી અને તે ખરેખર આશિષ બેનર્જીની જ હસ્તલિખિત છે કે નહીં તેની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ આગળ વધ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. હાલ પોલીસ આ કેસને પ્રાથમિક રીતે આત્મહત્યાનો મામલો માનીને તપાસ કરી રહી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.